Home / Entertainment : Temple priest makes first Kannada AI-generated film for Rs 10 lakh

Chitralok: મંદિરના પૂજારીએ દસ લાખ રૂપિયામાં પહેલી કન્નડ AI - જનરેટેડ ફિલ્મ બનાવી 

Chitralok: મંદિરના પૂજારીએ દસ લાખ રૂપિયામાં પહેલી કન્નડ AI - જનરેટેડ ફિલ્મ બનાવી 

- પિક્સેલના પાત્રો અને લાગણીઓના કોડ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- માનવલાગણીઓના આટાપાટા રજૂ કરવાની મહારત મેળવવામાં AIને હજી વાર લાગશે

- 'AI વડે પૌરાણિક ફિલ્મ બનાવવાનું સરળ છે, કેમ કે  હાથી, ઘોડા અને એક લાખ સૈનિકો સરળતાથી બની જાય છે... પણ સમકાલીન સ્ટોરી ધરાવતી રિયલિસ્ટિક લાગતી ફિલ્મ AI દ્વારા બનાવવી એ પડકાર હતો'

ફિલ્મ ઉદ્યોગ ટેકનોલોજીને અપનાવવામાં હંમેશા અગ્રેસર હોય છે. આખી દુનિયા જ્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇના રવાડે ચડી હોય ત્યારે ફિલ્મ જગત તેમાંંથી બાકાતન જ હોય. હિન્દી ફિલ્મોમાં વીએફએક્સ અને ગ્રીન સ્ક્રિન જેવી ટેકનોલોજીઓ સતત વપરાતી રહી છે પણ હવે કન્નડ ભાષામાં પહેલી એઆઇ નિર્મિત ફિલ્મ બનીને રજૂ પણ થઇ ચૂકી છે. કન્નડ ભાષાની આ ફિલ્મ કેવી બની છે તેના કરતાં તે કેવી રીતે બની છે તેની કહાણી રોમાંચક છે. એઆઇ સર્જિત પાત્રો રૂપેરી પડદે ભલે ફ્લેટ અને પ્રાણહીન લાગે પણ તેમાં પ્રાણ પૂરવાની મથામણની કથા જકડી રાખે તેવી છે. આવો માંડીને વાત સમજીએ....

કર્ણાટકમાં બેન્ગાલુરૂ નજીક આવેલાં સિદ્ધહલ્લી ગામના પૂજારી નરસિંહ મૂર્તિએ મર્યાદિત બજેટમાં એક્ટર, સંગીતકાર અને ક્રૂ વિના જ એઆઇની સહાયથી પોતાની સપનાંની ફિલ્મને સાકાર કરી ચમત્કાર કર્યો છે. ફિલ્મનું ટાઇટલ છે, 'નિધાનાયે ધર્મા'. ૫૦ વર્ષના નરસિંહ મૂર્તિ બગલગુટેના અંજનેયા સ્વામી મંદિરના પરંપરાગત પૂજારી છે. પણ તેમને ફિલ્મ બનાવવાનો પણ શોખ છે. તેમણે અગાઉ ૨૦૨૨માં ગરૂડ અક્ષ અને ૨૦૨૪માં કન્ટેઇનર નામની પ્રયોગશીલ ફિલ્મો બનાવી છે. કન્ટેઇનર એક અનોખી થ્રિલર ફિલ્મ છે જેમાં એક મજૂર શિપિંગ કન્ટેઇનરમાં સપડાઇ જાય છે અને પછી તેના ૨૪ કલાક વિશેની આ થ્રીલર છે. મૂર્તિ કહે છે, મને એઆઇનો નાદ લાગ્યો હતો અને હું દુનિયામાં સૌ પ્રથમ એઆઇ સર્જિત ફિચર ફિલ્મ બનાવવા માંગતો હતો. એઆઇ વડે પૌરાણિક ફિલ્મ બનાવવાનું સરળ હતું કેમ કે તેમાં  હાથી, ઘોડાં અને એક લાખ સૈનિકો એઆઇ દ્વારા થોડી મિનિટોમાં જ બનાવવા શક્ય છે. પણ સમકાલીન સ્ટોરી ધરાવતી વાસ્તવિક ફિલ્મ એઆઇ દ્વારા બનાવવી એ પડકાર હતો. લિપ સિન્કિંગથી માંડી લાગણી દર્શાવવા સુધીના પડકારો તેમાં રહેલાં હતા. પણ અમે આ પડકાર ઝીલી લેવાનું નક્કી કર્યું અને અમે લવયુ નામની કન્નડ ફિલ્મ બનાવી છે. 

