
- દાસ્તાન-એ-સિનેમા
- 'ગાઈડ'ના હિન્દી વર્ઝનનું દિગ્દર્શન વિજય આનંદે કર્યું હતું, જ્યારે ઈંગ્લિશનું દિગ્દર્શન ટેડ ડેનિયેલ્સ્કીએ કર્યું હતું. નોબલ પ્રાઈઝ વિનર પર્લ એસ. બકે અંગ્રેજી વર્ઝનનો સ્ક્રીનપ્લે લખ્યો હતો
વાત ૧૯૩૦ની છે. મદ્રાસના એક જુવાનિયાએ બ્રિટનના ઓક્સફર્ડમાં રહેતા પોતાના મિત્રને પત્ર લખ્યો. તેમાં એક સરસ મજાની સ્વરચિત વાર્તા કરી હતી. અને અંતે લખ્યું હતું કે, જો વાંચીને મજા ના આવે તો લેટરને થેમ્સ નદીમાં ફેંકી દેજે. મિત્રની વાત છોડો, આ કથાને લગભગ ૧૦૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં આજની તારીખે પણ તે રિલેવન્ટ છે. આ જુવાનિયાનું નામ રાશીપુરમ કૃષ્ણસ્વામી ઐયર નારાયણસ્વામી, જેમને આપણે આર. કે. નારાયણ તરીકે ઓળખીએ છીએ. જે કથાની અહીં વાત થઈ રહી છે તે છે, 'સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ'. આર. કે. નારાયણની આ સ્ટોરી અને અન્ય શોર્ટ સ્ટોરીઝ પરથી ટીવી સિરિયલ 'માલગુડી ડેઝ' બનાવવામાં આવી છે, જે 'ધ ગ્રેટેસ્ટ જનરેશન' (૧૯૦૧થી ૧૯૨૭ની વચ્ચે જન્મેલા)થી લઈને 'જનરેશન ઝી' (૧૯૯૭થી ૨૦૧૨ની વચ્ચે જન્મેલા) અને ઈવન અત્યારની 'જનરેશન આલ્ફા'ને પણ પસંદ છે.
શંકર નાગના દિગ્દર્શન અને નારાયણના ભાઈ આર. કે. લક્ષ્મણના કાર્ટૂનથી સજ્જ આ ટીવી સિરિયલ ૧૯૮૬માં દુરદર્શન પર રિલીઝ કરાઈ હતી. લખાણનો પ્રભાવ એટલો ગજબનો કે, ભારતમાં 'માલગુડી' જેવું કોઈ નગર ન હોવા છતાં વાંચકો અને સિરીયલ જોનારા દર્શકોને એક આભાસ કે, દક્ષિણ ભારતમાં ક્યાંક તો 'માલગુડી' જરુર આવેલું છે! સ્વામી અને અન્ય કેરેક્ટર્સ એટલી હદે દમદાર કે આપણી આસપાસના જ લાગે. મિલેનિલ્યસ તો જાણે તેમની સાથે જ સ્કૂલમાં ભણ્યા છે. આજકાલ કોઈ સિરીઝનો જાદુ થોડા સમય બાદ ઓસરી જાય ત્યારે એલ. વૈધનાથનના થીમ મ્યુઝિક સાથે ગુંજતી આ સિરીઝ આજે પણ યુટયુબ અને એમેઝોન પ્રાઈમ પર પોપ્યુલર છે.
આર. કે. નારાયણની લોકપ્રિયતાની તાજેતરની જ વાત કરીએ તો, થોડા મહિના પહેલા અમેરિકાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કનાં બાળકોને આર. કે. નારાયણની કથાઓનો સંગ્રહ ગિફ્ટમાં આપ્યો હતો. આ કલેક્શન પૈકીની એક નવલકથા એટલે 'ગાઇડ', જેના પરથી હિન્દી અને ઈંગ્લિશ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી છે. આ બે માંથી એકની ગણના કલ્ટ ક્લાસિક તરીકે થઈ તો બીજી વિસરાઈ ગઈ. આમ, નારાયણે 'માલગુડી'ના સ્વામીને જ નહીં 'માલગુડી'ના જ રહેવાસી રાજુને પણ વર્લ્ડ ફેમસ બનાવ્યો છે. રાજુ એક ગાઈડ હતો, જે પોતાની ચાલાકીને કારણે જીવનમાં પ્રગતિ કરે છે અને આ ચાલાકી જ તેના પતનનું કારણ બને છે. આ દરમિયાન રાજુ કેવી રીતે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે તેની સરસ મજાની કથા દર્શકોને જકડી રાખે છે.
