Home / Entertainment : Latest updates from TV Talk

Chitralok: ટીવી ટોકના તાજા અપડેટ્સ

Chitralok: ટીવી ટોકના તાજા અપડેટ્સ

જાસ્મીન ભસીનનો કાશ્મીર પ્રેમ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તીવ્ર ઘર્ષણ, પેદા થયેલી યુધ્ધ જેવી સ્થિતિ દરમિયાન અભિનેત્રી જાસ્મીન ભસીન અને તેનો પ્રેમી અલી ગોની ભારે તણાવમાં હતાં. જાસ્મીને કહ્યું હતું કે હું અને અલી પોતપોતાના કામસર અલગ અલગ સ્થળે હતાં. મારા માતાપિતા રાજસ્થાનમાં હતાં અને અલીનો પરિવાર જમ્મુમાં. આ બંને રાજ્યોમાં માહોલ અત્યંત તંગ હતો. બંને રાજ્યોમાં બ્લેકઆઉટ અને ડ્રિલ થઈ રહ્યાં હતાં. અમારી પેઢીએ અગાઉ ક્યારેય આવી સ્થિતિ નથી જોઈ તેથી અમે અમારા પરિવારો માટે ચિંતિત હતાં. હિન્દી ધારાવાહિકો તેમ જ રીઆલિટી શો 'બિગ બૉસ'ને કારણે ખ્યાતિ મેળવનાર જાસ્મીને વધુમાં કહ્યું હતું કે અમે દરરોજ અમારા કુટુંબીજની સાથે વાત કરતાં હતાં. જોકે અલીનો પરિવાર જમ્મુની નિકટ આવેલા ડોડા ખાતે સ્થળાંતર કરી ગયો હતો. ટૂંક સમયમાં પંજાબી સિનેમા 'કેરી ઓન જટિયે'માં જોવા મળનારી જાસ્મીને ઉમેર્યું હતું કે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને દેશપ્રેમનો જે પરચો આપ્યો છે તેની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આપણી સરકારે પણ કાબિલે તારીફ કામ કર્યું છે. આજે આપણે તેમના કારણે જ શાંતિથી ઊંઘી શકીએ છીએ. જોકે અદાકારા કાશ્મીર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યા વિના નહોતી રહી શકી. તેણે કહ્યું હતું કે છેલ્લા સાતેક વર્ષમાં મેં નિયમિત રીતે કાશ્મીરની મુલાકાત લીધી છે. અને આગામી સમયમાં પણ લેતી રહીશ. કાશ્મીર આપણા દેશના સુંદરતમ્ સ્થળોમાંનું એક છે. અહીંના લોકોના મનમાં પર્યટકો પ્રત્યે છલોછલ પ્રેમ ભર્યો છે. આપણે આપણા દેશમાં જ્યારે અને જ્યાં જવા ઇચ્છીએ ત્યાં જઈ શકીએ. આપણે હમેશાં ભયના ઓથાર હેઠળ ન જીવી શકીએ.

