
- મશહૂર લાવણી સામ્રાજ્ઞી વિઠાબાઇ નારાયણ ગાંવકરની બાયોપિક બનાવવા ચક્રો ગતિમાન
પહેલાંના જમાનામાં મનોરંજનની દુનિયા કેટલી મુશ્કેલ હતી તેનો અંદાજ લાવણી નૃત્યપ્રકાર રજૂ કરતી મહિલાઓના જીવન પરથી આવે છે. મહારાષ્ટ્રમાં લાવણી એ પરંપરાગત નૃત્ય છે અને તેને પરફોર્મ કરવાનું સરળ હોતું નથી. મહારાષ્ટ્રની એક-એકથી ચડિયાતી લાવણી ડાન્સરમાં વિઠાબાઇ નારાયણ ગાંવકરનું નામ આદરથી લેવાય છે. તેમની જીવનકથા 'તમાશા: વિઠાબાઇ ચ્યા આયુષ્ય ચા' મરાઠી ભાષાની એક ઉત્તમ નવલકથા ગણાય છે. તાજેતરમાં વિકી કૌશલને હીરો તરીકે ચમકાવતી સફળ ફિલ્મ છાવા બનાવનાર નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની નજર આ નવલકથા પર પડી છે. એમ મનાય છે કે તેઓ આ નવલકથા પરથી વિઠાબાઇની બાયોપિક બનાવવા માટે વિચારણા કરી રહ્યા છે. તેમની આ ફિલ્મમાં હિરોઇન તરીકે શ્રદ્ધા કપૂરનું નામ બોલાય છે. જો બધું સમૂસુતર પાર પડશે તો ટૂંક સમયમાં દર્શકોને મોટા પડદે શ્રદ્ધા કપૂર લાવણી કરતી જોવા મળશે.
વિઠાબાઇ એક સામાન્ય લાવણી ડાન્સર નહોતી. તેમણે લાવણીને અનેક પડકારો વચ્ચે એક કલા તરીકે જીવંત રાખવા માટે આખી જિંદગી ભારે પરિશ્રમ કર્યો હતો. વિઠાબાઇનું જીવન ગરીબીમાં વીત્યુ હતું. તેમણે ગરીબી અને સમાજની રૂઢિવાદી વિચારસરણી સામે ઝીંક ઝીલી હતી. તેમનો એક કિસ્સો તેમની કલા પ્રત્યેની લગન અને નિષ્ઠા માટે ઉદાહરણરૂપ બની રહ્યો છે. વિઠાબાઇ એકવાર ગર્ભવાસ્થામાં હતાં ત્યારે પણ તેમના તમાશાના કાર્યક્રમો સતત કરતાં હતાં. એક શોમાં વિઠાબાઇને લાગ્યું કે તેમને વેણ ઉપડી છે. પણ તેમણે પરફોર્મન્સ અટકાવ્યો નહીં. જ્યારે પ્રસવ પીડા શરૂ થઇ ત્યારે વિઠાબાઇએ મંચની પાછળ જઇ પોતાના સંતાનને જન્મ આપ્યો હતો. આ લડાયક મિજાજની હિંમતવાન વિઠાબાઇેએ પછી જાતે પથ્થર વડે ગર્ભનાળ કાપી હતી. એ પછી જાણે કશું ન બન્યું હોય તેમ વિઠાબાઇએ ફરી મંચ પર જઇ લાવણી પરફોર્મન્સ પુરો કર્યો હતો!
વિઠાબાઇએ પોતાની મંડળીનું પેટ ભરવા માટે આવો આકરો નિર્ણય લેવો પડયો હતો. જો પરફોર્મન્સ પુરો ન કર્યો હોત તો વિઠાબાઇને આ પરફોર્મન્સના નાણાં ન મળત. જો તેમ થાત તો તેમની મંડળીના ઘણા કળાકારોને ભૂખ્યા સૂવાનો વારો આવત. આમ, હિંમતવાન વિઠાબાઇએ પોતાની સ્થિતિની પરવા કર્યા વિના મંડળીના કલાકારોની ચિંતા કરી દાખલો બેસાડયો હતો.
આવી જબરદસ્ત કલાકારની બાયોપિક કરવી એ મોટો પડકાર છે. શ્રદ્ધા કપૂર માટે પોતાની પ્રતિભા દર્શાવવાની આ એક મોટી તક છે. શ્રદ્ધાનું મરાઠી કનેકશન મજબૂત છે. તેના નાના પંઢરીનાથ કોલ્હાપુરે એક મશહુર મરાઠી ગાયક અને થિયેટરના કળાકાર હતા. શ્રદ્ધા કપૂર સડસડાટ મરાઠીમાં વાતચીત કરી શકે છે. અગાઉ શ્રદ્ધા કપૂર હસીના પારકરની બાયોપિક કરી ચૂકી છે. જેમાં તેણે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરની ભૂમિકા ભજવી હતી. એક અભિનેત્રી તરીકે શ્રદ્ધા કપૂરે જે કામ કર્યું છે તેની નોંધ બધાંએ લીધેલી છે.
શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરે ખુદ એક નામાંકિત અભિનેત્રી રહી ચૂકી છે. તે પણ તેની ભત્રીજીની ફેન છે. એક મુલાકાતમાં પદ્મિની કોલ્હાપુરેને કોઇ તેમની માનીતી અભિનેત્રી વિશે સવાલ કર્યો ત્યારે પદ્મિનીએ તેની ભત્રીજી શ્રદ્ધાને પોતાની માનીતી હિરોઇન ગણાવી હતી. પદ્મિનીએ જણાવ્યું હતું કે હું શ્રદ્ધાને તે મારી ભત્રીજી છે એટલા માટે મારી માનીતી અભિનેત્રી ગણાવું છું એવું નથી. તેણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું જે સ્થાન બનાવ્યું છે તે પોતાની પ્રતિભાને જોરે બનાવ્યું છે. મેં તેને નાનપણથી મોટી થતી જોઇ છે. તે બેહદ મહેનતી, ઇમાનદાર અને સાચા દિલથી કામ કરનારી વ્યક્તિ છે. 'આશિકી ટુ' ફિલ્મમાં તેણે જે કામ કર્યું છે તે તેની પ્રતિભાનો પરિચય આપે છે. તેમાં તેણે જે કામ કર્યું છે તે દર્શકોના મન પર ઘેરી છાપ છોડે છે. બહું ઓછાં કળાકારોમાં આ પ્રકારની પ્રતિભા જોવા મળે છે. આ ફિલ્મમાં તેની ઇમોશન્સ, માસુમિયત અને સાદગી એટલા બધાં કુદરતી લાગે છે કે જાણે આ રોલ તેના માટે જ લખાયો હતો.
ફિલ્મ ઉદ્યોગમાં આવેલાં પરિવર્તનોની વાત કરતાં પદ્મિનીએ જણાવ્યું હતું કે હવે હિરોઇન્સની ભૂમિકાઓ દમદાર બની છે. આજની ફિલ્મોમાં નારી પાત્રોને બહેતર રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. પહેલાં તો હિરોઇનની ભૂમિકા પટકથાને અંતે જોડવામાં આવતી હતી. પણ હવે તો સ્ટોરીની શરૂઆત જ હિરોઇનથી થવા માંડી છે. ઘણી ફિલ્મો તો હિરોઇન્સને ધ્યાનમાં રાખીને જ લખાવા માંડી છે. લાવણી ડાન્સરની બાયોપિક અને તેના ગીતો પણ શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને જ લખાવાશે તો નવાઇ નહીં.