
- દાસ્તાન-એ-સિનેમા
- હૃદય વલોવી નાખતી આ ક્લાસિક ફિલ્મના મૂળમાં આ બે કૃતિઓ છે - ઈટાલિયન ફિલ્મ 'બાઈસિકલ થીવ્સ' અને રવીન્દ્રનાથ ટાગોર રચિત કવિતા 'દુઈ બીઘા જોમી'
થોડા દિવસ પહેલાં જ ૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન થયું. આ દરમિયાન ભારતીય સ્ટાર્સના સ્ટાઈલ સ્ટેટમેન્ટ ચર્ચાયા ત્યારે આર્ટ પ્રત્યે લાગણી ધરાવતા લોકો નિરાશ થયા હતા. ૧૯૪૬ની સાલમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલને ટક્કર આપવા માટે શરૂ કરવામાં આવેલા કલાના પ્રતિષ્ઠિત મંચ પર અમુક સ્ટાર્સની હાજરી જોઈને સવાલ થયો કે,શું ભારતમાં આટસ્ટ, કલાકાર એટલે લાલ,લીલા,પીળા ડિઝાઈનર કપડાં પહેરીને નીકળી પડેલા અંદરથી ખાલી અને બહારથી ઝગમગ લોકો માત્ર? (ઉર્વશી રૌતેલાનું નામ નથી લેવું!) આર્ટ એટલે તો માણસની અંદરનું એવું કંઈક જે તે અનેક પીડાઓ વચ્ચે પણ સમાજમાં છૂટા હાથે વહેચે. એને વળી સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાથે શું લાગેવળગે? સદભાગ્યે ઈતિહાસનાં પાનાં ફેરવતાં એવા અનેક કલાકારોના દાખલા સામે આવે છે કે, જેમણે સાચા અર્થમાં ભારતની કલાને વૈશ્વિક મંચ પર પહોચાડી છે. આ લિસ્ટમાં સૌથી પહેલું વહેલું નામ આવે છે દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદનું. તેમની પહેલી ફિલ્મ 'નીચા નગર' પહેલા જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ટોપ એવોર્ડ 'ગ્રાં પ્રિ પ્રાઈઝ' (પામ ડિ-ઓર) જીતનારી પહેલી ભારતીય ફિલ્મ બની હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ફિલ્મ ભારતમાં ક્યારેય રિલીઝ થઈ જ નહીં. આ ફિલ્મના પ્રોડયુસર એ. હલીમ ભારત-પાકિસ્તાન ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા અને સાથે સાથે ફિલ્મને નેગેટિવ પણ લઈ ગયા.
ચેતન આનંદની સિદ્ધિને આગળ ધપાવવા માટે સાલ ૧૯૫૪માં બિમલ રોય ભારતના ખેડૂતોને વૈશ્વિક મંચ પર લઈને પહોચ્યા હતા. દેશભરમાં ખેડૂત આત્મહત્યાનો મુદ્દો ચર્ચાતો થયો તે પહેલા બિમલ રોયની 'દો બીઘા ઝમીન', રાષ્ટ્રને દેખાડતો એક અરીસો હતો. આ ફિલ્મ સાથે તેમણે ચેતવણી આપી હતી કે, જ્યારે કોઈ માણસ પોતાની જમીન ગુમાવે છે ત્યારે તે ફક્ત મિલકત નથી ગુમાવતો. તે પોતાના જીવનનો અર્થ ગુમાવે છે. આ ફિલ્મે શ્યામ બેનેગલથી લઈને ગોવિંદ નિહલાની જેવા ફિલ્મ મેકર્સ અને 'મંથન'થી લઈને 'પીપલી લાઈવ' જેવી ફિલ્મોને પ્રેરણા આપી છે. દાયકાઓ પછી પણ શંભુ મહેતો ('દો બીઘા જમીન'ના નાયકનું નામ) ભારતનાં શહેરો અને ગામડાઓમાં જીવંત જોવા મળે છે. તે ક્યાંક ક્રેડિટ કાર્ડના ચક્કરમાં ફસાયો છે, તો ક્યાંક વ્યાજખોરોના. બસ, મજબૂરીઓ બદલાઈ છે, સંઘર્ષ યથાવત્ છે. જેમ નાણાકીય ભીસમાંથી બહાર આવવા માટે શંભુને ગામડું છોડીને કોલકાતા જવા કહેવામાં આવ્યું હતું, તેમ આજના યુવાનોને કેનેડા,યુએસ,ઓસ્ટ્રેલિયા અને યુકેના સપનાં બતાવવામાં આવે છે. આ ફિલ્મની સામાજિક પ્રશ્ન પૂછવાની આગવી શૈલીને કારણે જ તે સાતમા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'પ્રિ ઇન્ટરનેશનલ એવોર્ડ' જીતી હતી. આ સિવાય ફિલ્મને 'કાર્લોવી વેરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'સોશિયલ પ્રોગ્રેસ એવોર્ડ'થી નવાજવામાં આવી હતી.
