Home / Entertainment : I started writing poetry at the age when people stop writing poetry

Chitralok: જે ઉંમરે લોકો કવિતા લખવાનું બંધ કરે છે તે ઉંમરે મેં કવિતા લખવાનું શરુ કરેલું

Chitralok: જે ઉંમરે લોકો કવિતા લખવાનું બંધ કરે છે તે ઉંમરે મેં કવિતા લખવાનું શરુ કરેલું

- સિનેમા એક્સપ્રેસ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

-'જો સ્ક્રિપ્ટ લખવાનું કામ મેરેથોન દોડવા બરાબર હોય તો ફિલ્મી ગીત લખવાની પ્રક્રિયા 100 મીટરની રેસ જેવી છે'

'જો  મારે પાકિસ્તાન અને નરક આ બેમાંથી કોઈ એકની  પસંદગી કરવાની આવે તો હું નિશ્ચિતપણે નરકને પસંદ કરું.'

જાવેદ અખ્તરના શબ્દો છે, જે એમણે ઓપરેશન સિંદૂર પછીના સમયગાળામાં ઉચ્ચાર્યા હતા. સલીમ ખાન સાથે દંતકથારૂપ જોડી બનાવીને 'ઝંજીર', 'શોલે' અને 'દીવાર' જેવી સીમાચિહ્ન બની ગયેલી ફિલ્મો લખી ચૂકેલા જાવેદસાહેબ જેટલું સરસ લખે છે એટલું સરસ બોલે પણ છે. એમના ઈન્ટરવ્યુઝ વાંચવાનો કે જોવાનો હંમેશા જલસો પડે છે. એમની જુદી જુદી મુલાકાતોમાંથી લેવાયેલા આ અંશોમાંથી એમના સર્જક મિજાજની મસ્તમજાની ઝાંખી મળે છે. ઓવર ટુ જાવેદસાહેબ....

ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે. જો તમારે ભરપૂર ડિટેલિંગ સાથેનો સ્ક્રીનપ્લે લખવો હોય તો પણ રોજની આઠથી દસ કલાકના હિસાબે એક મહિનો લાગી જ જાય. સ્ક્રિપ્ટ કરતાંય ડાયલોગ વર્ઝન લખવાનું કામ વધારે થકવી નાખે એવું છે.

જો સ્ક્રિપ્ટ લખવાનું કામ મેરેથોન દોડવા બરાબર હોય તો ફિલ્મી ગીત લખવાની પ્રક્રિયા ૧૦૦ મીટરની રેસ જેવી છે. ટયુન કોમ્પિલીકેટેડ હોય કે દરેક કડીમાં મીટર બદલતા હોય તો આવું ગીત લખવું સમય માગી લે. સમજોને કે એક-બે કલાક તો થઈ જાય. કેમ? એક-બે કલાક ઓછા લાગ્યા? શબાનાએ મારાં પુસ્તકની એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે જો પ્રોડયુસરોને ખબર પડી જાય કે જાવેદ કેટલી ઝડપથી અને કેટલી આસાનીથી ગીતો લખી નાખે છે તો પૈસા આપવાનું જ બંધ કરી દે. આને કહેવાય ઘર કા ભેદી લંકા ઢાયે. થેન્કયુ શબાના, વટાણા વેરી દેવા બદલ!

ઘણા લોકો પૂછતા હોય છે કે તમને લખવાની પ્રેરણા શામાંથી મળે છે? મારો જવાબ હોય છે, ટેરર, ભય! ડેડલાઈન સાવ સામે આવી જાય, લખ્યા વગર છટકી શકાય એમ હોય જ નહીં ત્યારે જે ભયંકર ભય અને ફફડાટ પેદા થાય છે એમાંથી જ બધું પેદા થાય છે. મારું દિમાગ ડેડલાઈનનો ફફડાટ અને ભય હોય ત્યારે જ ચાલે છે.

ફિલ્મમાં ગીતો યોગ્ય જગ્યાએ મૂકાયાં હોય તે ખૂબ મહત્ત્વનું છે. ઊભરતા ફિલ્મલેખકોને એક ટિપ આપવા માગું છું. ફિલ્મમાં ગીત મૂકવાનું પરફેકટ ઠેકાણું છે, ઈન્ટરવલ પછી તરત, ત્રીજી-ચોથી મિનિટે. આઈ પ્રોમીસ યુ, ગીત નબળું હશે તો પણ કોઈ (પેશાબ-પાણી કરવા, સિગારેટ પીવા, મસાલો થૂંકવા) ઊભું નહીં થાય કેમ કે બધાં હમણાં જ પતાવીને બેઠા છે!

લોકો મને અને સલીમસાહેબને અહંકારી ગણતા. આઈ થિંક, ઈટ વોઝ અન એરોગન્સ ઓફ કલેરિટી. તમારાં મનમાં તમારાં કામ વિશે, તમે જે વાર્તા-ડાયલોગ્ઝ લખ્યાં છે તેના વિશે, તમે રચેલાં પાત્રો વિશે પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા હોય ત્યારે બીજાઓની દલીલો કે ભિન્ન મત સાંભળવા જેટલી તમારામાં ઘીરજ ન હોય, તેવું બને. સૌથી પહેલાં તો, મેં અને જાવેદસાહેબે ઓલરેડી ખૂબ બધી ચર્ચા અને દલીલો કરી લીધા પછી જ વસ્તુને કાગળ પર ઉતારી હોય. આથી કોઈ નવેસરથી ચર્ચા છેડવાની કોશિશ કરે ત્યારે શકય છે કે અમે સામેની વ્યક્તિને અનુકૂળ લાગે રિસ્પોન્સ આપવાને બદલે અમારા મુદ્દાને વળગી રહેતા હોઈએ. આવા વર્તાવને લીધે અમારી ઘમંડી હોવાની છાપ પડી હોય એવું બને, પણ તુમાખી અને એરોગન્સ-ઓફ-કલેરિટી આ બન્ને બહુ અલગ બાબતો છે.

