Home / Gujarat / Ahmedabad : housing will be allotted to non-Bangladeshis in chandola

Ahmedabad News: ચંડોળા તળાવ ડિમોલીશનને લઈ મોટો નિર્ણય, બાંગ્લાદેશી સિવાયના લોકોને ફાળવાશે આવાસ

Ahmedabad News: ચંડોળા તળાવ ડિમોલીશનને લઈ મોટો નિર્ણય, બાંગ્લાદેશી સિવાયના લોકોને ફાળવાશે આવાસ

દાણીલીમડા વોર્ડમાં આવેલા ચંડોળા તળાવની જગ્યાનું હાલમાં કોની પાસે પઝેશન છે એનો મ્યુનિ.તંત્રના અધિકારીઓ જવાબ આપતા નથી.તળાવની જગ્યામાં 10 હજાર કાચા-પાકા ગેરકાયદે દબાણ યથાવત છે. 2.50 લાખ ચોરસમીટર જગ્યામાં દબાણ હટાવવાની કામગીરી કરવાની બાકી છે. આમ છતાં તળાવની જગ્યામાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોનો સર્વે કરી ઈ.ડબ્લ્યુ. એસ. યોજના હેઠળ 1 ડિસેમ્બર-2010 પહેલાથી રહેતા હોવાના પુરાવા રજૂ કરનારાને આવાસ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત મંજૂર કરાઈ છે. તળાવની જગ્યામાં બાકી રહેતા દબાણ દુર કરવાની કામગીરી ટૂંક સમયમાં શરુ કરાશે એમ જાણવા મળ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દબાણ હટાવવાની કામગીરી હજી બાકી છે

11 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ચંડોળા તળાવની જગ્યામાં અંદાજે ચાર લાખ ચોરસમીટર જગ્યામાં ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ અને દબાણ કરાયા હતા. આ પૈકી 1.50 લાખ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી આટોપી લેવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(એસ્ટેટ) રિદ્ધેશ રાવલે કહયુ,તંત્ર દ્વારા કરવામાં આવેલા ડ્રોન સર્વેમાં હજુ 2.50 લાખ ચોરસમીટર જગ્યામાં કામગીરી કરવાની બાકી છે.

કોર્પોરેશનની કામગીરી

અગાઉ ડિમોલીશનની કામગીરી સમયે ચાર હજાર કાચા-પાકા બાંધકામના ગેરકાયદે દબાણ દુર કરાયા હતા. એક અંદાજ મુજબ 15 હજાર લોકો તળાવની જગ્યામાં વસવાટ કરે છે. વર્ષ-2015માં અમદાવાદ કલેકટર દ્વારા તળાવની જગ્યામાં કરાયેલા સર્વેમાં 8500 લોકો વસવાટ કરતા હતા.તળાવની જગ્યાનું પઝેશન હાલમાં કોની પાસે છે એ અંગે તેઓએ જવાબ આપવાનુ ટાળ્યુ હતુ. તળાવની ચોકકસ કેટલી જગ્યા છે એ જાણવા કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીમાર્કેશનની કામગીરી શરુ કરવામાં આવી છે.

આવાસની ફાળવણી પહેલા પોલીસ વેરિફીકેશન કરાવાશે

ચંડોળા તળાવની જગ્યામાં હાલમાં ગેરકાયદે રહેતા લોકોને સ્વૈચ્છીક રીતે ઘરવખરી,માલસામાન લઈ જઈ સ્વૈચ્છાએ મકાન ખાલી કરવા  મ્યુનિ.તંત્રે સુચના આપવી શરુ કરી છે.તળાવની જગ્યામાં ગેરકાયદે રહેતા લોકો બાંગ્લાદેશી છે કે આ અંગે જાણવા પોલીસ વેરિફીકેશન તેમજ સર્વે કરાવાશે.

Related News

Icon