બિમલ રોયની પ્રેરણા
મુંબઈમાં ૧૯૫૨ની સાલમાં પહેલી વાર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિમલ રોયે વિટોરીયો ડી સીકાની ૧૯૪૮ની ઈટાલિયન ફિલ્મ 'બાઈસિકલ થીવ્સ' જોઈ હતી. ફિલ્મ જોઈને ટ્રેનમાં ઘરે પરત ફરતી વખતે બિમલ રોયે નક્કી કરી લીધું કે, 'બાઈસિકલ થીવ્સ'થી પ્રેરણા લઈને ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનો વિચાર તેમના માનસ પટલ પર છવાઈ ગયો હતો. આ જ અરસામાં તેમણે રવિન્દ્રનાથ ટાગોરની ૧૮૯૬માં લખેલી કવિતા 'દુઈ બીઘા જોમી' ફરી એકવાર વાંચી. આ મામક બંગાળી કવિતામાં એક ગરીબ માણસની પોતાની બે વીઘા જમીન પ્રત્યેની ઊંડી લાગણીનું વર્ણન છે. વર્ષોથી જે કવિતા બંગાળની જનતાને ગમતી આવી છે તે ભારતભરના દર્શકોને ફિલ્મના રૂપમાં જોવી ગમશે, એવા વિચાર સાથે તેમણે લેખક સલીલ ચૌધરીનો સંપર્ક કર્યો અને તેમને ઈટાલિયન ફિલ્મ 'બાયસિકલ થીવ્સ' તેમજ ટાગોરની કવિતાને પાયો બનાવીને ફિલ્મની કહાણી તથા ગીતો લખવા કહ્યું. તેમણે સ્ક્રીનરાઈટર તરીકે નબેન્દ્ ઘોષને અને એડિટર હૃષિકેશ મુખર્જીને પસંદ કર્યા. ૧૯૫૦માં ટેકનિશિયનોની નાનકડી ટીમ લઈને તેઓ કોલકાતાથી મુંબઈ પહોચ્યા. લક્ષ્ય હતું, ગામડાના ખેતરો,શહેરના રસ્તાઓને એક મંચમાં ફેરવવાનું.
બાયસિકલ થીવ્સ અને દો બીઘા ઝમીન
વિટોરીયો ડી સીકાની ફિલ્મ 'બાઈસિકલ થીવ્સ'માં વર્લ્ડ વોર-ટુ બાદના ઈટાલીને બતાવવામાં આવ્યું છે. મિલો-ફેક્ટરીઓ ધમધમી રહી છે. એન્ટોનિયો રિચી નામના કામ શોધી રહેલા વ્યક્તિને એકદમ નોકરીનું જેકપોટ લાગે છે. નોકરી માટે ડિગ્રી કે સર્ટિફિકેટ નહીં સાયકલ હોવું ફરજિયાત છે. તેની પાસે સાયકલ નહોતી પણ તોય એ કહી દે છે, 'અરે ફિકર નોટ...એ તો હું લઈ આવીશ.' તેના આ 'એ તો હું લઈ આવીશ'ના ચક્કરમાં એની પત્ની ઘરની બધી બેડશીટ્સ વેચી દે છે અને તેને સાયકલ અપાવે છે. શહેરની દીવાલો પર પોસ્ટર ચીપકાવવાની નોકરી દરમિયાન જ સાયકલ ચોરાઈ જવી અને ત્યારબાદનો સંઘર્ષ ગરીબ અને નિયો-મિડલ ક્લાસ પરિવારોની વ્યથાને દર્શાવે છે. બાપ-દીકરો શહેરની ગલીઓ ગલીઓમાં ફરીને ચોરાયેલી સાયકલને શોધે છે. સાયકલ ચોર તો મળી જાય છે, પરંતુ ચોરને તેના પડોશીઓ બચાવી લે છે. થાકી-હારીને એન્ટોનિયો દ્વારા સાયકલ ચોરવાની ઘટના તેની કારમી હારની ચાડી ખાય છે. તેણે પરિસ્થિતિનો સ્વીકાર કરીને પહેલાં જ હાર માની લીધી હોત તો કદાચ કહાણી કંઈક જુદી હોત. વિરોટીયો ડી સીકા કહેવા માંગે છે કે, ક્યારેક હારનો વહેલો સ્વીકાર કરવાથી ઊભરી ન શકાય તેવી હારમાંથી બચી શકાતું હોય છે. નોકરીની જીત સાથે શરૂ થયેલી ફિલ્મ છેવટે સિસ્ટમ સામે હારેલી વ્યક્તિ સાથે ખતમ થાય છે.
