
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નિપજ્યું છે. મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો.
રાત્રે તબિયત ખરાબ થઈ
મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે,"રાત્રે લગભગ 12 વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી. તેને સતત ઝાડા અને ઉલટી થઈ રહી હતી. અમે તાત્કાલિક 108 બોલાવીને હોસ્પિટલ પહોંચ્યા, પણ ત્યાં ડોક્ટરોએ કહ્યું કે તે બચી શક્યું નહીં."કુટુંબ વિશે જણાવાયું કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને થોડા સમય પહેલા રોજગારી માટે સુરતમાં રહેવા આવ્યા હતા. હાલમાં પરિવારમાં એક જ દીકરી રહી ગઈ છે, બાળકના મૃત્યુથી પરિવાર શોકગ્રસ્ત છે.
બદલાતા વાતાવરણે સર્જી ચિંતા
પાંડેસરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ બાળકના મૃત્યુ પાછળ કોઈ અન્ય કારણ તો નથી તેની દિશામાં તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે.શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે બાળકોમાં વધી રહેલી બિમારીઓની ઘટનાઓ પર તંત્ર માટે પણ ગંભીર ચિંતાનું કારણ ઊભું થઈ રહ્યું છે.