નરસિંહ મૂર્તિ સિદ્ધહલ્લીના પૂજારી પરિવારમાંથી આવતો હોઇ તેણે પૂજારી તરીકે અલંકારશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે પણ તેના પિતાના મોટાભાઇ પંડિત રામાનુજાચાર્ય ફિલ્મ નિર્માતા હતા અને તેમણે ૧૯૭૭માં તબ્બાલિયુ નિનાડે માગાને અને ૧૯૮૫માં ચદુરંગા નામની ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. મોટા કાકાનો સિનેમાનો રંગ મૂર્તિને લાગ્યો છે. નરસિંહ મૂર્તિ કહે છે, મને અવતાર અને એવેન્જર્સ જેવી ફિલ્મો ગમે છે પણ મને સમજાયું કે એઆઇની પણ મર્યાદાઓ છે. 

બીજી તરફ નૂતન નામનો એક ગ્રાફિક આર્ટિસ્ટ પણ એઆઇને ફિલ્મમેકિંગના માધ્યમ તરીકે વાપરવા માટે સંશોધન  કરતો હતો. તેણે એઆઇનો ઉપયોગ કરી ન આઠ ગીતો બનાવ્યા હતા. પણ તેની પાસે નાણાં ખૂટી જતાં તે મૂર્તિને મળ્યો અને બંને જણાં સાથે એઆઇ દ્વારા સર્જિત ફિલ્મ બનાવવા માટે સંમત થયા. નૂતન કહે છે, અમે પ્રથમ બાર ગીતો શૂટ કરી નાંખ્યા એ પછી અમે   ફિલ્મની કથા રચી. એઆઇ ટૂલ દ્વારા અમે પ્રોડકશન શરૂ કર્યું પછી તો ધમાલ મચી. ઇમેજ જનરેશન, વિડિયો જનરેશન અને વોઇસ મોડયુલેશન માટે અમે એઆઇ ટૂલનો ઉપયોગ કરવા માંડયો. યોગ્ય એઆઇ ટૂલ નક્કી કરવામાં અમને છ મહિના લાગ્યા અને પછી અમે ફિલ્મ બનાવવાના કામે લાગ્યા. 

મૂળ કાયદાનો સ્નાતક નૂતન કહે છે, મુખ્ય પાત્રો સહિત અમારી ફિલ્મમાં પંદર પાત્રો છે. તે તમામની પસંદગી અમે એઆઇ દ્વારા બનાવવામાં આવેલી દસ હજાર ઇમેજમાંથી કરી છે.પછી અનેક પ્રકારના પ્રોમ્પ્ટ દ્વારા અનેક પાત્રોને સજીવ કરવામાં આવ્યા. પહેલું ગીત નીન્ના પ્રીતીયા જલ્લાદઅલી યુ ટયુબ પર રિલિઝ કરવામાં આવ્યું ત્યારે દર્શકોએ તેમાં રહેલી મર્યાદાઓ ચીંધી બતાવી હતી. પાત્રના દેખાવમાં સાતત્યતા નહોતી એમ નૂતન કબૂલ કરે છે પણ તેમના માટે આ અવરોધ નહીં પણ પડકાર હતો. નૂતને એ પછી ઇમેજિંગમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે તમામ પ્રયાસો શરૂ કર્યાં. નૂતન કહે છે, મેં ઇમેજ જનરેશન માટે મીડજર્ની અને લિયોનાર્ડો, વિડિયો જનરેશન માટે મીનીમેક્સ અને લુમા, લિપ સિન્કિંગ માટે રનઅવે અને વોઇસ ઓવર માટે ઇલેવન લેબ્સ નામના એઆઇ ટૂલનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણાં ઓપન સોર્સ ટૂલ પણ ખપમાં લેવામાં આવ્યા છે. 

નરસિંહ મૂર્તિ કહે છે, ઇચ્છનીય પરિણામો મેળવવા માટે અમારે એઆઇને વશમાં લેવું પડયુ હતું. દાખલા તરીકે કોઇપણ એક્શન એટલે કે ચાલવું, દોડવું કે ડાન્સ માટે અમારે એઆઇને ટ્ક્સ્ટ દ્વારા પ્રોમ્પ્ટ કરવું પડતું. એ પછી અમારે પાત્ર ડાન્સ કરવાનું હોય તો તેની ગતિ નક્કી કરવી પડતી. વોઇસ કમાન્ડમાં સ્કેલ અમારે ફિક્સ રાખવો પડતો જેથી લાગણી બરાબર વ્યક્ત કરી શકાય. આમ, આ રીતે ઘણું કામ કરવું પડે છે. આજે એઆઇ સતત વિક્સી રહી છે. મારી ઇચ્છા હવે આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ-એજીઆઇ- દ્વારા ફિલ્મ બનાવવાની છે. 

