
Warren Buffett: પ્રખ્યાત રોકાણકાર અને બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટે તેમની સંપત્તિનો મોટો હિસ્સો દાન કરવાનો નિર્ણય લીધો છે. 94 વર્ષીય બફેટે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ બર્કશાયર હેથવેના લગભગ $6 બિલિયન મૂલ્યના શેર પાંચ ફાઉન્ડેશનોને દાન કરશે. આ પગલું તેમની મોટાભાગની સંપત્તિનું દાન કરવાના લગભગ બે દાયકા જૂના સંકલ્પનો એક ભાગ છે.
સમાચાર એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બફેટે જણાવ્યું હતું કે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટને 94.3 લાખ ક્લાસ બી શેર આપવામાં આવશે. આ ઉપરાંત, 29.2 લાખ શેર સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવશે, જેનું નામ તેમની પત્નીના નામ પરથી રાખવામાં આવ્યું છે, અને તેમના બાળકોના ત્રણ ફાઉન્ડેશન - શેરવુડ ફાઉન્ડેશન, હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશનને દાન કરવામાં આવશે. બફેટે વર્ષ-2010માં બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ સાથે ગિવિંગ પ્લેજ શરૂ કર્યું, જેનો ધ્યેય તેમના જીવનકાળ દરમિયાન અથવા તેમના મૃત્યુ પછી તેમની બધી સંપત્તિ દાનમાં આપવાનું છે.
વોરેન બફેટે ભૂતકાળમાં પણ મોટા દાન આપ્યા છે
વોરેન બફેટે 2006માં મોટા દાન આપવાનું શરૂ કર્યું હતું. ત્યારથી, તેમણે પાંચ ફાઉન્ડેશનોને બર્કશાયર બીના શેર આપ્યા છે, જે તે સમયે લગભગ 60 બિલિયન ડોલરના હતા. આ રકમ 2006માં તેમની કુલ સંપત્તિ કરતાં વધુ હતી.
બફેટે કહ્યું, "મારી પાસે કોઈ દેવું નથી અને મારી પાસે જે 1,98,117 ક્લાસ A શેર અને 1,144 ક્લાસ B શેર છે તેની કિંમત લગભગ 145 બિલિયન છે, જે મારી કુલ સંપત્તિના 99 ટકાથી વધુ છે." તેમણે એમ પણ કહ્યું કે તેમની વસિયતમાં તેમની 99.5 ટકા સંપત્તિ પરોપકારી કાર્યો માટે રાખવામાં આવી છે.
બફેટ પોતાની 99.5% સંપત્તિ પરોપકાર માટે સમર્પિત કરશે
આ વર્ષની શરૂઆતમાં બફેટે એલાન કર્યું હતું કે, તે 2025ના અંત સુધીમાં બર્કશાયર હેથવેના સીઇઓ પદ પરથી હટી જશે. તેમના સ્થાને, તેમના લાંબા સમયથી સહયોગી ગ્રેગ એબેલ આ જવાબદારી સંભાળશે. બફેટે સ્પષ્ટ કર્યું કે તેઓ બર્કશાયરનો એક પણ શેર વેચશે નહીં, પરંતુ ધીમે ધીમે તેમને દાન કરવાનું ચાલુ રાખશે. આ પગલું તેમના પરોપકારી મિશનને વધુ મજબૂત બનાવે છે.