ઘટના અને અનુભવ

લખતી વખતે હું કઈ જગ્યાએ કયો શબ્દ વાપરવો તે કેવી રીતે નક્કી કરું છું, એમ? શું કોઈએ સચિન તેંડુલકરને કયારેય પૂછયું છે કે ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ થઈ રહૃાું હોય ત્યારે બોલને કઈ ટેકિનકથી ફટકારવો તે તું કેવી રીતે નક્કી કરે છે?   

ચાર સુપરડુપર હિટ ફિલ્મો પછી હું અને સલીમસાહેબ નવ મહિના સુધી કામ વગર બેસી રહૃાા હતા. અમે નક્કી કર્યું હતું કે બે લાખ રૂપિયા કરતાં ઓછું મહેનતાણું તો નહીં જ લઈએ. એ જમાનામાં લેખક બે લાખ માગે એટલે આજનો રાઈટર એક ફિલ્મ લખવાના વીસ કરોડ માગતો હોય તેવું લાગે. 'શોલે' માટે અમિતાભ બચ્ચનને પણ બે લાખ નહોતા મળ્યા. અમે ફિલ્મો જતી કરી, પણ બે લાખથી ઓછામાં કામ કરવા તૈયાર ન જ થયા. આખરે અમને અમારી પ્રાઈસ મળી જ. તે પછીની ફિલ્મ માટે અમે પાંચ લાખ ચાર્જ કર્યા અને તેનીય પછીની ફિલ્મ માટે સીધા દસ લાખ.

જાવેદસાબથી છૂટા પડયા પછી મેં ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ કરતાં ગીતો લખવા પર વધારે ધ્યાન આપ્યું, કેમ કે આ કામ મને સંતોષકારક અને અનુકૂળ લાગતું હતું. એક તો, ગીત ફટાફટ લખાઈ જાય, રેકોર્ડ થઈ જાય અને તરત તમને વાહવાહી મળી જાય. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હો તો વાહવાહી ઊઘરાવવા માટે બે વર્ષ સુધી રાહ જોવી પડે. સ્ક્રિપ્ટ કરતાં ગીતો લખવામાં પ્રશંસાનું પેમેન્ટ બહુ જલદી થઈ જાય છે! વળી, હું બહુ આળસુ માણસ છું. પીઠમાં દુખાવો પણ રહે છે એટલે મારી પાસે વધારે કામ ન કરવાનું વ્યાજબી બહાનું પણ છે, યુ સી! જે ઉંમરે લોકો કવિતા લખવાનું બંધ કરે છે તે ઉંમરે મેં કવિતા લખવાનું શરુ કરેલું.

લોકો ચેઈન-સ્મોકર હોય છે તેમ હું ચેઈન-રીડર હતો. મારી પાસે કાયમ કમસે કમ એક ચોપડી તો હોય જ. લોકલ ટ્રેનમાં મહાલક્ષ્મી સ્ટેશન જવાનું હોય તો આખા રસ્તે હું વાંચતો હોઉં. સ્ટેશને ઉતર્યા પછી ઓછા ટ્રાફિકવાળા રસ્તે જો ચાલતા ચાલતા વાંચી શકાતું હોય તો એમ પણ કરું, નહીં તો કામના સ્થળે જરાક અમથો ટાઈમ મળે કે તરત ચોપડી લઈને બેસી જાઉં. તે વખતે હું થર્ડ આસિસ્ટન્ટ ડિરેકટર કે કલેપર બોય તરીકે કામ કરતો. જેવી ચોપડી પૂરી થાય કે બીજી જ મિનિટે થેલામાંથી નવી ચોપડી કાઢીને વાંચવાનું શરુ કરી દઉં. વાંચન બહુ કામ આવે છે. પુસ્તકમાં રમમાણ થઈ જવાથી હું ભૂલી જતો કે કાલથી મારા પેટમાં અન્નનો એક દાણો સુધ્ધાં પડયો નથી. મારાં બન્ને સંતાનો ફરહાન અને ઝોયા પોતપોતાની ફિલ્મોમાં ખૂબ બિઝી હોય છે તોય આજની તારીખે મારા કરતાં વધારે વાંચે છે.

ઘટના અને અનુભવ બન્ને જુદી વસ્તુઓ છે. ઘટનાને અનુભવમાં પરિવર્તિત થતાં થોડો સમય લાગે છે. તમારી સાથે કશુંક બને અથવા તમે કશુંક જુઓ તો તમે તેનો અહેવાલ આપી શકો. એ હજુ તમારો 'અનુભવ' બન્યો નથી, કેમ કે તમે હજુ સુધી 'ઘટના'ની અંદર જ છો. સમય વીતે એટલે ઘટના અને તમારી વચ્ચે એક અંતર પેદા થાય અને તે પછી જ તમે ઘટનાને તટસ્થતાથી નિહાળી શકો, એનેલાઈઝ કરી શકો.

- શિશિર રામાવત

 

Related News

Icon