
Retail Inflation: દેશમાં છૂટક મોંઘવારી દરમાં ભારે એવો ઘટાડો થયો છે. જેમાં ગત મહિને એટલે કે, જૂનમાં છૂટક ફુગાવાનો દર 6 વર્ષના નીચલા તળિયે જોવા મળ્યો છે. 2.10 ટકાના દરે છૂટક મોંઘવારી દર પહોંચતા સરકારને રાહત મળી છે. સરકાર તરફથી સોમવારે આની સાથે સંકળાયેલા આંકડા જાહેર કર્યા હતા. આંકડાઓ અનુસાર, જૂનમાં છૂટક મોંઘવારી ઘણા વર્ષોના નીચલા સ્તરે 2.1 ટકાએ પહોંચી ગયો છે.
છૂટક મોંઘવારી જૂનમાં 6 વર્ષથી વધુ નીચે આવી ગયો છે. મુખ્ય કારણ શાકભાજી, દાળ, માંસ અને દૂધ સહિત ખાદ્ય વસ્તુઓના ભાવમાં નરમી છે. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો મે મહિનામાં 2.82 ટકા અને જૂન-2024માં 5.08 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય ઓફિસ તરફથી અપાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, જૂન-2024ની સરખામણીએ જૂન-2025માં 5.08 ટકા માટે સીપીઆઈ પર આધારિત વર્ષ- દર વર્ષ ફુગાવાનો દર 2.1 ટકા હતો.તેમાં કહેવામાં આવ્યું છે કે, "મે 2025ની સરખામણીમાં જૂન-2025માં મુખ્ય ફુગાવો 72 બેસિસ પોઈન્ટ ઘટ્યો હતો. જાન્યુઆરી 2019 પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો ફુગાવો છે." અગાઉ, જાન્યુઆરી-2019માં 1.97 ટકાનો સૌથી નીચો દર નોંધવામાં આવ્યો હતો.
ચાલુ વર્ષે જૂન-2025માં મુખ્ય ફુગાવા અને ખાદ્ય ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો મુખ્યત્વે શાકભાજી, કઠોળ અને ઉત્પાદનો, માંસ અને માછલી, અનાજ અને અન્ય ઉત્પાદનો, ખાંડ અને કન્ફેક્શનરી, દૂધ અને ઉત્પાદનો અને મસાલાના ભાવમાં અનુકૂળ આધાર અસર અને મધ્યસ્થતાને કારણે થયો છે, એમ NSO એ જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જૂનની દ્વિમાસિક બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે મોંઘવારીનું અનુમાન ઘટાડીને 3.7 ટકા કરી દીધું હતું. કેન્દ્રીય બેંકે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે ફુગાવાનો દર 2.9 ટકા, બીજા ક્વાર્ટર માટે 3.4 ટકા, ત્રીજા ક્વાર્ટર માટે 3.9 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 4.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જૂનના આંકડા પણ આરબીઆઇ ના પ્રથમ ક્વાર્ટરના અંદાજ કરતા ઓછા હતા, જે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.