અગાઉ નોંધ્યું તેમ, બિમલ રોયે 'બાઈસિકલ થીવ્સ'ની સ્ટોરી પરથી જ 'દો બીઘા ઝમીન'નાં બીજ રોપ્યા હતા. તેમણે પોતાની ટીમને અનેક વખત આ ઈટાલિયન ફિલ્મ બતાવી હતી. આ પહેલી અને છેલ્લી વખત નહોતું કે જ્યારે હિન્દી ફિલ્મ માટે ફોરેન લેંગ્વેજની ફિલ્મ પરથી પ્રેરણા લેવામાં આવી હોય. 'ચોરી ચોરી' માટે ફ્રેન્ક કાપ્રાની 'ઈટ હેપન્ડ વન નાઈટ', 'સંગમ' માટે જ્યોર્જ સ્ટીવન્સની 'અ પ્લેસ ઈન ધ સન' , 'સરકાર' માટે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની 'ધ ગોડફાધર' , 'મર્ડર' માટે એડ્રિયન લીનની 'અનફેઇથફુલ', 'ગજિની' માટે ક્રિસ્ટોફર નોલનની 'મોમેન્ટો', 'પાર્ટનર' માટે એન્ડી ટેનન્ટની 'હિચ'... આવાં તો અનેક ઉદાહરણો છે.
'બાઈસિકલ થીવ્સ'ની માફક બિમલ રોયે સ્ટુડિયોની ચમકની છોડીને સામાન્ય માણસની વ્યથાને વાચા આપવા માટે ભીડભાડવાળી શેરીઓ પસંદ કરી હતી. ભીડ સાથે તેઓ મુખ્ય પાત્ર શંભુ (બલરાજ સહાની)ની એકલતાને દર્શાવવા માંગતા હતા. ફિલ્મની કહાણીને ભારતીય ટચ આપવા માટે વ્યાજના વ્યાજનું વ્યાજ લેનાર શાહુકારનું પાત્ર અને બધુ ગુમાવી દેવાના ડર સાથે જીવી રહેલા ગરીબ પરિવારનું વિવરણ પણ અદભુત રીતે કરવામાં આવ્યું છે. શંભુની જમીન માટેની લડતને એની નિરાશાથી ભરપૂર ચાલ અને થાકેલી આંખો થકી બતાવાઈ છે. 'બાઈસિકલ થીવ્સ'માં નાનકડો બુ્રનો પારાવાર તકલીફોનો સામનો કરી રહેલા પોતાના પિતાને પડછાયાની જેમ સાથ આપે છે અને ધીરે ધીરે દુનિયાની ક્રતાને સમજે છે. બિમલ રોયની ફિલ્મમાં નાનો કનૈયો છુપાઈને પિતા સાથે કોલકાતા પહોંચી જાય છે. પિતાના સંઘર્ષને જુએ છે અને રસ્તા પર બૂટપોલિશ કરીને તેમને બનતી મદદ કરવાનો પ્રયાસ કરે છે. તેની માસૂમિયત સમજદારીમાં બદલાતી જાય છે. બંને ફિલ્મોમાં ક્લાઈમેક્સ સમાન છે. હાર સ્વીકારતા પિતાની બાજુમાં પુત્રની હાજરી, ભીડમાં તેમનું ગાયબ થઈ જવું... આ સીન ભલભલા કઠણ હૃદયને પીગળાવે તેવો છે. ફિલ્મમેકર આ દ્રશ્ય દ્વારા કહેવા માગે છે કે, સત્ય અને કર્તવ્યનિષ્ઠાના માર્ગ પર ચાલનારા બાપ-દીકરા વ્યક્તિગત ઓળખ ગુમાવીને અસત્ય તેમજ સગવડ શોધતી ભીડનો ભાગ બની ગયા છે.
