Home / Entertainment : Lisa Mishra: This Indian-American singer achieved success in seven years

Chitralok : લિસા મિશ્રા : આ ભારતીય-અમેરિકન ગાયિકાને સાત વર્ષે સિદ્ધિ મળી

Chitralok : લિસા મિશ્રા : આ ભારતીય-અમેરિકન ગાયિકાને સાત વર્ષે સિદ્ધિ મળી

- 'મુંબઈ બાબતે એટલું તો કબૂલવું જ પડ્યું કે આ શહેરમાં જે ઊર્જા છે તે દુનિયાના કોઈ ખૂણે જોવા ન મળે.  મુંબઈ કામઢાઓનું શહેર છે.  વળી ઓટીટી અને ઈન્ટરનેટને કારણે અહીં કામ માટે મબલખ તકો મળી રહે છે'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓડિશામાં અવતરેલી અને શિકાગોમાં ઉછરેલી ગાયિકા, ગીતકાર, અભિનેત્રી લિસા મિશ્રા છેલ્લાં સાત વર્ષથી મુંબઈમાં રહે છે.  બોલિવુડના ગીતોના સંખ્યાબંધ કવરને પોતાના કંઠથી સજાવનાર લિસાને જોકે 'કોલ મી બે' અને અન્ય વેબ સીરીઝ 'ધ રોયલ્સ' ને પગલે ઠીક ઠીક ખ્યાતિ મળી છે.  બહુમુખી પ્રતિભા   ધરાવતી આ ભારતીય-અમેરિકન સુંદરીને સાત વર્ષમાં પણ સાતમા આસમાને પહોંચવાની સિધ્ધિ ભલે નથી મળી. આમ છતાં તેના વિશે કેટલીક વાતો જાણવી રસપ્રદ થઈ પડશે.

લિસા કહે છે કે  હું ઓડિશાના બરમપુરમાં જન્મી હતી.  મારા માતા-પિતા બંને ઓડિશાના જ છે.  મારા પપ્પા બેંકમાં કામ કરતાં હતાં અને  મમ્મી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી.  હુ માત્ર છ વર્ષની હતી ત્યારે મારા પપ્પા કેન્સરના સકંજામાં જકડાયા અને તે વખતે જ અમે શિકાગો રહેવા ચાલ્યા ગયા. હું ત્રણ-ચાર વર્ષની  હતી ત્યારથી બોલીવૂડના ગીતો ગાતી હતી અને ફક્ત ૧૩ વર્ષની ઉંમરે  મારી યૂટયુબ ચેનલ શરૂ કરી. ત્યારબાદ ત્રણ-ચાર વર્ષ સુધી હું અવિરતપણે હિન્દી ફિલ્મોના ગીતોના કવર ગાતી રહી. પરંતુ  'વીરે  દી વેડિંગ' ના કવર 'તારીફાં..... અને 'લેટ મી લવ યુ....'ના કવરે મારી કિસ્મત બદલી નાખી. જ્યારે આ ફિલ્મની નિર્માત્રી રિયા કપૂર અને તેની અભિનેત્રી બહેન સોનમ કપૂરે આ કવર સાંભળ્યા ત્યારે તેમણે મને ભારત આવીને 'વીરે દી વેડિંગ'નું  રીપ્રાઈઝ વર્ઝન ગાવાનું અધિકૃત આમંત્રણ આપ્યું. મુંબઈ આવ્યા પછી મેં  સિંગિંગ ઉપરાંત કંપોઝિશન અને લિરિક્સ લખવાનું પણ શરૂ કર્યું. ગયા વર્ષે મેં મારું એક આલ્બમ પણ રજૂ કર્યું.

એ વાતમાં બે મત ન હોઈ શકે કે માયાનગરી મુંબઈમાં એકલા રહેવું સહેલું નથી.  લિસાને પણ આ વાત લાગુ પડે  છે. તે કહે છે કે હું મુંબઈમાં છું અને મારા માતાપિતા શિકાગોમાં.  

અહીં મને તેમની ખોટ સાલે તે સ્વાભાવિક છે.  ખાસ કરીને કોરોના કાળમાં તેમને સંભારીને હું બહુ રડી છું.  તે વખતે મારો પગ ભાંગી ગયો હતો. અને ભાંગેલા પગે મેં એકલપંડે સઘળું કામ કરેલું.  આમ છતાં મુંબઈ બાબતે એટલું તો કબૂલવું જ રહ્યું કે આ શહેરમાં જે ઊર્જા છે તે દુનિયાના કોઈ ખૂણે જોવા ન મળે.  મુંબઈ કામઢાઓનું શહેર છે.  વળી ઓટીટી અને ઈન્ટરનેટને કારણે અહીં કામ માટે મબલખ તકો મળી રહે છે.

લિસાએ પોતાની વેબ સીરીઝ 'કોલ મી બે'  માં અનન્યા પાંડે  અને 'ધ રોયલ્સ'માં ભૂમિ પેડણેકર સાથે કામ કર્યું છે. તે કહે છે કે મને હિન્દી ફિલ્મોની આ જાણીતી અભિનેત્રીઓ સાથે કામ કરવા મળ્યું, એટલું જ નહીં, તેમની સાથે મારી સારી દોસ્તી પણ થઈ ગઈ.  સેટ પર તેમણે મને ડગલે ને પગલે સાથ આપ્યો હતો.  જ્યારે 'ધ રોયલ્સ' માં મને પીઢ અભિનેત્રી ઝીન્નત અમાન સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું તેમને પહેલી વખત મળી ત્યારે  માની જ નહોતી શકી કે હું તેમની સામે ઊભી છું.  મારા પપ્પા ઝીન્નત અમાનના બહુ  મોટા પ્રશંસક છે. તેમણે મને ખાસ સૂચન કર્યું  હતું કે આ રોલ માટે અનેક લોકોએ ઓડિશન આપ્યું હશે.  પરંતુ આ કિરદાર તારા ભાગે આવ્યું છે તેથી તું ક્યાંય ભૂલ ન કરતી. અલબત્ત, મને આ ભૂમિકા અડધો ડઝન ઓડિશન આપ્યા પછી મળી હતી.  મેં તો આ રોલ મેળવવાની આશા પણ છોડી દીધી હતી ત્યારે તે મારી  ઝોળીમાં આવીને પડયું.

જો કે સાત વર્ષમાં  લિસાએ  કેટલા ઓડિશન આપ્યાં તેની ગણતરી પણ અભિનેત્રી પાસે નથી.  તે કહે છે કે  આ વર્ષો દરમિયાન મેં અગણિત ઓડિશન આપ્યાં છે અને મોટાભાગે રિજેક્ટ થઈ છું.  આમ છતાં મને તેનો રંજ નથી.  હું મારા દરેક ઓડિશનમાંથી કંઈક શીખી છું. 


Icon