
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે સોમવારે (2 જૂન) JEE Advanced 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટોપ કર્યું છે. તેણે 360માંથી 332 માર્ક્સ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે.
રિઝલ્ટની સાથે જ ફાઈનલ આન્સર કી પણ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE Advanced 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પોન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ગણિતનું પેપર સૌથી અઘરું
નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરું હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલા જ અઘરા હતા. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
JEE Advanced પરીક્ષામાં કુલ માર્ક્સની (એગ્રીગેટ માર્ક્સ) ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા માર્ક્સના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત માર્ક્સ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત માર્ક્સ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ માર્ક્સ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 માર્ક્સ છે. દરેક વિષય - ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 માર્ક્સ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 માર્ક્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે.