Home / Entertainment : Sonakshi Sinha will now become a lawyer and give strong arguments

Chitralok: સોનાક્ષી સિંહા હવે વકીલ બનીને જોરદાર દલીલબાજી કરશે

Chitralok: સોનાક્ષી સિંહા હવે વકીલ બનીને જોરદાર દલીલબાજી કરશે

- અશ્વિની ઐયર તિવારી નિર્દેશિત ફિલ્મમાં સોનાક્ષી સિંહા દક્ષિણની હિરોઇન જ્યોતિકા સાથે ટકરાશે

- સોનાક્ષી સિંહા 38 વર્ષની વયે સો કરોડ રૂપિયાની આસામી છે 

ફિલ્મી દુનિયાની ચકાચૌંધ જોઇ આખા ભારતમાંથી લોકો ફિલ્મ ઉદ્યોગમાં તેમની તકદીર અજમાવવા મુંબઇ આવી ચડે છે. બોલિવુડમાં જો તમારી તકદીર જોર કરતી હોય તો વહેલા મોડા સમૃદ્ધ બની પણ શકો છો. શત્રુઘ્ન સિંહાની પુત્રી અને હવે ઝહીર ઇકબાલની પત્ની સોનાક્ષી સિંહાએ તેની કારકિર્દીમાં ગણતરીની સફળ ફિલ્મો કરી છે, પણ એક ઇન્વેસ્ટર તરીકે તેણે લીધેલાં નિર્ણયોને કારણે તે આજે ખાસ્સી ધનિક બની ગઈ છે. એસએનડીટીમાં ફેશન ડિઝાઇનિંગનું ભણેલી ૩૮ વર્ષની સોનાક્ષી સિંહા આજે સો કરોડ રૂપિયાની આસામી બની ચૂકી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુંબઇમાં બાન્દ્રા ઇલાકામાં તે એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. આ એપાર્ટમેન્ટની જ કિંમત ૧૪ કરોડ રૂપિયા છે. ૪૬૨૮ ચોરસ ફૂટના આ વૈભવી ફ્લેટમાં સોનાક્ષી સિંહા ૨૦૨૩માં શિફ્ટ થઇ છે. ૨૦૨૪માં સોનાક્ષી સિંહાએ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પ્લસ ગોલ્ડમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ ઉપરાંત સોનાક્ષી સિંહા ટીવી અને સોશિયલ મીડિયા પર જાતજાતની વિજ્ઞાાપનો કરીને પણ અઢળક કમાણી કરે છે. કોલગેટ અને ડાબર જેવી મોટી બ્રાન્ડને પ્રમોટ કરતી સોનાક્ષી સિંહા પાસે વૈભવી કારોનું સારું એવું કલક્શન છે. સોનાક્ષી પાસે ૧.૪૨ કરોડ રૂપિયાની કિંમતની મર્સિડિઝ બેન્ઝ એસ૩૫૦ કાર છે. આ ઉપરાંત તેની પાસે બીજી બે વૈભવી કાર છે, જેમાં એક ૮૭.૭૬ લાખ રૂપિયાની મર્સિડિઝ બેન્ઝ જીએલએસ ૩૫૦ ડી અને બીજી, ૭૪ લાખ રૂપિયાની કિંમતની  બીએમડબલ્યુ ૬ જીટી સિરીઝની ગાડી.   

સોનાક્ષી સિંહાએ ૨૦૧૭માં ઝહીર ઇકબાલ સાથે ડેટિંગની શરૂઆત કરી હતી. બંનેએ ૨૦૨૨માં 'ડબલ એક્સએલ' નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. પરિવારના વિરોધ વચ્ચે સોનાક્ષીએ પોતાની લવસ્ટોરીને જુન ૨૦૨૪માં સિવિલ સેરેમની દ્વારા લગ્નમાં ફેરવી હતી. સોનાક્ષીએ પરિવારે શરુઆતમાં આ લગ્નનો પુષ્કળ વિરોધ કર્યો હતો એવું કહેવાય છે. કદાચ એટલે જ બોલિવુડની હિરોઇનોનાં લગ્નમાં સામાન્યપણે જોવા મળે તેવો ભપકો સોનાક્ષીનાં લગ્નમાં જોવા મળ્યો નહોતો. 

સોનાક્ષીએ લગ્ન બાદ દેખીતી રીતે જ એક્ટિંગનું ક્ષેત્ર છોડયું નથી. સોનાક્ષી સિંહાએ સંજય લીલા ભણશાળીની 'હિરામંડી' સિરીઝમાં કામ કરવા પેટે બે કરોડ રૂપિયા ફી લીધી હોવાનું ચર્ચાય છે. હાલ સોનાક્ષી એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ માટે તૈયારી કરી રહી છે. 

આ ફિલ્મનું નિર્દેશન અશ્વિની ઐયર તિવારી કરવાનાં છે. અશ્વિની અલગ જ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતાં છે. તેમણે 'નીલ બટે સન્નાટ્ટા' અને 'પંગા' જેવી અલગ જ પ્રકારની ફિલ્મ બનાવી આગવી ઇમેજ ઉભી કરી છે.  કહે છે કે અશ્વિની આ પ્રોજેક્ટ પર બે વર્ષથી કામ કરી રહ્યાં હતાં. પહેલાં આ ફિલ્મમાં કરીના કપૂર અને કિયારા અડવાણીને લેવાની વાત હતી, પણ વાત ન જામી ને હવે તેમની જગ્યાએ સોનાક્ષી સિંહા તેમજ દક્ષિણની અભિનેત્રી જ્યોતિકા આ કોર્ટરૂમ ડ્રામામાં જોવા મળશે. આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ પર રજૂ કરવામાં આવશે. અશ્વિની આ ફિલ્મ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર પહેલીવાર કદમ મુકી રહ્યાં છે. 

દરમ્યાન સોનાક્ષી સિંહા અને તેનો પતિ ઇકબાલ બંને મસ્તીભર્યા વીડિયો તેમના ચાહકો સાથે શેર કરતાં રહે છે. તાજેતરમાં ઇન્સ્ટા પર ઇકબાલે તાવમાં માંદી પડેલી સોનાક્ષીનો રમૂજી વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સોનાક્ષી માથે ટુવાલ મુકી સ્ટીમ લઈ રહી છે. પતિ ઝહીર આ ક્રિયાને રેકોર્ડ કરતાં ગાઇ રહ્યો છે કે, 'ઘૂંઘટ મેં હૈ ચંદા ફિર ભી ફૈલા હૈ ચારો ઓર ઉજાલા, હોશ ન ખો દે કહીં જોર સે ખાંસને વાલા...'

વીડિયો બનાવીને સોશ્યલ મિડિયા પર મુકતાં ઝહીરે લખ્યું છે, 'કે યે લડકી વાઇરલ હોનીવાલી હૈ.' સારા સમાચાર આપતાં આ વિડિયોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સોનાક્ષી સિંહાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

બાકી હાલ સોનાક્ષી સિંહા અશ્વિની ઐયરના લીગલ ડ્રામામાં વકીલની ભૂમિકા ભજવવા માટે જોરદાર તૈયારીઓ કરી રહી છે. ફિંગર્સ ક્રોસ્ડ!  

Related News

Icon