Chota Udepur News: છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારના એક્પાયરી ડેટના અનાજ વિદ્યાર્થિઓને અપાઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોજારિયા ગામે ચાલતી અલ્પસાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના રસોડામાં એક્સપાયરી ડેટના ચોખા મળી આવ્યા છે. તેમજ ગોળના પેકીંગ ઉપર મેનુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ વગરનો ગોળ મળી આવ્યો છે. જયારે ઘઉંના પેકીંગ માં કોઈ પણ મેનુફેક્ચર ડેટ ન હતી.
કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભાજપ નેતા પીન્ટુભાઇ રાઠવા રસોડાના ગોડાઉનની મુલાકાત લેતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું. 1700 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા વાળી આદિજાતિ વિભાગ દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. યુવરાજ કેટરિંગના સંચાલકોએ પણ એક્સપાયરી ડેટ વાળો સમાન રસોડામાં હોવાનું કબુલ્યું હતું.
પિન્ટુ રાઠવાએ વિઝીટ દરમિયાન ઉચ્ચ અધિકારીઓને ફોનથી જાણ કરી
જયારે યુવરાજ કેટરિંગને દર વર્ષે 16 કરોડનો કોન્ટ્રાકટ કોઈપણ ટેન્ડર વિના આપવામાં આવે છે. આ કેટરિંગના માલિકના ગાંધીનગર સુધી હાથ લંબાયેલા હોવાથી અધિકારીઓ પણ વગર ટેન્ડરે કોન્ટ્રાકટ ચલાવી રહ્યા છે. જયારે શાળાના આચાર્યોની જવાબદારી હોવા છતાંય તેઓ કાળજી લેતા નથી એક્સપાયરી ડેટનો સમાન રસોડામાં વપરાતો હોવા છતાંય ધ્યાન આપતા નથી.
1700 કન્યા ઓને પીવાના પાણી માટે વોટરકુલર આપવામાં આવેલા છે તે બંધ હાલતમાં છે. દર વર્ષે 10 લાખનું વેચાતું પાણી જગથી મંગાવીને પીવા માટે મંગાવવામાં આવે છે. જયારે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ શાળાઓ માટે આપે છે. પરંતુ પીવાના પાણીની સુવિધા માટે ફાળવેલા કુલરો રીપેર કરાવતા નથી.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નસવાડી છોટાઉદેપુર અને બોડેલી તાલુકામાં 12 જેટલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલો ચાલે છે. અને 8 હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે અને રહેવા જાણવાની સુવિધા સાથે હોસ્ટેલ આવેલી છે.
કરોડોનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વિના અપાય છે
જયારે દર વર્ષે 16 કરોડનો કોન્ટ્રાકટ ટેન્ડર વગર આપનાર અધિકારી સામે કોઈ તપાસ થતી નથી ભ્રષ્ટાચાર ની ગંગોત્રી ગાંધીનગર થી ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ફૂડ એન્ડ દ્રગ વિભાગ બાળકીઓને આપવામાં આવતો ખોરાકનું ટેસ્ટિંગ કરશે કે નહિ.
રસોડામાં ગંદકી જોવા મળી જયારે રસોઈ બનાવવા માટે રાંધણ ગેસના બોટલ સબસીડી વાળા વાપરવામાં આવતા હતા. જયારે સરકારના નિયમ મુજબ આ રાંધણ ગેસના બોટલ કોમર્શિયલ બોટલથી રસોઈ બનાવવાની હોય છે. આવી રીતના રાંધણ ગેસના બોટલમાં પણ ગેરરીતિ જોવા મળી હતી.