હોલિવુડ મૂવી - 'ધ ગાઈડ'
આ બોલિવુડની પહેલી ફિલ્મ હતી કે જેનું ઈંગ્લિંશ વર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું. હિન્દી વર્ઝનનું દિગ્દર્શન વિજય આનંદે કર્યું હતું. જ્યારે, ઈંગ્લિશનું દિગ્દર્શન ટેડ ડેનિયેલ્સ્કીએ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ, નોબલ પ્રાઈઝ વિનર પર્લ એસ. બકે અંગ્રેજી વર્ઝનનો સ્ક્રીનપ્લે લખ્યો હતો. દેવ આનંદ ઈચ્છતા હતાં કે, તેઓ બોલિવુડ સુધી સીમિત ન રહે. આ વચ્ચે ૧૯૬૧ના બલન ફિલ્મ ફેસ્ટિવલમાં દેવ આનંદની મુલાકાત ટેડ ડેનિયેલ્સ્કી અને પર્લ બક સાથે થઈ હતી. તેમણે ઈન્ડિયન એક્ટર્સ સાથે મળીને ઈંગ્લિશ ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈન્ડિયા અને ઈંગ્લિશનું ગજબનું કોમ્બિનેશન દેવ આનંદને આર. કે. નારાયણમાં દેખાયું કે જેઓ ઈન્ડિયાની કહાણી ઈંગ્લિશમાં કહેતા હતા. ૧૯૫૮માં રિલીઝ થયેલી તેમની નવલકથા 'ધ ગાઈડ' દેવ આનંદને ખૂબ પસંદ આવી હતી. તેમને આ નવલકથામાં એક સુપરહિટ ફિલ્મના તમામ ગુણો દેખાયા હતા. સૌથી મોટી અડચણ હતી, આર. કે. નારાયણ પાસેથી ફિલ્મના રાઈટ્સ ખરીદવાની. દેવ આનંદે પોતાના અંદાજમાં આર. કે. નારાયણને ફોન લગાવીને કહ્યું કે, 'જો આપણે હોલિવુડને જીતવું હોય તો હાથ મિલાવવા પડે.' દેવ આનંદની સ્ટાઈલ પર ફિદા નારાયણ તરત જ રાજી થઈ ગયા હતા.
દેવ આનંદે ૧૯૬૨માં ફિલ્મના શ્રીગણેશ કર્યા હતા. સમય અને ખર્ચ બચાવવા માટે એકસાથે હિન્દી અને ઈંગ્લિશમાં ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. પર્લ બક વહીદા રહેમાનના કોચ બન્યાં હતાં. તેઓ વહીદાજીને ઈંગ્લિશ ઉચ્ચારણો શીખવાડતા. હિન્દી વર્ઝનમાં એસ. ડી. બર્મનનાં ગીતો હતાં, તો ઈંગ્લિશ વર્ઝનમાંથી ગીતોની બાદબાકી કરીને ફિલ્મનો 'બોલ્ડ રોમેન્ટિક અન્ડરટોન' અકબંધ રાખવામાં આવ્યો હતો. ડેનિયેલ્સ્કી ઈંગ્લિશ ફિલ્મમાં કિસિંગ સીન ઉમેરવા માંગતા હતાં, પરંતુ વહીદા રહેમાને ચોખ્ખી ના પાડી દીધી હતી.
ફેબ્રુઆરી ૧૯૬૫માં ન્યૂ યોર્કમાં ૧૨૦ મિનિટના ઈંગ્લિશ વર્ઝન 'ધ ગાઈડ'નું પ્રીમિયર યોજાયું હતું. તે સુપરડુપર ફ્લોપ રહી હતી. ફિલ્મ સમીક્ષકોના મતે, દેવ આનંદ વિચિત્ર રીતે અંગ્રેજી ડાયલોગ બોલતા હતા. જેમ હિન્દી દર્શકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાયા હતા તેનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ ઈંગ્લિશ દર્શકોની રહી. પોતાના રમૂજી સ્વભાવ માટે જાણીતા નારાયણે ઈંગ્લિશ વર્ઝન વિશે કહ્યું હતું કે, 'આ ગાઈડ તો પોતે જ મિસગાઈડેડ છે.' જોકે આ ફિલ્મે દેવ આનંદ માટે હોલિવુડના દરવાજા ખોલી દીધા હતા.
