
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે દેશભરમાં જાતિગત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં 94 વર્ષ બાદ જાતિગત વસ્તીગણતરી કરાવવામાં આવશે. વર્ષ 2011ની જનગણનામાં જાતિ ગણવામાં આવી હતી પરંતુ તેના આંકડા ક્યારેય સામે આવ્યા નથી. હવે મોદી સરકારના આ નિર્ણયને લઇને વિપક્ષ વચ્ચે ક્રેડિટ વોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ જાતિગત વસ્તીગણતરીના નિર્ણયને રાહુલ ગાંધીની જીત ગણાવી રહ્યાં છે તો RJDએ પટણામાં પોસ્ટર લગાવીને આ નિર્ણયની ક્રેડિટ લાલુ યાદવ અને તેજસ્વી યાદવને આપી છે.
પોસ્ટરમાં શું લખ્યુ છે?
દેશમાં જાતિઆધારિત વસ્તીગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પટણામાં કોંગ્રેસ અને RJDએ પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસના પોસ્ટરમાં રાહુલ ગાંધીને અને RJDના પોસ્ટરમાં લાલુ-તેજસ્વી યાદવનો આભાર માનવામાં આવ્યો છે. કોંગ્રેસના પોસ્ટરમાં લખ્યુ છે- સરકાર કોઇની પણ હોય, સિસ્ટમ ગાંધીની જ ચાલશે. બીજી તરફ દિલ્હીના રસ્તા પર પણ કેટલાક પોસ્ટર લાગેલા છે. જનગણના મામલે કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીના પોસ્ટર સાથે લખ્યુ- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહીયે...
ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષને આપ્યો જવાબ
વિપક્ષના ક્રેડિટ વોર પર ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- કાલે જ્યારે આ નિર્ણય થયો ત્યારે કેટલાક લોકો ભડકી ગયા હતા. તે કહેતા હતા કે સરકાર તેમની છે, સિસ્ટમ અમારી છે. 1951માં સરકાર અને સિસ્ટમ પર કોનું નિયંત્રણ હતું? જો દેશમાં બાબા સાહેબ અને મહાત્મા ગાંધી ના હોત, જો નેહરૂના મનમાં સામાજિક સંવેદનશીલતાનો મુદ્દો ના હોત, જો બંધારણ સભાની સલાહ લેવાની જરૂર ના પડી હોત, તો આજે દેશમાં અનામત જ ના હોત. નેહરૂ જાતિ આધારિત અનામતના કટ્ટર વિરોધી હતા. મંડલ આયોગના રિપોર્ટને 10 વર્ષ સુધી કોને બંધ રાખી? વીપી સિંહની સરકારમાં ભાજપના સૂચન પર મંડલ આયોગનો રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો. રાજીવ ગાંધી પણ ઓબીસી અનામત વિરૂદ્ધ ભાષણ આપતા હતા. કોંગ્રેસ પાર્ટી હંમેશા દેશના વંચિત, આદિવાસી, દલિત અને પછાત વર્ગો વિરૂદ્ધ રહી છે.