પલક પુરસ્વાની ફરી પ્રેમમાં પડી

પલક પુરસ્વાની ફરી પ્રેમમાં પડી છે અને આ વર્ષના ઉત્તરાર્ધમાં વિવાહ કરવાનું આયોજન કરી રહી છે. અદાકારા કોર્પોરેટ પ્રોફેશનલ રોહન ખન્નાને છેલ્લા સાત-આઠ મહિનાથી ડેટ કરી રહી છે. પલકે કહ્યું હતું કે એક વખત હું મારા મિત્રો સાથે રેસ્ટોરાં ગઈ હતી ત્યારે રોહન સાથે અચાનક જ મુલાકાત થઈ હતી. તે વખતે અમે થોડી વાત કરી હતી, આમ છતાં મારી અંદર જાણે કે એક ઝબકારો થયો હતો. જોકે અમે તે વખતે એકમેકના ફોન નંબર પણ નહોતા લીધાં. પણ રોહને બે મહિના બાદ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મારો સંપર્ક કર્યો હતો. અને અમે તરત જ ડેટ કરવા લાગ્યાં હતાં. તે આધ્યાત્મિકતા તરફ ઢળેલો છે અને તેને પ્રવાસ કરવાનું પ્રિય છે. વળી તે પણ મારા જેવો જ કામઢો છે. તે મારા શમણાંને જે રીતે સહકાર આપી રહ્યો છે તેને પગલે મેં મોહબ્બતમાંથી ગુમાવી દીધેલો વિશ્વાસ પરત મેળવ્યો છે. તે મારા જીવનમાં આશિર્વાદ બનીને આવ્યો છે. હમણાં અમે અમારા લગ્ન માટેનું ડેસ્ટિનેશન શોધી રહ્યાં છીએ. અહીં એ વાતની નોંધ લેવી રહી કે અગાઉ પલક અવિનાશ સચદેવના પ્રેમમાં હતી. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ તેમની સગાઈ તૂટી ગઈ હતી. પલકે કહ્યું હતું કે અવિનાશ સાથે મારો સંબંધ ચાર વર્ષ ચાલ્યો હતો. પણ હવે હું એ સમય સંભારવાને બદલે રોહન ખન્ના સાથે ખુશ રહેવા માગું છું. પલકના કામ વિશે વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૧૪માં એમટીવીની 'સ્પ્લિટવિલા-૭'થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. પછીથી તેણે 'યે રિશ્તે હૈં પ્યાર કે', 'મેરી હાનિકારક બીવી', 'એક આસ્થા ઐસી ભી' જેવી સંખ્યાબંધ સીરિયલોમાં કામ કર્યું હતું. તેણે 'બિગ બૉસ' ઓટીટીની બીજી સીઝનમાં પણ ભાગ લીધો હતો. જોકે તેણે ઓટીટી અને ફિલ્મોમાં કામ કરવા ટચૂકડા પડદેથી બ્રેક લીધો છે. આમ છતાં તેને રીઆલિટી શોમાં ભાગ લેવામાં વાંધો નથી.

અશનૂર કૌરે કરાવી લેસિક સર્જરી

ધારાવાહિક 'સુમન ઇન્દોરી' પર અચાનક જ પડદો પાડી દેવામાં આવ્યો ત્યાર પછી અભિનેત્રી અશનૂર કૌર માત્ર સ્ક્રીન પરથી જ નહીં, સોશ્યલ મીડિયા પરથી પણ ગાયબ છે. અને હવે તેને નવું કામ હાથ ધરવાની જરાય ઉતાવળ નથી. આનું કારણ આપતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે મેં લાંબા સમયથી વિલંબિત બેસિક સર્જરી કરાવી છે. ડૉક્ટરે મને એક મહિના સુધી આંખો પર મેક-અપ કરવાની, તરવાની તેમ જ ધૂળ ઉડે એવી જગ્યાએ જવાની ના પાડી રછે. હમણાં મારું સમગ્ર ધ્યાન મારા સ્વાસ્થ્ય પર છે. અદાકારાએ પોતાનો શો માત્ર સાત મહિનામાં ઑફએર કરી દેવામાં આવ્યો તેના વિશે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અત્યંત ખ્યાતનામ કલાકારોના શો પણ ગણતરીના સમયમાં બંધ કરી દેવામાં આવે છે. જ્યારે 'સુમન ઇન્દોરી'ને સાંજના ૬.૩૦ વાગ્યાના સ્લોટમાં પણ ઠીક ઠીક પ્રતિસાદ મળ્યો હતો. અલબત્ત, મને જ્યારે ખબર પડી કે શો પર પડદો પાડી દેવામાં આવશે ત્યારે હું પણ આઘાત પામી હતી. તમે જ્યારે કોઈ બાબત માટે માનસિક રીતે તૈયાર ન હો ત્યારે આવું થવું સહજ છે. આ શોના સઘળા કલાકાર-કસબીઓ અવાક્ થઈ ગયા હતાં. પણ છેવટે વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. જોકે મેં આ આફતને પણ અવસરમાં બદલી દીધી. કહેવાનો અર્થ એ છે કે મેં મારી લાંબા સમયથી વિલંબિત લેસિક સર્જરી કરાવી લીધી. હવે મને સઘળું એકદમ સ્પષ્ટ દેખાય છે. હું છેક નવમા ધોરણમાં ભણતી હતી ત્યારથી મને આંખે નંબર આવી ગયા હતા અને તે ઉત્તરોત્તર વધતાં રહ્યાં હતાં. હવે હું ઘણી રાહત અનુભવું છું.

Related News

Icon