
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચાટતું કરી દેનારા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં આજે તિરંગા યાત્રા યોજાઈ છે. ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળથી ચોક કિલ્લા સુધી યાત્રા નિકળી છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ સહિતના આગેવાનો જોડાયા છે. જ્યારે યાત્રામાં જોડાયેલી મહિલાઓએ માથામાં સિંદૂર પૂરીને ખુશી વ્યક્ત કરી છે.
દેશભક્તિના નારા લાગ્યા
ભાગળ ચાર રસ્તાથી નિકળે યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ, સાંસદ, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહે્યા છે. આ તિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી. યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, વોર્ડ સંગઠન, સેલ-મોરચાના હોદ્દેદારોથી લઈ તમામ બૂથના કન્વિનરો, પેજ પ્રમુખો, તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન થયું છે, જેમાં અલગ અલગ એનજીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તબીબો, બિલ્ડરો, વેપારીઓ જોડાયા છે. રાષ્ટ્રભક્તિના ગીત અને નારા સાથે યાત્રા યોજાઈ છે.
કેટલાક રસ્તા ડાયવર્ટ કરાયા
આ યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા ગોઠવામાં આવી છે. તિરંગા યાત્રા ભાગળ ચાર રસ્તા ખાતેથી નીકળી છે. રાત્રે 8.30 વાગ્યે ચોકબજાર ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થશે. આ યાત્રામાં ભાગળ નજીકના કેટલાક રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. યાત્રા મહિધરપુરા અને લાલગેટ તેમજ અઠવા પોલીસની હદમાંથી પસાર થશે, જેથી લોકલ પોલીસ પણ પોત-પોતાના વિસ્તારોમાં બંદોબસ્ત માટે તૈનાત રહ્યો છે.