Home / Entertainment : The story of the Jewish angel

Chitralok : વાત યહૂદીઓના ફરિશ્તાની 

Chitralok : વાત યહૂદીઓના ફરિશ્તાની 

- સિનેમા એક્સપ્રેસ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- શિંડલર્સ લિસ્ટ

- ભયાનક કત્લેઆમની વચ્ચે સેંકડો માણસોને બચાવવાનું કામ શિંડલર જેવો અવિચારી અને 'બદમાશ' માણસ જ કરી શક્યો હોત.

ઇઝરાયલ-ઇરાનના યુદ્ધને કારણે આખી દુનિયાનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે ત્યારે નાઝી નરસંહારની થીમવાળી સ્ટીવન સ્પિલબર્ગની ક્લાસિક 'શિંડલર્સ લિસ્ટ' (૧૯૯૩)ને યાદ ન કરીએ તે કેમ ચાલે? કશી જ પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા ફિલ્મ પર આવી જઈએ. ૧૯૩૯નું વર્ષ છે. સ્થળ છે પોલેન્ડનું ક્રેકો નામનું નગર. બીજાં વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ચુક્યો છે. જર્મનીની સેનાએ પોલેન્ડના આર્મીને ત્રણ જ અઠવાડિયામાં હરાવી દીધું છે. ચેકોસ્લોવેકિયાથી ઓસ્કર શિંડલર નામનો એક સફળ અને રંગીન મિજાન બિઝનેસમેન અહીં આવી પહોંચે છે.

એ ખુદ નાઝી પાર્ટીનો સભ્ય છે. પોલેન્ડની જ્યુ એટલે કે યહૂદી પ્રજામાં તેને સાવ સસ્તામાં શરીર તોડીને મજૂરી કરતા લાચાર કામદારો દેખાય છે. શિંડલરનો ઈરાદો એવો છે કે અહીં કારખાનું નાખી, આ ચીપ લેબરનો લાભ લઈ, જર્મન મિલિટરીનાં રસોડા માટે જરુરી વાસણો મેન્યુફેક્ચર કરતી ફેક્ટરી નાખીને ચિક્કાર પૈસા બનાવવા. શિંડલર માટે કામ કરનાર યહૂદી કારીગરોને બહુ મોટો ફાયદો એ છે કે તેમને નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલીને બીજા યહૂદીઓની જેમ મારી નાખવામાં નહીં આવે, જોકે જીવતા રહેવા દેવામાં આવશે. 

દરમિયાન એમોન ગોએેથ (રાલ્ફ ફાઈન્સ) નામનો એક જડભરત નાઝી ઓફિસર ક્રેકો આવે છે. એના અત્યાચાર જોઈને શિંડલર જેવો કાબો અને સ્વકેન્દ્રી માણસ વ્યથિત પણ થઈ જાય છે. એ ગોએથ સાથે દોસ્તી કરી, એને લાંચ આપી, પોતાના માટે એક સબ-કેમ્પ ઊભો કરે છે કે જેથી પોતાના કારીગરોને એમાં કામે લગાડીને તેમને સુરક્ષિત કરી શકાય.

થોડા સમય પછી ગોએથને ઉપરીઓનો આદેશ આવે છે કે એણે ઉભી કરેલી કન્સ્ટ્રક્શન સાઈટને વિખેરી નાખવી અને બચેલા યહૂદીઓને  ઓશ્કવિટ્ઝ (કે જ્યાં ગેસ ચેમ્બરમાં સૌને ઘાતકી રીતે મારી નાખવાના છે) નામના સ્થળે મોકલી આપવા. શિંડલર એને વિનંતી કરે છે કે તું મારા કારીગરોને મારી પાસે જ રહેવા દે, હું એ સૌને મોરાવિઆ નામની જગ્યાએ આવેલી મારી જૂની ફેક્ટરીમાં કામે લગાડી દેવા માગું છું. જે માણસોને ઓશ્કવિટ્ઝ મોકલવાના નથી એ લોકોનું એક લિસ્ટ શિંડલર અને સ્ટર્ન તૈયાર કરે છે. 

શિંડલરના આ લિસ્ટમાં સ્થાન પામતા પુરુષો તો સલામત રીતે મોરાવિઆ પહોંચી જાય છે, પણ કશીક ગરબડને કારણે સ્ત્રીઓ અને બાળકોને ભુલથી ટ્રેનમાં ઓશ્કવિટ્ઝ મોકલી દેવામાં આવે છે. પહેલાં તો મહિલાઓના આડેધડ વાળ કાપી નાખવામાં આવે છે. પછી સંપૂર્ણ નગ્ન કરીને ગેસ ચેમ્બર જેવા દેખાતા એક ઓરડામાં ઘેટાબકરાંની જેમ ઠાંસી દેવામાં આવે છે. અચાનક છતમાં ગોઠવેલા શાવરમાંથી પાણીની ધારાઓ છૂટે છે. તે દિવસે તો ખેર, તેમનો જીવ બચી જાય છે. શિંડલરને આ ઘટનાની ખબર પડતાં જ એ હાંફળોફાંફળો ઓશ્કવિટ્ઝ પહોંચે છે. ત્યાંના નાઝી કમાન્ડરને તોતિંગ લાંચ આપીને પોતાની તમામ મહિલા કામદારો અને બાળકોને  હેમખેમ સાઈટ પર લેતો આવે છે. 

વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી યહૂદી કારીગરો માટે શિંડલરની ફેક્ટરી અભેદ્ય કિલ્લો બની રહે છે. શિંડલરના નાણાં નાઝીઓને લાંચ આપવામાં ખતમ થઈ જાય છે. લડાઈ પૂરી થતાં સોવિયેટ રશિયાનું રેડ આર્મી હવે અહીં ગમે ત્યારે આવી પહોંચે તેમ છે. તે પહેલાં શિંડલરે અહીંથી નાસી જવાનું છે. એ અલવિદા કહેવા તમામ ફેક્ટરી વર્કર્સને ભેગા કરે છે. કારીગરો એમને એક કાગળ આપે છે, જેમાં લખ્યું છે કે તમે ભલે નાઝી હો, પણ તમે ગુનેગાર નથી, તમે તો અમારા માટે તો ભગવાન છે. 

શિંડલર ગળગળો થઈ જાય છે. એ લાગણીશીલ થઈને કહે છે કે હું હજુ ઘણું વધારે કરી શક્યો હોત, હું ઘણા વધારે લોકોને બચાવી શક્યો હોત! બીજે દિવસે પરોઢિયે શિંડલર પત્ની સાથે નીકળી જાય છે. રશિયન સૈનિકો આવીને કારીગરો સામે ઘોષણા કરે છે કે યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે, તમે સૌ હવે આઝાદ છો! મુખ્ય કથા અહીં પૂરી થાય છે, પણ વાત ચાલુ રહે છે. હવે બચી ગયેલા રિઅલ-લાઈફ યહૂદીઓના દશ્યો આવે છે. સ્વાભાવિક રીતે જ હવે તેઓ બુઢા થઈ ગયા છે. પોતાનાં સંતાનો અને સંતાનોનાં પણ સંતાનોની સાથે સૌ શિંડલરની કબરનાં દર્શન કરવા આવ્યા છે. તે વખતે શિંડલરે ૧,૧૦૦ યહૂદીઓને બચાવ્યા હતા. હવે (એટલે કે ફિલ્મ બની તે વખતે) તેમની સંખ્યા વધીને ૬,૦૦૦ જેટલી થઈ ગઈ છે. આ બિંદુ પર આ અદભુત ફિલ્મ પૂરી થાય છે.

આને કહેવાય રેન્જ!

આ ફિલ્મ થોમસ કેનીઅલી નામના લેખકનાં 'શિંડલર્સ આર્ક' નામનાં પુસ્તક પર આધારિત છે. યુનિવર્સલ સ્ટુડિયોના ટોપ બોસ સિડની શીનબર્ગે ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને સૌથી પહેલાં તો 'ન્યુયોર્ક ટાઈમ્સ'માં છપાયેલા આ પુસ્તકનો રિવ્યુ વાંચવા માટે મોકલ્યો હતો. સ્પીલબર્ગ ખુદ યહૂદી છે. ઓસ્કર શિંડલરની કથા વાંચીને એ ઝુમી ઉઠયા. તેઓ માની ન શક્યા કે ખરેખર આવો કોઈ માણસ થઈ ગયો છે, જે ખુદ નાઝી હોવા છતાં સેંકડો યહૂદીઓનો જીવનદાતા બન્યો. આ તે કેવું વિરોધાભાસી વ્યક્તિત્ત્વ! એમને રસ પડયો એટલે યુનિવર્સલ સ્ટુડિયોએ પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા. 

શિંડલર જેવા રોલ પર, અફકોર્સ, આખા હોલીવૂડની નજર હોવાની. વોરન બેટ્ટી, કેવિન કોસ્નર અને મેલ ગિબ્સન જેવા એક્ટર્સને પાછળ રાખી દઈને લિઆમ નિસન નામના અભિનેતાએ બાજી મારી લીધી. મોટા ભાગનું શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યું છે. જે ચોક્સાઈથી માણસોનાં ટોળાનાં દશ્યોને શૂટ કરવામાં આવ્યાં છે તે અપ્રતીમ છે. શરૂઆત અને અંતને બાદ કરતાં ત્રણ કલાક આઠ મિનિટની આ ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ થઈ છે. વચ્ચે અચાનક બે જ વખત રંગો દેખાય છે. 

એવું તે શું બન્યું કે શિંડલર જેવા નફાખોર માણસનું એકાએક હૃદય પરિવર્તન થયું ને એણે દુશ્મન પ્રજાના સદસ્યોને બચાવવા પોતાની સઘળી મૂડી ફૂંકી મારી? આ પ્રર્શ્નનો કોઈ ઉત્તર ફિલ્મ આપતી નથી. જીવનમાં અને આપણી આસપાસ ઘણું બધું ન સમજાય એવું, અતાકક લાગે એવું બનતું હોય છે. ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે તેમ, ભયાનક કત્લેઆમની વચ્ચે આ રીતે વિરોધી છાવણીના સેંકડો માણસોને બચાવવાનું કામ શિંડલર જેવો અવિચારી અને બદમાશ જ કરી શક્યો હોત. વિચારી વિચારીને પગલાં ભરતા સેન્સિબલ માણસનું આ કામ નહીં! 

'શિંડલર્સ લિસ્ટ' સાચા અર્થમાં માસ્ટરપીસ છે. સાત ઓસ્કર અવોર્ડ્ઝ જીતી લેનાર આ ફિલ્મે સ્ટીવન સ્પીલબર્ગને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દીધા. અત્યાર સુધી જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોરની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ઐતિહાસિક કરુણાંતિકા પર આધારિત 'શિંડલર્સ લિસ્ટ' જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખવામાં કામયાબ નીવડયો. વોટ અ રેન્જ! એક વાર જોયા પછી કદી ભુલી ન શકાય એવી અદભુત ફિલ્મ.  

- શિશિર રામાવત

Related News

Icon