જાણીતા પ્રોડયુસર ડેવિડ ઓ. સેલ્ઝનીકના પ્રોજેક્ટમાં તેમને જેનિફર જ્હોન્સ વિરૂદ્ધ કાસ્ટ કરવામાં આવ્યા હતા. જૂન, ૧૯૬૫માં ડેવિડના મૃત્યુ બાદ પ્રોજેક્ટ પડી ભાંગ્યો હતો. દેવ આનંદે હોલિવુડના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેમણે મનોહર માલગાઉકરની 'ધ પ્રિન્સિસ'ના રાઈટ્સ ખરીદ્યા હતા. ત્યારબાદ, ૧૯૭૦માં ઈન્ડો-ફિલિપોનો ડ્રગ સ્મગલિંગ ડ્રામા 'ધ એવિલ વિધીન' સાથે દેવ આનંદે ફરી હોલિવુડને એક નવી ફિલ્મ આપી હતી. આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નહોતી. 'ગાઈડ'ના અંગ્રેજી વર્ઝનનું રિલીઝના ૪૨ વર્ષ બાદ ૨૦૦૭ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. દેવ આનંદને ખુદને ઈંગ્લિશ વર્ઝન 'આત્મા' એટલે કે સંગીત વિના અધૂરું જ લાગતું હતું.
ફિલ્મ, આત્મા અને સંગીત
મહાન કવિ શૈલેન્દ્રના શબ્દો, એસ. ડી. બર્મનનું મ્યુઝિક અને મોહમ્મદ રફી, કિશોરકુમાર તથા લતા મંગેશકરને કારણે 'ગાઈડ'નું સંગીત અલગ તરી આવે છે. 'દાદા'ના હુલામણા નામે જાણીતા એસ. ડી. બર્મન આ ફિલ્મ દરમિયાન બીમાર પડયા હતા. કહેવાય છે કે, દાદાના સુપુત્ર આર. ડી. બર્મને અધવચ્ચેથી સંગીતની જવાબદારી ઉપાડી લીધી હતી. ફિલ્મના સંગીતમાં એસ. ડી. બર્મનનો આત્મા હતો. તેમણે પુત્રને કહ્યું હતું કે, 'ગાઈડ' કોઈ સામાન્ય ફિલ્મ નથી, ફિલ્મની આધ્યાત્મિક અને કાવ્યાત્મક છટાને દર્શાવવા માટે તેનું સંગીત મહત્ત્વનું છે.
એક તરફ, 'પિયા તોસે નૈના લાગે રે...'માં પ્રેમિકાનો પ્રેમનો એકરાર અને બીજી તરફ, 'ગાતા રહે મેરા દિલ તુ હી મેરી મંઝિલ...'માં પ્રેમીનો જવાબ. એક તરફ, બેવફા પ્રેમી માટે, 'મોસે છલ કિયે જાયે, હાય રે હાય હાય હાય દેખો સૈયા બેઈમાન...' ગાતી પ્રેમિકા અને તેનો 'ક્યાં સે ક્યાં હો ગયા બેવફા તેરે પ્યાર મૈ...' સાથે જવાબ આપતો ઘાયલ પ્રેમી. 'પ્યાર મે જિનકે સબ જગ છોડા ઔર હુએ બદનામ ઉનકે હી હાથો હાલ હુઆ યે... બૈઠે હૈ દિલ થામ અપને કભી થે.. અબ પરાયે... દિન ઢલ જાયે...' નાયકની પીડાને શબ્દો આપે છે. અંતે, 'લાખ મના લે દુનિયા, સાથ ના યે છૂટેગા, આ કે મેરે હાથોં મે હાથ ના યે છૂટેગા, ઓ મેરે જીવન સાથી... તેરે મેરે સપનેં અબ એક રંગ હૈં...' સાથે શુભ સમાપન.
ના ઈન્સાન, ના ભગવાન, સિર્ફ મૈં હૂં...
'વહાં કૌન હૈ તેરા મુસાફિર.. તૂ જાયેગા કહાં, દમ લે લે ઘડી ભર, યે છૈયા, પાયેગા કહાં... વહાં કૌન હૈ તેરા...'
જેલમાંથી છૂટેલા રાજુ (દેવ આનંદ) પાસે બે વિકલ્પ હોય છે. પાછા એ જ વાતાવરણમાં જવું જ્યાં તિરસ્કાર હશે,ઘુર્ણા હશે અને દરેક આંખમાં સવાલ હશે... કે પછી નવો મુકામ શોધવો કે જ્યાં નવા ચહેરા, નવી હવા અને ઘડીભરની શાંતિ હશે. રાજુ બીજા વિકલ્પની પસંદગી કરીને નીકળી પડે છે. પોતાનાથી જ ભાગતો માણસ રાજુ એક દિવસ થાકી જાય છે. આ દરમિયાન તેને એક સાધુ મહાત્માના આશીર્વાદ એમનાં ભગવા વના રૂપમાં મળે છે. આને ભગવાનના નામની તાકાત કહો કે મહાત્માના આશીર્વાદ - એક સમયનો ખુદ દુ:ખી રાજુ અનેકના દુ:ખ દૂર કરવા લાગ્યો.