બીજી તરફ નૂતન પાસે પણ હવે જબરદસ્ત આત્મવિશ્વાસ આવી ગયો છે. તે કહે છે, આજે જે ટેકનોલોજી ઉપલબ્ધ છે તેનાથી હું વધારે સારી ફિલ્મ બનાવી શકું તેમ છું. નૂતનના જણાવ્યા મુજબ આજે મહિના- બે મહિનામાં એઆઇ સર્જિત ફિલ્મ બનાવવી શક્ય છે. નૂતન ભવિષ્યવાણી કરતાં કહે છે કે એકવાર એઆઇ મોટાપાયે અપનાવવામાં આવશે કે તે સાથે વીએફએક્સના વળતાં પાણી થશે. નૂતન હાલ બેન્ગાલુરૂના સ્થાપક સ્થપતિ કેમ્પે ગૌડા પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ઉપરાંત તે ચાલુક્ય રાજા પરથી ઇમાડી પુલકેશી ફિલ્મ પણ બનાવી રહ્યો છે. અમેરિકન ફિલ્મ ૩૦૦ અને કેજીએફ ફિલ્મથી પ્રેરિત નૂતન કહે છે, આજના ડિજિટલ જમાનામાં સ્ટોરી ટેલિંગ સરળ બની રહ્યું છે ત્યારે આપણે આપણાં ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાંથી સ્ટોરીઓ રસપ્રદ રીતે રજૂ કરી દર્શકોને જકડી રાખવા જોઇએ.  જોકે, નરસિંહ મૂર્તિ અને નૂતનની જોડીએ છ મહિનામાં દસ લાખ રૂપિયાના બજેટમાં લવ યુ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ બનાવવા માટે વિવિધ પ્રકારના ૩૦ એઆઇ ટૂલ્સ અને ડ્રોન શોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નૂતન કહે છે, ફિલ્મમાં અમે વાપરેલી ટેકનોલોજી છ મહિના જુની થઇ ચૂકી છે. જો આજે અમે આજ ફિલ્મ બનાવીએ તો તે સાવ અલગ અને ઘણી બહેતર બને. ફિલ્મ લવ યુ બનીને રિલિઝ થઇ ચૂકી છે. પણ દર્શકો અને સમીક્ષકોએ આ ફિલ્મના મિશ્ર પ્રતિભાવ આપ્યા છે. લવ યુ વિઝ્યુઅલી સુદર લાગે છે પાત્રોના વસ્ત્રો સરસ ડિઝાઇન કરાયા છે તો મ્યુઝિક પણ સતત ચાલતું રહે છે. બાર ગીતો હોઇ સંગીતની કોઇ કમી નથી. એઆઇ દ્વારા સર્જવામાં આવેલાં ચહેરા સુંદર છે પણ લાગણીઓ વ્યક્ત કરવામાં તે મોળાં પડે છે. દૃશ્યો કુદરતી રીતે ગતિ કરતાં હોય તેમ લાગતું નથી. મોટાભાગના દૃશ્યોમાં એક જ ટોન વરતાય છે. મુખ્ય પાત્રનું દિલ તુટી જતાં તે દેવદાસવેડાં કરે છે પણ તેમાં ય લાગણી ઉઁણી પડે છે. 

ઉદાસી એટલે શું અને એઆઇ જે જવાબ આપે તેવી ફિલ આ ફિલ્મ જોઇને આવે છે. એઆઇ દ્વારા સીન એક  માળખાકીય વ્યવસ્થામાં રજૂ કરી શકાય પણ તેમાં ઉંડાણ લાવવા માટે અનુભવનું પીઠબળ જોઇએ. આમ આખી ફિલ્મમાં એક ઉંડાણનો અભાવ વરતાય છે. ફિલ્મમાં ઘણી મર્યાદાઓ છે પણ એક પ્રયોગ તરીકે તે જકડી રાખે છે. ટેકનોલોજી સર્જનાત્મકને સહાયરૂપ બનવાને બદલે ટેકનોલોજી પોતે સર્જક બની જાય ત્યારે કેવું પરિણામ આવી શકે તે સમજવા માટે પણ આ ફિલ્મ જોવી જોઇએ. ફિલ્મની શરૂઆતમાં દિગ્દર્શકે ચોખવટ કરી છે કે આ ફિલ્મમાં મર્યાદાઓ છે પણ અમને તેનો અફસોસ નથી. અમે ઇચ્છીએ છીએ કે દર્શકો ફિલ્મ વિશે કોઇ તારણો બાંધવાને બદલે તેના વિશે સવાલો કરે. આમ, અનેક મર્યાદાઓ છતાં આ ફિલ્મ સિનેમાના ઇતિહાસમાં આવેલાં એક મહત્વના વળાંકને પ્રતિબિંબિત કરે છે. આમ, તેનું ઐતિહાસિક મહત્વ અનેરૂ છે. જો કે, દુનિયામાં પ્રથમ એઆઇ ફિલ્મનું માન ગયે વર્ષે આવેલી વ્હેર રોબોટ્સ ગ્રો નામની ફિલ્મને ફાળે ગયું છે. ભારતમાં કદાચ આ પ્રથમ એઆઇ ફિલ્મ બની રહેશે. 

- નરસિંહ મૂર્તિ

Related News

Icon