
- સિનેમા એક્સપ્રેસ
- 'ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ' ફિલ્મમાં પીટર સેલર્સને ટ્રિપલ રોલ કરવાના એ જમાનામાં એક મિલિયન ડોલરની ફી ચુકવવામાં આવેલી,જે આખેઆખી ફિલ્મના કુલ બજેટનો ૫૫ ટકા હિસ્સો જેટલી હતી!
ઓપરેશન સિંદૂર શરૂ થતાંની સાથે જ સૌના મનમાં ફડકો પેસી ગયો હતો અને લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા હતા. આ પાકિસ્તાનવાળાના દિમાગ તો ચસકેલાં છે. યુદ્ધમાં આપણો સામનો ન કરી શકે એટલે છેલ્લે ઘાંઘા થઈને આપણા મુંબઈ-દિલ્હી-અમદાવાદ-બેંગલોર જેવાં આઠ-દસ મેઈન-મેઈન શહેરો પર અણુબોમ્બ ઝીંકી દે તો? આ ડર આત્યંતિક છે અને વેલિડ પણ છે. આ ભય આજકાલનો નથી, દાયકાઓ જૂનો છે. કોઈ અણધડ માણસના હાથમાં ન્યક્લિયર શોની ચાંપ આવી ગઈ તો? પૃથ્વી પર અકસ્માતે ન્યુક્લિયર વોર શરૂ થઈ જાય તો? આ ખોફનાક વિચાર પરથી આજથી ૬૧ વર્ષ પહેલાં, છેક ૧૯૬૪માં, માસ્ટર ફિલ્મમેકર સ્ટેન્લી કુબ્રિકે એક ફિલ્મ બનાવી હતી, જેની ગણના હવે ક્લાસિક તરીકે થાય છે. મજાની વાત એ છે કે આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ થ્રિલર કે સર્વાઈવલ ડ્રામા નહીં,પણ સોલિડ બ્લેક કોમેડી છે. ફિલ્મનું લાંબુંલચ્ચ ટાઈટલ છે- 'ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ'! મહાન કોમેડિયન પીટર સેલર્સે કરેલા ટ્રિપલ રોલ આ ફિલ્મની હાઈલાઈટ છે.
આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનો સમયગાળો અમેરિકા અને રશિયા વચ્ચેના કોલ્ડ વોરનો છે. સોવિયેત રશિયાના ટુકડા થવાની હજુ વાર છે. ફિલ્મની શરૂઆતમાં જ અમેરિકાના બ્રિગેડિયર જનરલ જેક ડી.રિપર (સ્ટલગ હેડન) ૩૪ ફાઈટર પ્લેનના જવાનોને ઓર્ડર આપે છે: સાવધાન... રશિયા પર આક્રમણ કરવા માટે રેડી થઈ જાઓ! બ્રિગેડિયર જનરલને આવો ખતરનાક આદેશ શા માટે આપ્યો? એના મનમાં તરંગ આવ્યો કે અમેરિકનોને પાણી પૂરું પાડતાં જળાશયોમાં રશિયનોએ ઘાતક ઝેર ભેળવી દીધું છે, જેનાથી માણસના 'પ્રિશીયસ બોડી ફ્લુઇડ' (મતલબ કે વીર્ય) માં ઊથલપાથલ મચી જવાની છે. મતલબ કે રશિયાએ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. આવી સ્થિતિમાં અમેરિકા કેવી રીતે ચુપ બેસે? ચક્રમ બ્રિગેડિયરે એક પણ સિનિયર કે ઈવન અમેરિકન પ્રેસિડન્ટને પૂછયાગાછયા વિના ન્યુક્લિયર વારનો પલીતો ચાંપી દીધો! બ્રિગેડિયરનો એક એક્ઝિક્યુટિવ ઓફિસર છે - ગ્રુપ કેપ્ટન લિઓનેલ મેન્ડ્રેક (પીટર સેલર્સ નંબર વન). મૂછાળા મેન્ડ્રેકનો દાવો છે કે એને બોમ્બર વિમાનોને પાછા બોલાવતા આવડે છે, પણ આ કામ હું તો જ કરું જો પહેલાં આખી દુનિયાને મારા કારનામાની જાણ કરવામાં આવે.
પેન્ટાગોનના વોર રૂમમાં ધમાલ મચી જાય છે. લશ્કરના ચીફ જનરલ ટર્ગીડસન (જ્યોર્જ સી.સ્કોટ) અમેરિકન પ્રેસિડન્ટ મકન મફલી (પીટર સેલર્સ નંબર ટુ) ને બ્રેકિંગ ન્યુઝ આપે છે કે સર,અણુયુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. ટકલુ પ્રેસિડન્ટ રાતાપીળા થઈ જાય છે. વોર રૂમમાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટ ડો.સ્ટ્રેન્જલવ (પીટર સેલર્સ નંબર થ્રી) વ્હીલચેર પર બંધાયેલા બેઠા છે અને એના ચહેરા પર ચોવીસે કલાક સ્માઈલ ચીપકેલું રહે છે.
