Home / India : P Chidambaram raises questions on India alliance

થરૂરના રસ્તા પર ચિદમ્બરમ? પહેલા ભારત-પાક સિઝફાયરનો કર્યો બચાવ, હવે INDIA ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ

થરૂરના રસ્તા પર ચિદમ્બરમ? પહેલા ભારત-પાક સિઝફાયરનો કર્યો બચાવ, હવે INDIA ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા જોવા મળે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પણ કંઇક આવું જ વલણ અપનાવ્યું છે. ચિદમ્બરમે તાજેતરમાં એક અંગ્રેજી અખબારમાં લેખ લખીને Operation Sindoor અને ભારત-પાકિસ્તાન સિઝફાયરને લઇને કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. ચિદમ્બરમે 2024 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ તૈયાર INDIA ગઠબંધનના અસ્તિત્ત્વ પર સવાલ ઉભો કરી દીધો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચિદમ્બરમે INDIA ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા

ચિદમ્બરમે INDIA ગઠબંધનની સ્થિરતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ નથી કે તે હજુ પણ અકબંધ છે. દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે 'Contesting Democratic Deficit' પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આ ટિપ્પણી કરી હતી.

ચિદમ્બરમે કહ્યું, "આ પુસ્તકના લેખક મૃત્યુંજય સિંહ યાદવ માને છે કે INDIA ગઠબંધન હજુ પણ અકબંધ છે. મને આ વિશે ખાતરી નથી. કદાચ સલમાન ખુર્શીદ આનો જવાબ આપી શકે, કારણ કે તેઓ INDIA ગઠબંધનની વાતચીત ટીમનો ભાગ હતા. જો ગઠબંધન સંપૂર્ણપણે અકબંધ છે, તો હું ખૂબ ખુશ છું, પરંતુ તે ખૂબ મજબૂત લાગતું નથી. જોકે, તેને હજુ પણ મજબૂત બનાવી શકાય છે, સમય છે, વધુ ઘટનાઓ બનશે."

ચિદમ્બરમે પોતાના લાંબા રાજકીય અનુભવને શેર કરતા કહ્યું કે ફક્ત ચૂંટણી સમયે જ ગઠબંધન ન બનાવી શકાય. તેમણે કહ્યું, "ગઠબંધન અંગે મારો મત અલગ છે. તમિલનાડુના લાંબા અનુભવથી, મેં શીખ્યું છે કે ચૂંટણી સમયે ગઠબંધન બનતા નથી, તેને પાંચ વર્ષ સુધી પોષવું પડે છે. દેશમાં ફક્ત બે રાજ્યો એવા છે જ્યાં આ મોડેલ સફળ રહ્યું છે, તે છે કેરળ અને તમિલનાડુ. ત્યાં, ગઠબંધન હાર અને જીત બંનેમાં સાથે રહ્યા છે."

ચિદમ્બરમના ભાજપ પર આકરા પ્રહાર

જોકે, આ સમય દરમિયાન, તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે દેશના ઇતિહાસમાં ભાજપ જેવો સંગઠિત રાજકીય પક્ષ ક્યારેય રહ્યો નથી. ચિદમ્બરમે કહ્યું, "તે ફક્ત એક પક્ષ નથી, તે એક મશીન છે. તેની પાછળ બીજું એક મશીન છે. તેઓ સાથે મળીને દેશની સંસ્થાઓને નિયંત્રિત કરે છે. ચૂંટણી પંચથી લઈને પોલીસ સ્ટેશનો સુધી. તે લોકશાહીમાં શક્ય તેટલું શક્તિશાળી સંગઠન છે. તે એક-પક્ષીય શાસન માળખાની જેમ કાર્ય કરે છે, જોકે હું એમ નથી કહેતો કે આપણે એક-પક્ષીય શાસનમાં છીએ."

સલમાન ખુર્શીદે ચિંતા વ્યક્ત કરી

પુસ્તકના સહ-લેખક અને ભૂતપૂર્વ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે INDIA ગઠબંધનને અકબંધ રાખવાની જવાબદારી તમામ પક્ષોની છે. કોંગ્રેસના નેતાએ કહ્યું, "જો તમે કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવા માંગતા હો તો તમે તેને વારંવાર અપમાનિત કરી શકતા નથી કે દબાણ કરી શકતા નથી. પુસ્તકમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં આપણી સંવેદનશીલતાને અવગણવામાં આવી હતી."

Related News

Icon