
Anand news: આણંદ જિલ્લાના ઉમરેઠનું શિક્ષક દંપતી પવિત્ર ચારધામની યાત્રા કરવા ગયા બાદ છેલ્લા સવા મહિના ઉપર થવા છતાં કોઈ અતો પતો નથી. શિક્ષક મૂકેશ પટેલ અને તેમના પત્ની મનીષા પટેલ ધાર્મિક યાત્રાએ ચારધામ ગયા હતા. ઉમરેઠમાં બંને શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જો કે બીજી તરફ આ શિક્ષક દંપતી કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયા હોવાની વાતો પણ સામે આવી રહી છે. સાથી શિક્ષકો, મિત્રો અને ઓળખીતાઓ પાસેથી આ શિક્ષક દંપતીએ ઉછીના પૈસા લીધા હતા. ગુમ શિક્ષક દંપતીનો પુત્ર કેનેડામાં સેટલ હોય ત્યાં ભાગ્ય હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ પંચમહાલના અને આણંદ જિલ્લાના ઉમરેઠમાં શિક્ષક તરીકે ફરજ બજાવતું શિક્ષક દંપતી હિન્દુ ધર્મની પવિત્ર યાત્રા એવી ચારધામની યાત્રાએ ગયાને સવા મહિના ઉપર થવા આવ્યો છતાં હજી આ પતિ-પત્નીના કોઈ સગડ નથી. આટલું ઓછું હોય તેમ શિક્ષક મૂકેશ પટેલ અને તેમના પત્ની મનીષા પટેલ ધાર્મિક યાત્રા તો ઠીક પરંતુ કરોડો રૂપિયા ઉછીના લઈ વિદેશ ભાગ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તેમનો દીકરો કેનેડા સેટલ હોવાથી બંને ત્યાં ગયા હોવાની શંકા છે. 2 વર્ષ બાકી હોવા છતાં આ શિક્ષક દંપતીનો પાસપોર્ટ ફેબ્રુઆરીમાં રિન્યૂ કરાવ્યાનો શિક્ષણ વિભાગ તરફથી એનઓસી પ્રાપ્ત કરી હતી.
શાળાઓ શરૂ થઈ હોવા છતાં શિક્ષક દંપતી હાજર ન થતા રિપોર્ટ કરાયો ત્યારે આખી વાત સામે આવી છે. આ શિક્ષક દંપતીએ મિત્રો, સગા-વ્હાલા, સાથી શિક્ષકો પાસેથી ઉછીના પૈસા લઈ ચારધામ ગયા હતા. તેઓએ થોડા સમયમાં રૂપિયા પાછા આપવાની બાંયધરી પણ આપી હતી. જેથી શિક્ષણ વિભાગની ચકચારી ઘટના સામે આવી છે. ખરેખર ફુલેકુ ફેરવ્યું છે કે પછી ગુમ થઈ ગયા છે તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.