
હાલના વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશે નોર્વે ચેસ ટૂર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. ચેસ કારકિર્દીમાં પહેલીવાર ગુકેશ ક્લાસિકલ ટાઈમ કંટ્રોલમાં કાર્લસનને હરાવવામાં સફળ રહ્યો છે. આ પરિણામ પછી, ટૂર્નામેન્ટમાં ગુકેશ અને કાર્લસનનો હેડ ટૂ હેડ રેકોર્ડ 1-1થી બરાબર છે. આ સાથે, ગુકેશે તેની કારકિર્દીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પણ હાંસલ કર્યું છે.
શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ગુકેશે શાનદાર વાપસી કરી
સ્ટેવેન્જરમાં ઘરઆંગણાના દર્શકો સામે રમીને, કાર્લસને રમતના મોટાભાગના સમયમાં લીડ જાળવી રાખી અને દબાણ બનાવી રાખ્યું હતું. જોકે, ગુકેશે દબાણની સ્થિતિમાં પણ શાનદાર રમત રમી અને શિસ્ત તેમજ ધીરજ સાથે પોતાનો બચાવ કર્યો અને અંતિમ તબક્કામાં કાર્લસન દ્વારા કરવામાં આવેલી ભૂલોનો લાભ લીધો. કાર્લસને તે ભૂલ કરતાની સાથે જ, ગુકેશે તેનો ફાયદો ઉઠાવ્યો અને કાર્લસેનને એવી હાર આપી જે તે હંમેશા યાદ રાખશે.
કાર્લસન આ હારથી ખૂબ જ નિરાશ દેખાતો હતો. હાર પછી, તેણે ટેબલ પર મુક્કો માર્યો હતો. આ પછી, તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. રાઉન્ડ 6 પહેલા, કાર્લસેન 9.5 પોઈન્ટ સાથે ટોપ પર હતો, ત્યારબાદ ફેબિયાનો કારુઆના 8 પોઈન્ટ સાથે અને હિકારુ નાકામુરા 6.5 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને હતા. ગુકેશની જીતથી ટાઈટલ માટેની રેસમાં નવો ઉત્સાહ આવ્યો છે. હવે ટૂર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લી કેટલીક મેચમાં, ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને આ ટૂર્નામેન્ટ જીતવા માંગશે.