બલરાજ સાહનીની તૈયારી
આજકાલ ફિલ્મના પ્રમોશન વખતે એક્ટરો ડંફાસ મારતા જોવા મળતા હોય છે કે, આ ફિલ્મ પહેલાં મેં રોજ જિમમાં આટલા કલાક મહેનત કરી વગેરે વગેરે. પરંતુ, ટાગોરની વિશ્વ ભારતી યુનિવસટીમાં પૂર્વ શિક્ષક રહેલા બલરાજ સાહનીની મહેનત સાથે તેની સરખામણી કરવી અશક્ય છે. પહેલાથી જેમની એક્ટિંગનો ડંકો વાગતો હતો તેવા અભિનેતાએ ફિલ્મની પૂર્વતૈયારી રુપે કોલકાતાના રસ્તાઓ પર સાચેચાસ હાથરીક્ષા ખેંચી હતી. શહેરની અસ્તવ્યસ્ત ગલીઓમાં તેઓ ખુલ્લા પગે પેસેન્જરોને ફેરવતા હતા. આ કોઈ રિહર્સલ નહોતું, ન તો કેમેરા ગોઠવીને શોટ્સ લેવામાં આવતા હતા. આ બલરાજ સાહનીનું સમર્પણ હતું. શંભુ બનવા માટે તેમણે મેકઅપ નહીં, પણ શ્રમનો સહારો લીધો હતો. એક સમયે ફિલ્મના શૂટિંગ દરમિયાન ભૂખ લાગતા તેઓ નજીકમાં કંદોઈની દુકાને ગયા અને દૂધ માંગ્યું ત્યારે તેમના હાલ જોઈને હલવાઈએ તેમને ભીખારી સમજીને ઠપકો આપીને ભગાડી મૂક્યા હતા. રસ્તા પર શૂટિંગ દરમિયાન બલરાજ એટલી હદે દુખી થઈ ગયા કે, બિમલ રોયે ગુસ્સે થઈને શૂટિંગ બંધ કરવું પડયું હતું. દરમિયાન એક રીક્ષાવાળો તેમની પાસે આવ્યો અને પૂછયું કે, 'શું થયું? કેમ આટલા ઉદાસ છો?'બલરાજે ફિલ્મની સ્ટોરી જણાવી ત્યારે સામેથી જવાબ આવ્યો કે, 'બાબુ, આ તો મારી કહાણી છે. છેલ્લાં ૧૫ વર્ષથી ગામની જમીન છોડવવા માટે મહેનત કરી રહ્યો છું.' આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બલરાજ સમજતા ગયા કે આપણો દેશ સમાજ-જાતિ, અમીરી-ગરીબી, શહેર-ગામ જેવા અનેક પૂર્વગ્રહોથી પીડિત છે. આ પૂર્વગ્રહો જ આપણી માનવતા નષ્ટ કરી રહી છે. ૧૯૫૩માં મુંબઈના મેટ્રો સિનેમામાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મ જોતી વખતે કેટલાય દર્શકોને પોતાના જીવનની વેદના સ્ક્રીન પર પ્રતિબિંબિત થઈ રહી હોય તેવી અનુભૂતિ થતી હતી.
'દો બીઘા જમીન'ની સ્ટારકાસ્ટ
ભૂમિકા | કલાકાર |
શંભુ મહેતો | બલરાજ સહાની |
પાર્વતી (શંભુની પત્ની) | નિરુપા રોય |
કનૈયા (શંભુનો પુત્ર) | રતન કુમાર |
દુક્કી (મજૂર મિત્ર) | નાનુ ભારદ્વાજ |
જમીનદાર | મુરાદ |
નસગદાસ | રઘુ વિરુલકર |
કાલા | મોહન ચોપરા |