
આજથી ચૈત્ર નવરાત્રીનો શુભ-આરંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે, હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે. આ નવરાત્રીમાં અનેક પ્રકારની શક્તિઓ જોવા મળે છે.
અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી છે. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો છે.સવારે મંગળા આરતીમાં ભકતો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી, જે 51 શક્તિપીઠોમાંનું એક અને આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, તેના પરિસરમાં "બોલ મારી અંબે, જય જય અંબે"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું
તો બીજી તરફ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.આ વખતે ચૈત્રી નવરાત્રીમાં આઠ દિવસ છે. બોલ મારી અંબે જય જય અંબે ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી ના દર્શન અને આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.