બાઘ્ઘો પ્રેસિડન્ટ હોટલાઈન પર મોસ્કો ફોન જોડીને દારૂડિયા રશિયન વડા દિમિત્રી સાથે ડરતાં ડરતાં વાત શરુ કરે છે: 'હેલો દિમિત્રી... આઈ એમ ફાઈન... હવે વાત એમ છે કે આપણે અગાઉ ઘણી વાર બોમ્બમાં કંઈક ગરબડ થાય તો શું પરિણામ આવે એના વિશે ચર્ચા કરી છે, યાદ છે?... અરે બોમ્બ, બોમ્બ, દિમિત્રી. હાઈડ્રોજન બોમ્બ... હવે થયું છે એવું કે કે અમારો એક કમાન્ડર છે... કોણ જાણે એના મનમાં શું ધૂનકી ચડી... એણે જરાક બેવકૂફી કરી નાખી છે... શું છે, એણે તમારા દેશ પર એટેક કરવા પ્લેન છોડી મૂક્યા છે... ના, ના... પ્લેન ઓલરેડી રવાના થઈ ગયા છે, ભાઈ... તમારા દેશ પર અટેક કરે એટલી જ વાર છે...' જબરો રમૂજી છે આ સીન.
રશિયન એમ્બેસેડર કહે છે કે રશિયાએ ડૂમ્સડે ડિવાઈસ નામનું એક ઉપકરણ વિકસાવ્યું છે. એમાં એવું છે કે જેવો રશિયા પર એટેક થાય કે આ ડિવાઈસ આપોઆપ એક્ટિવેટ થઈ જાય. પચાસ જેટલા મહાઘાતક બોમ્બ દુશ્મન દેશ પર ઝીંકાય અને એનું ધનોતપનોત કાઢી નાખે! એટલું જ નહીં, તે પછીના દસ જ મહિનામાં પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામે!
તો પછી એન્ડમાં શું થાય છે? રશિયા પરનું આક્રમણ ટળ્યું? પેલી મહાખેપાની ડૂમ્સડે ડિવાઈસ એક્ટિવેટ થઈ કે ન થઈ? બધું જ અહીં કહી દઈશું તો તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે.
પીટર સેલર્સની ટ્રિપલ ધમાલ
સ્ટેન્લી કુબ્રિકનો મૂળ આઈડિયા તો પીટર જ્યોર્જ લિખિત 'રેડ એલર્ટ' નવલકથા પરથી દિલધડક થ્રિલર બનાવવાનો હતો. સ્ક્રિપ્ટ લખતાં પહેલાં રિસર્ચ માટે કુબ્રિકે ન્યુક્લિયર વોરને લગતી પચાસેક ચોપડીઓ વાંચી નાખી હતી. સ્ક્રિપ્ટ લખતાં લખતાં એમને થયું કે અમુક સિચ્યુએશન ટેન્શનવાળી કરતાં ફની વધારે છે. તેમણે ટેરી સધનર નામના લેખક પાસે સ્ક્રિપ્ટનું સટાયર એટલે કે કટાક્ષિકામાં રૂપાંતર કરાવ્યું. ફિલ્મમાં ટ્રિપલ રોલ કરનાર પીટર સેલર્સને એ જમાનામાં એક મિલિયન ડોલરની ફી ચુકવવામાં આવેલી, જે આખેઆખી ફિલ્મના કુલ બજેટનો ૫૫ ટકા હિસ્સા જેટલી હતી! પીટર સેલર્સ ઈમ્પ્રોવાઈઝેશનના એક્કા હતા. એમના મોટા ભાગના ડાયલોગ્ઝ સેટ પર ઈમ્પ્રોવાઈઝ થયેલા છે. સ્ટેન્લી કુબ્રિક ખડુસ ડિરેક્ટર છે. એક્ટરે સારો શોટ આપ્યો હોય તોય ચહેરા પર હરામ બરાબર સ્માઈલ લાવતા હોય તો! પણ 'ડો.સ્ટ્રેન્જલવ' ના શૂટિંગ દરમિયાન પીટસ સેલર્સનો અભિનય જોઈને એટલું બધું હસતા કે આંખોમાં પાણી આવી જતું.
સેલર્સ વાસ્તવમાં ફાઈટર પ્લેનના પાયલટ મેજર ટી.જે.કિંગ કોંગનો ચોથો રોલ પણ કરવાના હતા. લક્ષ્ય તરફ આગળ ધસી રહેલા બોમ્બની ઉપર ઘોડો કરીને બેઠેલા મેજર કિંગ કોંગનું દૃષ્ય યાદગાર બની ગયું છે. ૧૯૬૦ના દાયકામાં બોમ્બર વિમાન ખૂબ આધુનિક ગણાતા. એની કોકપિટની ડિઝાઈન બનાવવા માટે કુબ્રિકે પેન્ટાગોનની મદદ માંગી હતી,પણ આ નેશનલ સિક્યોરિટીનો મામલો હતો એટલે પેન્ટાગોનના અધિકારીઓએ ચોખ્ખી ના પાડી દીધી. કુબ્રિકે પછી એક બ્રિટિશ મેગેઝિનમાં છપાયેલી તસવીરના કટિંગથી કામ ચલાવ્યું. ફિલ્મનું ટેસ્ટ સ્ક્રિનિંગ ૨૨ નવેમ્બર ૧૯૬૩ના રોજ થવાનું હતું,પણ એ જ દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ.કેનેડીની હત્યા થઈ ગઈ. આવા આઘાતજનક માહોલમાં કોમેડી ફિલ્મ જોવા કોણ આવવાનું! તેથી રિલીઝ ડેટ જાન્યુઆરી ૧૯૬૪ સુધી પાછળ ઘકેલવામાં આવી.ફિલ્મ સુપરહિટ પૂરવાર થઈ. તેને ચાર ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં. સર્વકાલીન શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાં સ્થાન મળ્યું. ફિલ્મ શોધી કાઢીને જોઈ કાઢજો. મજા પડશે.
- શિશિર રામાવત