
વૈશ્વિક બજારોના હકારાત્મક સેન્ટિમેન્ટ વચ્ચે મંગળવારે (4 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો તીવ્ર વધારા સાથે બંધ થયા હતા. મેક્સિકો અને કેનેડા પર સૂચિત ટેરિફ ડ્યુટી 30 દિવસ માટે રોકવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં આ રાહતભરી તેજીના કારણે રોકાણકારોને 4.73 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. હકીકતમાં, તમામ બીએસઇ-લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી રૂ. 3.4 લાખ કરોડ વધીને રૂ. 423.70 લાખ કરોડ થઈ છે.
અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની યોજના હાલપૂરતી સ્થગિત કરતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. બેન્કિંગ, પીએસયુ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટના શેરોમાં તેજીના પગલે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1471.85 પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે 1397.07 પોઈન્ટ ઉછાળા સાથે 78583.81 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી50 23700 ક્રોસ
નિફ્ટી આજે મજબૂત તેજી સાથે 23700નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. જે 378.20 પોઈન્ટ ઉછળી 23738.25 પર બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે 126 શેરમાં અપર સર્કિટ વાગી હતી. એફએમસીજી સિવાય તમામ સેગમેન્ટમાં સુધારો નોંધાયો હતો. ટ્રેન્ટ, આઈટીસી હોટલ, બ્રિટાનિયા, નેસ્લેના શેરોમાં ગાબડું નોંધાયું હતું.
રોકાણકારોની મૂડી 5.62 લાખ કરોડ વધી
શેરબજારમાં એકંદરે પોઝિટિવ ટ્રેન્ડ સાથે રોકાણકારોની મૂડી 5.62 લાખ કરોડ વધી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4073 શેર પૈકી 2516 સુધારા તરફી અને 1406 ઘટાડા તરફી બંધ રહ્યા હતા. 240 શેરમાં અપર સર્કિટ અને 66 શેર 52 વીક હાઈ થયા હતા. જ્યારે 243 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. આ સાથે એકંદરે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
તમામ બેન્કિંગ શેરો ગ્રીન ઝોનમાં
આજે બેન્કિંગ સેક્ટરના મોટાભાગના શેરો ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, કેનેરા બેન્ક, કોટક બેન્ક, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્કના શેર 0.25 ટકાથી 3.50 ટકા સુધી સુધર્યા હતા.સરકારી કંપનીઓના શેરોમાં પણ તેજી નોંધાઈ હતી.
ટેરિફ વૉર, રેટ કટ, બજેટની અસર
ડોનાલ્ડ ટ્રમ્પે એક ફેબ્રુઆરીએ ગેરકાયદે ઈમિગ્રેશન અને ડ્રગના ગેરકાયદે વેપારના કારણે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બાદમાં ત્રણ ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પે રાહત આપતાં કેનેડા અને મેક્સિકોને બોર્ડર સિક્યોરિટી માટે મજબૂત કાયદો ઘડવા બદલ ટેરિફમાં 30 દિવસનો સમય આપ્યો હતો. ટ્રમ્પના આ પગલાંથી ટેરિફ વૉરની ભીતિ હળવી થતાં શેરબજાર ઉછળ્યા હતાં.
આરબીઆઈ આ સપ્તાહે યોજનારી મોનેટરી પોલિસીમાં વ્યાજના દર 25 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી અપેક્ષાઓ છે. જેના પગલે બેન્કિંગ શેરો તેજીમાં આવ્યા હતાં. વધુમાં બજેટમાં મધ્યમવર્ગ માટે મોટી રાહત આપતાં ટેક્સમાં ઘટાડો અને અન્ય પ્રોત્સાહક જાહેરાતોની બજાર પર અસર થઈ છે હવે બજારમાં ત્રિમાસિક પરિણામોના આધારે પોતાની આગામી ચાલ નિર્ધારિત કરશે.
આ 3 કારણોથી શેરબજારમાં તેજી આવી
1. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 30 દિવસ માટે મેક્સિકો અને કેનેડા પર સૂચિત ટેરિફ ચાર્જ રોકવાનો નિર્ણય લીધો છે. તેના કારણે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી હતી અને તેની અસર સ્થાનિક શેરબજાર પર પણ પડી હતી.
2. આ ઉપરાંત, પસંદગીના હેવીવેઇટ શેરોમાં ખરીદીએ સમગ્ર સત્ર દરમિયાન બજારમાં ઉત્સાહનું વાતાવરણ જાળવી રાખ્યું હતું.
3. ઉપરાંત તમામ મુખ્ય ક્ષેત્રોએ રેલીમાં યોગદાન આપ્યું હતું. તેમાં એનર્જી, બેન્કિંગ અને મેટલ અગ્રણી હતા. દરમિયાન, બ્રોડર ઈન્ડીકસમાં પણ નક્કર વૃદ્ધિ જોવા મળી હતી, જે 1.08% અને 1.6% ની વચ્ચે વધી હતી.
રોકાણકારોને પાંચ લાખ કરોડનો ફાયદો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર રોકવાના નિર્ણયને શેરબજારે બે હાથે વધાવી લીધું હતું. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ (એમ કેપ) રૂ. 5 લાખ કરોડથી વધુ વધીને રૂ. 425,04,589 કરોડ થયું છે. સોમવારે (3 ફેબ્રુઆરી) તે રૂ. 420,31,299 કરોડ હતો. આ મુજબ બીએસઇમાં લિસ્ટેડ તમામ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.73 લાખ કરોડનો વધારો થયો છે.
ડોલર સામે રૂપિયો મજબૂત થયો
ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે 87.0675 પર બંધ થયો, જે અગાઉના સત્રમાં 87.1850 હતો. આ પ્રાદેશિક ચલણમાં વધારો દર્શાવે છે. જોકે, યુએસ-ચીન ટ્રેડ વોરની ચિંતાએ રોકાણકારોને પરેશાન કરા નાંખ્યા હતા.