
- 'હું ફિલ્મોના સેટ પર જ મોટી થઈ છું એટલે મારામાં એક્ટિંગ માટે પ્રેમ તો હતો જ એક્ટર તરીકે કામ કરતા જાવ એમ તમારો કોન્ફિડન્સ વધતો જાય'
નવા નિશાળિયા એક્ટરો સાથે બે વરસ પહેલા ફિલ્મ 'આર્ચિઝ'થી ડેબ્યુ કરનાર ખુશી બોની કપૂર ત્રણ મૂવીઝ કર્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીમાં ઠરીઠામ નથી થઈ. એમાંય ઇબ્રાહિમ અલી ખાન સાથેની એની ફિલ્મ 'નાદાનિયા' આવ્યા બાદ એની સોશિયલ મીડિયા પર ઘણી ઠેકડી ઉડાડાઈ, ઉપહાસ થયો એટલે બોની કપૂર અને શ્રીદેવીની નાની પુત્રી ખુશીએ હવે પીઆર એક્સરસાઇઝ શરૂ કરી છે. હમણાં એણે એના ભાગરૂપે પસંદગીના પત્રકારો સાથે નાનકડું ઇન્ટરએક્શન ગોઠવી પોતાની કેફિયત રજુ કરી. સમગ્ર સંવાદ દરમિયાન મિસ કપૂરે પોતાની બોડી લેંગ્વેજમાં હિંમત અને નીડરપણું જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
સૌ જાણે છે કે ત્રણમાંથી એકેય ફિલ્મમાં ખુશીના પરફોર્મન્સની લગીરે પ્રશંસા નથી થઈ. એના ભાગે એકલી આલોચના જ આવી છે. મનોમન એ જાણતી ખુશી એનો સીધો ઉલ્લેખ કર્યા વિના કહે છે, 'દરેક એક્ટરે આવી પબ્લિક સ્ક્રુટિની (જાહેર આકારણી)નો સામનો કરવો પડે છે. સમયાંતરે તમે દરેક વ્યક્તિનો કહેવાનો મતલબ સમજતા થઈ જાવ છો. હું એવું માનું છું કે અંગત રાગદ્વેષ વિનાની રચનાત્મક ટીકા થવી જોઈએ. એનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ કોઈની વાત તમને કોઈ રીતે મદદરૂપ ન થતી હોય તો એ સાંભળવાનો કોઈ અર્થ નથી. અમુક લોકોની નેગેટિવિટી તો કાયમ રહેવાની. આ (એક્ટિંગના) જોબ સાથે અમુક બેગેજ (સરંજામ, સામાન) તો આવે જ છે. એનો પ્રતિકાર કરવા તમારે જાડી ચામડીના થવું પડે. ટીકાઓ ભૂલીા તમે એક્ટર તરીકે બસ શીખતા રહો અને આગળ વધતા રહો.'
મીડિયા વધુ જાણવા અને સાંભળવાના મૂડમાં છે એ જાણી ખુશી પોતાની અત્યાર સુધીની જર્ની (યાત્રા) વિશે વાત કરે છે, 'એક્ટર તરીકે નવું નવું શીખતા રહી વિકસતા રહેવાની અને પોતાના કામમાં નવીનતા લાવતા રહેવાની પોતાની એક મજા છે. મારે મન મારું કામ જ મારું ઈનામ છે. તમારા ભાગે નવી તકો આવતી રહે અને તમે નવા નવા રોલ્સ પર હાથ અજમાવતા રહો, બસ. એનાથી વધુ શું જોઈએ? લોકો મને ક્યારેક એવું પૂછે છે કે ત્રણ ફિલ્મો કર્યા બાદ હવે તારામાં કેટલો સેલ્ફ-કોન્ફિડંસ (આત્મવિશ્વાસ) આવ્યો છે? મારે એમને એટલું જ કહેવું છે કે હું ફિલ્મોના સેટ આસપાસ જ મોટી થઈ છું એટલે મારામાં એક્ટિંગ માટેનો પ્રેમ તો હતો જ. તમે એક એક્ટર તરીકે કામ કરતા જાવ એમ તમારો કોન્ફિડન્સ વધતો જાય. તમારી (ભૂમિકાઓની) પસંદગી પર તમારો ભરોસો વધતો જાય. આજે મને લાગે છે કે હવે મને વાચા ફુટી છે. હવે હું મારા મત અને મારા વિચારો વધુ સારી રીતે વ્યક્ત કરી શકું છું. બાકી, શરૂમાં તો હું ચુપચાપ બેસી રહી લોકોને સાંભળ્યા કરતી.'
તાજેતરમાં એક પ્રતિષ્ઠિત ઇંગ્લીશ ડેઈલીના ફેશન વીકની ગ્રાન્ડ ફિનાલેમાં શોસ્ટોપર તરીકે કેટવોક કરી ખુશીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એનો પત્રકારોએ ઉલ્લેખ કરતા યુવાન એકટ્રેસ ઉત્સાહથી કહે છે, 'ફેશનની બાબતમાં હું બિલકુલ પ્રેશર નથી અનુભવતી. મારે મન ફેશનેબલ હોવું એટલે ઓથેન્ટિક (અસલ) હોવું. તમે ઓથેન્ટિક હો એટલે લોકોમાં એવો મેસેજ પહોંચી જાય કે તમારામાં સ્ટાઈલની સેન્સ છે. ફેશનના સંદર્ભમાં કોઈ સલાહની જરૂર પડે તો હું રિયા દીદી (અનિલ કપૂરની નાની દીકરી) પાસે પહોંચી જાઉં. બાકીની બધી બાબતોમાં એડવાઇઝ માટે મારી સિસ્ટર જાહન્વી તો છે જ.'