
- 'ફિટનેસ એક માઇન્ડસેટ છે. તે તમે રાતોરાત ન વિકસાવી શકો. તેને માટે તમારે નિરંતર મહેનત કરવી પડે અને આચરકુચર ખાવા પર અંકુશ રાખવો પડે. જો તમે સ્વસ્થ હો તો જીવનના પ્રત્યેક પડકારનો સામનો કરી શકો'
સીઆઈડી'માં ઇન્સપેક્ટર 'સચિન'ની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેતા ઋષિકેશ પાંડે નાનપણથી ફિટનેસ પ્રત્યે જાગૃત જ હતો. અને તેણે જિમમાં જવાથી પહેલા જ પોતાની ફિટનેસ માત્ર ઘરેલૂ નુસ્ખા અને ચોક્કસ પ્રકારની આહારશૈલીને અનુસરીને કેળવી હતી. આજે તેનું બૉડી અને ફિટનેસ દર્શકોને મોહ પમાડી રહ્યાં છે.
પોતાની ફિટનેસનું રહસ્ય ઉઘાડતાં અભિનેતા કહે છે કે ફિટનેસ એક માઇન્ડસેટ છે. તમે રાતોરાત ફિટનેસ ન મેળવી શકો. તેને માટે તમારે નિરંતર મહેનત કરવી પડે અને આચરકુચર ખાવા પર અંકુશ રાખવો પડે. જો તમે સ્વસ્થ અને સકારાત્મક હો તો જીવનના પ્રત્યેક પડકારનો સામનો કરી શકો, ડિપ્રેશન તમારી નિકટ પણ ન આવી શકે. હું નાનપણથી મૉર્નિંગ વૉક, સ્ટ્રેચિંગને યોગ કરતો આવ્યો છું. તે વધુમાં કહે છે કે હું આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે ફિટનેસ પ્રત્યેનો મારો ઝોક વધ્યો. ત્યારથી મેં ઘરમાં જ પુશ-અપ, પુલ-અપ જેવા બેઝિક વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું. હું દેશી સ્ટાઈલમાં ફ્રી હેન્ડ વર્કઆઉટ કરતો. હું નથી માનતો કે જિમમાં ગયા વિના બૉડી બિલ્ડ-અપ નન કરી શકાય. દેશી દંડ-બેઠક વર્કઆઉટનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમે ઘરમાં જ કરી શકો અને તેની કોઈ આડઅસર પણ ન થાય.
ઋષિકેશ ઉમેરે છે કે મેં ૨૩-૨૪ વર્ષની વય સુધી જિમ જોયું સુધ્ધાં નહોતું. આમ છતાં મારું બૉડી જિમમાં જતાં લોકો કરતાં વધુ સરસ હતું. મારા મતે ફિટનેસ કેળવવા માટે પ્રાકૃતિક ઉપાયો વધુ કારગર નિવડે છે. અને તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી ટકી રહે છે. હું કોઈ પ્રકારની સપ્લીમેન્ટ લેવાનું પસંદ નથી કરતો માત્ર ઘરમાં બનાવેલું ચોક્કસ પ્રકારનું ભોજન લઉં છું. મને રોજેરોજ એકસરખું ખાણું ખાવાનો કંટાળો નથી આવતો. હા, સપ્તાહમાં એક દિવસ ચીટ ડે અવશ્ય રાખું છું. અને તે દિવસે મારી જીભના ચટાકા પોષું છું.
પોતાના નિયમિત આહાર વિશે ઋષિકેશ કહે છે કે હું વર્ષોથી એક જ પ્રકારનો આહાર લઉં છું. દિવસભરમાં હું ત્રણ વખત સારી રીતે ખાઉં છું. અને સાંજના સમયે ફળો લઉં છું. હું સવારના ઉઠીને નવશેકું પાણી પીઉં છું. મને નાનપણથી સવારના ચા પીવાની ટેવ હોવાથી હું હુંફાળું પાણી પીધા પછી એક કલાક રહીને ચા પીઉં છું. તે પણ ખાંડને બદલે ગોળ નાખેલી. સવારના નાસ્તાથી પહેલા હું મોટાભાગે આમળા-બીટરૂટ-દૂધીનું જ્યુસ પીઉં છું. ક્યારેક હળદર અને તજનો ઉકાળો પી લઉં છું, તો ક્યારેક નાળિયેર પાણી. હા, જે દિવસે જ્યુસ કે ઉકાળો પીઉં તે દિવસે ચા નથી પીતો. તેના સિવાય દૂધ-દહીં અમારા ભોજનનો કાયમી ભાગ છે. સવારના નાશ્તામાં હું રાત્રે દહીંમાં પલાળી રાખેલો સુકો મેવો લઉં છું. સવારના નાસ્તામાં ખજૂર અને
અંજીર પણ ખાઉં છું. મારો સવારનો નાસ્તો હમેશાંથી આ જ રહ્યો છે જે મને સ્વસ્થ રાખવા સાથે ભરપૂર ઊર્જા પૂરી પાડે છે.
અભિનેતા પોતાના રોજિંદા આહારમાં મોસમી ફળો, વિવિધ પ્રકારની દાળ, સુકો મેવો અચૂક લે છે. તે કહે છે કે આ સઘળાં ખાદ્ય પદાર્થો સુપરફૂડ છે જે તમને ફિટ એન્ડ ફાઈન રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. બપોરના ભોજનમાં હું મર્યાદિત તેલમાં બનાવેલું ઘરનું ખાણું લઉં છું જેમ રોટલી, દાળ, શાક, સલાડ તેમ જ કેટલુંક નૉનવેજ સામેલ હોય છે. રાત્રે પણ હું આવું જ ભોજન લઉં છું. ફક્ત તેની માત્રા ઓછી હોય છે. સામાન્ય રીતે હું વહેલા જમી લેવાનું પસંદ કરું છું. પરંતુ શૂટિંગને કારણે ઘરે પહોંચતા મોડું થાય તોય હું સુવાના સમયથી બે કલાક પહેલા જમી લઉં છું.
જોકે ઋષિકેશ ઘણાં વર્ષથી અઠવાડિયામાં બે-ચાર વખત જિમમાં પણ જવા લાગ્યો છે. આમ છતાં ફિટનેસ માટે તે સંપૂર્ણપણે જિમિ પર નિર્ભર નથી. તેના મતે જિમમાંથી નીકળ્યા પછી દિવસભરમાં ચાર ડગલાંય ન ચાલો તો જિમમાં જવાનો અર્થ શો. જિમમાં જાઓ કે ન જાઓ, વૉક કરવાનું અચૂક રાખો, જ્યાં પગપાળા જવાતું હોય ત્યાં વાહનનો ઉપયોગ ન કરો, સ્ટ્રેચિંગ અચૂક કરો, લિફ્ટનો ઉપયોગ ટાળી પગથિયાં ચડવાનું રાખો, કામ કરવા બેઠાં હો તોય વચ્ચે વચ્ચે ઉઠીને એકાદ-બે આંટા મારી આવો. નિયમિત રીતે આટલું કરો તોય ફિટનેસ કેળવવામાં અચૂક મદદ મળે.