દરમિયાન ફિલ્મના ફ્લેશબેકમાં આપણે રાજુના જેલમાં જવાની કહાણી જોઈએ છીએ. રાજુ નામનો ચાલાક ગાઈડ, માર્કો અને તેની પત્ની રોઝી (વહીદા રહેમાન)ના સંપર્કમાં આવે છે. ગણિકાની પુત્રી એવી રોઝીનાં લગ્ન માથાફરેલા આધેડ પુરાતત્ત્વવિદ માર્કો સાથે બળજબરીથી કરાવવામાં આવ્યાં છે. આ સગવડિયા અરેન્જ મેરેજ તૂટવાનાં હતાં તે જાણે નક્કી જ હતું. દરમિયાન રાજુ રોઝી સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. માર્કોથી બચવામાં રાજુ રોઝીની મદદ કરે છે, અને પછી રોઝીના પૈસે એ દારૂ-જુગારમાં રત રહે છે ને તાગડધિન્ના કરે છે. 'યાદ મે નશા કરતાં હૂં ઓર નશે મે યાદ કરતા હૂં..' ડાયલોગમાં કદાચ આ જ વાત કહેવાઈ છે. પ્રેમિકાના દાગીના વેચવા માટે ખોટી સહી કરનાર રાજુની બેવફાઈને 'જબ મતલબ સે પ્યાર હોતા હૈ, તો પ્યાર સે મતલબ નહીં રહેતા' સંવાદમાં વર્ણવાઈ છે. આ મામલે કેસ થતાં રાજુ જેલના સળિયા પાછળ ધકેલાય છે.
ભગવાન દરેકને સુધરવાનો મોકો આપે છે તેમ રાજુને પણ તક મળે છે. 'જો આદમી અપને નસીબ કો કોસતા રહેતા હૈ, ઉસકા નસીબ ભી ઉસકો કોસને લગતા હૈ...' - આ સંવાદમાં ફરિયાદ ન કરીને આગળ વધવાની શીખ આપવામાં આવી છે. જેલમાંથી છૂટીને રાજુએ જ્યાં આશરો લીધો હોય છે તે ગામનો લોકો માને છે કે, રાજુ જેવો મહાત્મા જો ઉપવાસ કરશે તો ગામને દુષ્કાળમાંથી રાહત મળી જશે. આ વચ્ચે અનેક વખત રાજુનું મન ડગે છે. એક સ્થળેથી ભાગીને આવેલા રાજુને ફરી એકવાર ભાગવાનું મન થાય છે. ત્યાં જ રાજુને વિચાર આવે છે કે, 'ઈન લોગો કો મુઝ પે વિશ્વાસ હૈ ઔર અબ મુઝે ઉનકે વિશ્વાસ પે વિશ્વાસ હોને લગા હૈ..'
ત્યાર બાદ, તપસ્યાના માર્ગે ચાલનારને ભગવાન પણ મદદ કરવા ઉતરે વાતની સાબિતી જોવા મળે છે. રાજુના મનમાં વિશ્વાસ બેસે છે કે, 'જીસ જગહ કો દેખ કર પરમાત્મા કી યાદ આયે, વો તીર્થ કહેલાતા હૈ... ઔર જીસ આદમી કે દર્શન સે પરમાત્મા મેં ભક્તિ જાગે વો મહાત્મા કહેલાતા હૈ...' રાજુને જે લોકો છોડીને ચાલ્યા ગયાં હોય છે તે પરત આવે છે. આ વચ્ચે વિચારોનું વાવાઝોડું જેમાં, 'આજ દેખો હર ઈચ્છા પૂરી હોગી, પર મઝા દેખો.. આજ કોઈ ઈચ્છા હી નહીં રહીં...' જેવા ડાયલોગ. ભગવાનના નામ જપની સાથે નિષ્કામ કર્મથી પ્રસન્ન થઈને ઈન્દ્ર દેવતા વરસી પડે છે ત્યારે રાજુનો અંતરઆત્મા બોલી ઉઠે છે, 'ના સુખ હૈ.. ના દુખ હૈ.. ના દિન હૈ.. ના દુનિયા.. ના ઈન્સાન.. ના ભગવાન.. સિર્ફ મૈ હૂં.. મૈ હૂં.. મૈ હૂં.. મૈ.. સિર્ફ મૈ...'ત્યાં જ તેનો શ્વાસ થંભી જાય છે, પણ આત્મા અમર થઈ જાય છે.