
ધારાવાહિક 'કહાની ઘર ઘર કી ' , 'દેશ મેં નિકલા હોગા ચાંદ', 'બા બહુ ઔર બેબી' માં કામ કરી ચૂકેલી અભિનેત્રી શ્વેતા કેસવાણીએ વર્ષ ૨૦૧૨માં ધારાશાસ્ત્રી કેન એન્ડિનો સાથે લગ્ન કર્યાં ત્યારબાદ અમેરિકા જઈને વસી ગઈ. તેણે અમેરિકામાં અભિનય ક્ષેત્રે કામ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધાં. પોતાના ૧૩ વર્ષના અનુભવે શ્વેતા કહે છેકે ત્યાં દક્ષિણ એશિયાના લોકો માટે કામ મેળવવું અત્યંત મુશ્કેલ છે. આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચતા મને ૧૩ વર્ષ લાગી ગયાં છે. તે વધુમાં કહે છે કે બધા પ્રિયંકા ચોપરા જેવા નસીબદાર નથી હોતા જેને ઝટપટ કામ અપાવનારા એજન્ટ મળી રહે.
અત્યાર સુધી 'હાર્ટ સ્ટેજ' (૨૦૧૯), 'એઝ સિક એઝ ધે મેઈડ અસ' (૨૦૨૨), 'રૉર' (૨૦૨૨)માં કામ કરનાર અને હાલના તબક્કે શોર્ટ ફિલ્મ 'તબસ્સુમ' માં અભિનેત્રી અને એક્ઝિક્યુટીવ નિર્માત્રીનો ડબલ રોલ કરનાર શ્વેતા અમેરિકામાં તેને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તેની જાણકારી આપતાં કહે છે કે અહીં અભિનય કરવાની રીત તદ્ન વેગળી પ્રકારની છે. તેથી મેં સંખ્યાબંધ શિક્ષકો પાસેથી અહીંની રીત પ્રમાણે અભિનય કરવાની તાલીમ લીધી. તે વખતે ઘણા લોકો મને પૂછતાં કે બબ્બે દશકના અનુભવ છતાં હું અભિનયની તાલીમ શા માટે લઉં છું? પરંતુ અહીંના અભિનયની તેમ જ ઓડિશન આપવાની રીત એકદમ અલગ પ્રકારની હતી.
વાસ્તવમાં શ્વેતાને અમેરિકન ઈંગ્લિશના ઉચ્ચારોમાં જ સૌથી વધુ મુશ્કેલી નડતી હતી. અદાકારા કહે છે કે ધીમે ધીમે મને ઓડિશન આપવાના અવસર સાંપડવા લાગ્યા. ક્યારેક મારા ભાગે ઑફબીટ ઓડિશન આવતું તો ક્યારેક અત્યંત રસપ્રદ. અલબત્ત, મને અમેરિકામાં સામાન્ય રીતે વધુ જોવાતી હોય એવી ઓફરો પણ મળતી. જો કે પછીથી મને એફબીઆઈ એજન્ટ, ડોક્ટર,લોયર, વેબ ડિઝાઈનર કે મહત્ત્વાકાંક્ષી ભારતીય માતાના કિરદાર પણ મળવા લાગ્યાં. હું મારી ડેમો રીલ દ્વારા મારી અભિનય ક્ષમતાના વિવિધ પાસાં રજૂ કરવાનો પ્રયાસ કરતી.
શુંતેને હિન્દી સીરિયલોમાં કામ કરવાની ખોટ નહોતી સાલી? શ્વેતા કહે છે કે મને હિન્દી શ્રેણીઓના સેટની યાદ બહુ સતાવતી. જો મને ૧૫-૨૦ દિવસ કામ કરીને પરત અમેરિકા પહોંચી શકું એવી ધારાવાહિકમાં કામ કરવાની તક મલે તો હું આજે પણ તેમાં અભિનય કરવા તૈયાર થઈ જાઉં. હા, મારા પરિવારને છોડીને લાંબા સમય સુધી ચાલનારા શોમાં કામ ન કરી શકું. આમ છતાં મને હિન્દી સીરિયલોમાં કામ કરવાની ખોટ સાલે છે એ કબૂલું છું.