
Gujarat By Election: કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોંચ્યો છે. 19મી જૂનના મતદાન થવાનું છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે વહિવટીતંત્રએ તૈયારીઓ કરી છે. તેવામાં આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી જીતવા મતદારોને રીઝવવા માટેના જાહેર પ્રચાર પડઘમ શાંત થઇ જશે.કડી અને વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં છે.
કડી વિધાનસભામાં જામશે જંગ
કડી વિધાનસભા મતવિસ્તારમાં 17 જૂનના રોજ સાંજે પાંચ કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. મતવિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઇ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ખાતરી કરવામાં આવશે.
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રમેશ ચાવડા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે ત્યારે આમ આદમી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારોને કેટલું સમર્થન મતદારોનું મળે છે તેની ઉપર પરિણામો નિર્ધારીત થાય તેવી અટકળો છે.
વિસાવદરમાં મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસ
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આ સાથે ઉમેદવારોના સભા-સરઘસ, સાઉન્ડથી લોકોને મુક્તિ મળશે.મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર ગ્રુપ મીટિંગ દ્વારા પ્રચાર કરાશે.
19 જૂનના વિસાવદર વિધાનસભા ક્ષેત્રના 294 મથક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે. મહત્ત્વપૂર્ણ છે કે 17 વર્ષથી ભાજપ વિસાવદરમાં ચૂંટણી જીતી શક્યુ નથી.