
કાજોલ: હોરર અને હું
એક ટીનેજર દીકરો અને એક જુવાન દીકરીની મા એવી કાજલની લેટેસ્ટ ફિલ્મનું ટાઇટલ આ જ છે - 'માં'. ટ્રેલર પરથી સ્પષ્ટ સમજાય છે કે આ પણ એક સુપરનેચરલ હોરર પ્રકારની ફિલ્મ છે. 'સ્ત્રી' કે 'ભૂલભુલૈયા' સિરીઝમાં હોરર એલીમેન્ટ તો છે જ, પણ સાથે સાથે તેમાં ભરપૂર કોમેડી પણ છે, જ્યારે 'માં' એર સિરીયસ ફિલ્મ છે. કાજોલપતિ અજય દેવગણની 'શૈતાન' જેવી. વિશાલ ફુરિયા નામના નવા ડિરેક્ટરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. કાજોલે પોતાની આટલી લાંબી કરીઅરમાં અગાઉ ક્યારેય હોરર ફિલ્મ કરી નહોતી. એણે જોયું કે માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, તબુ જેવી ટોપ એક્ટ્રેસ જો મોજથી હોરર ફિલ્મો કરી શકતી હોય તો હું કેમ નહીં? એમ તો શબાનાએ પણ ભૂતકાળમાં વિશાલ ભારદ્વાજની એક બાળ-હોરર ફિલ્મમાં ચુડેલનું સ્વરુપ ધારણ કર્યું હતું. 'ભૂલભુલૈયા' અને 'સ્ત્રી' સિરીઝની જેમ જો 'માં' પણ ચાલી જશે તો દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટ પણ વહેલામોડી હોરર ફિલ્મો કર્યા વગર રહેશે નહીં. તમે લખી રાખો!
વામિકા ગબ્બી: ના, ના અને ના!
ના, નહીં, નો, નક્કો. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની 'ભૂલચૂક માફ' નામની થકવી નાખે એવી ફિલ્મ ઓટીટી પર જોઈ ત્યારે મનમાં આવો જ નકાર પેદા થતો હતો. ખાસ કરીને વામિકા ગબ્બીને જોઈને. સામાન્યપણે વેબ શોઝ અને ઓફબીટ ફિલ્મોમાં જ આપણે જેને મુખ્યત્ત્વે જોઈ છે એવી વામિકાએ 'ભૂલચૂક માફ'માં એક ઉત્તર ભારતીય, સ્મોલટાઉન ગર્લ-નેક્સ્ટ-ડોરનું પાત્ર ભજવ્યું છે. કરીના કપૂર (જબ વી મેટ)થી લઈને કંગના રનૌત (ક્વીન)થી લઇને કૃતિ સેનન અને તાપસી પન્નુએ આ પ્રકારનાં છોટે શહર કી લડકી ટાઇપનાં કેરેક્ટર્સ કેટલીય વાર ભજવ્યાં છે અને સરસ રીતે ભજવ્યાં છે. એ બધાની તુલનામાં વામિકા આ રોલમાં નથી જ જામતી. મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મની હિરોઈન જો ક્રોધે ભરાય તો પણ ઓડિયન્સને એ વહાલી લાગવી જોઈએ. 'ભૂલચૂક માફ'માં વાતે વાતે વડચકાં ભરતી વામિકાને જોઈને ઓડિયન્સને ખીજ ચડે છે. હીરો સાથે કેમિસ્ટ્રીનું નામોનિશાન નહીં. એટલે જ એક વાર નહીં, ચાર અલગ અલગ ભાષામાં કહીએ છીએ કે વામિકા મેઇનસ્ટ્રીમ હિરોઇન તરીકે નથી જ જામતી. ના, નહીં, નો, નક્કો! સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરમાં જોકે એ ક્યુટ લાગે છે એની ના નહીં.
ધનુષ: હું ને મારું સાઉથ
તમિલ સુપરસ્ટારની છાપ એક બહુ જ હાર્ડ વર્કિંગ કલાકારની છે. એનો લુક સતત બદલાતો રહે છે. જુઓને, સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરમાં એ કેટલો ડીસન્ટ લાગે છે. (સામાન્યપણે એ મેલોઘેલો ને માંદલો જ દેખાતો હોય છે, નહીં?) આજે એની એક નવીનક્કોર ફિલ્મ રિલીઝ થઈ છે - 'કુબેરા'. નાગાર્જુન અને રશ્મિકા મંદાના એના કો-એક્ટર્સ છે. જેનું આપણે અગાઉ ક્યારેય નામ સાંભળ્યું નથી એવા શેખર કમુલ્લા આ ક્રાઇમ ડ્રામાના ડિરેક્ટર છે. ધનુષ એક્ટર ઉપરાંત પ્રોડયુસર અને ડિરેક્ટર પણ છે. એની ઇચ્છા પવન કલ્યાણને લઈને એક તેલુગુ ફિલ્મ ડિરેક્ટ કરવાની છે. ધનુષે બોલિવુડમાં 'રાંઝણા'થી સફળ શરુઆત કરી હતી, પણ પછી એ હિન્દી ફિલ્મોમાં ખાસ દેખાયો નહીં. ખેર, એના માટે મુંબઈમાં સાઉથ જેવો દબદબો પેદા કરવો પ્રમાણમાં અઘરો છે. ખરું કે નહીં?