Home / Entertainment : A film made with 16 years of hard work and a huge budget

Chitralok : 16 વર્ષની મહેનત અને અધધ ખર્ચે બનેલી ફિલ્મ

Chitralok : 16 વર્ષની મહેનત અને અધધ ખર્ચે બનેલી ફિલ્મ

- દાસ્તાન-એ-સિનેમા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ક્યારેક કલા અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસાઈ જતી હોય છે. ઓલ-ટાઇમ-ગ્રેટ ગણાતી 'મુઘલ-એ-આઝમ' ફિલ્મના મામલામાં ભારતીય સિનેમાની સુપરસ્ટાર મધુબાલાએ આ સીમારેખાને ભૂંસી નાખી હતી

ક્યારેક કલાકારો પોતાની કલામાં એટલી હદે મગ્ન થઈ જતાં હોય છે કે, કલા અને વાસ્તવિકતાની પાતળી ભેદરેખા ભૂંસાઈ જતી હોય છે. ભારતીય સિનેમાની સુપરસ્ટાર મધુબાલાના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. 'મુઘલ-એ-આઝમ' ફિલ્મના હૃદય સમાન પાત્ર અનારકલીને તો તેઓ જાણે વાસ્તવિક જીવનમાં જીવવા લાગ્યા હતા. તેમણે અનારકલીની પીડાને પોતાની માની ત્યારે જ ફિલ્મ 'મુઘલ-એ-આઝમ' ઐતિહાસિક બની તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. અનારકલી સાથે એક તાંતણે બંધાઈ ગયેલી મધુબાલાએ જીવનમાં પણ તેવી જ સમસ્યાઓનો સામનો કર્યો. તેમણે જાણે માની લીધી હતું કે, 'મોહબ્બત હમને માના ઝિંદગી બરબાદ કરતી હૈ, યે ક્યા કમ હૈ કી મર જાને સે દુનિયા યાદ કરતી હૈ, કિસી કે ઈશ્ક મેં દુનિયા લૂંટાકર હમ ભી દેખેંગે...'

જેમ ફિલ્મમાં સલીમ સાથે તેમનો પ્રેમ ખીલે છે તેમ ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં દિલીપકુમાર સાથે તેમનો પ્રેમ ખીલ્યો હતો. જેમ, અકબરે સલીમના પ્રેમનો વિરોધ કર્યો હતો તેમ પિતા અતાઉલ્લાહ ખાને તેમનો વિરોધ કર્યો હતો. જેમ, અનારકલીએ સલીમને છોડવો પડે છે તેમ મધુબાલાએ દિલીપકુમારને છોડવા પડયા હતા. પ્રેમમાં તેઓ પણ બરબાદ થયા અને કેવા..? ૧૯૬૦માં કિશોરકુમાર સાથે લગ્ન કર્યા, પરંતુ સંબંધોનો થોડા સમયમાં જ અંત આવ્યો. કિશોરકુમાર બીમાર મધુબાલા માટે કાર, ડ્રાઈવર અને રસોઈયો મૂકીને ચાલ્યા ગયા. ફિલ્મમાં સાંકળની ચેઈનથી બંધાયેલી જોવા મળતી મધુબાલા સાચા જીવનમાં બીમારીની ચેઈનથી જકડાઈ ગઈ હતી.

જ્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી મધુબાલાએ દિલીપકુમારને મળવા બોલાવ્યા ત્યારે, પત્ની  સાયરાબાનુની પરમિશન લઈને દિલીપકુમાર પૂર્વ પ્રેમિકાના ઘરે પહોંચ્યા હતા. પહોંચતાની સાથે જ ફિલ્મના ડાયલોગના રૂપમાં સવાલ સાંભળવા મળે છે કે, 'હમારે શહઝાદે કો અપની શહેઝાદી મિલ ગઈ...મૈ બહુત ખુશ હૂં...' આ ડાયલોગ પણ એ વાતની સાબિતી છે કે, મધુબાલા ફિલ્મ બન્યાનાં વર્ષો બાદ પણ અનારકલીના પાત્રમાંથી ઊભરી શકી નહોતી. તેને માટે સલીમનો વિરહ સહન કરવો મુશ્કેલ હતો. રિપોર્ટ મુજબ, ફિલ્મ દરમિયાન જ મધુબાલા અને દિલીપકુમારનું બ્રેકઅપ થઈ ગયું હતું. 'મુઘલ-એ-આઝમ'ના એક સીનમાં સલીમ,અનારકલીના પ્રેમ પર શંકા વ્યક્ત કરે છે. આ સીનના શૂટિંગ વખતે દિલીપકુમારે સાચેમાં જ મધુબાલાને લાફો માર્યો હતો. આ સીન સારો શૂટ થતાં ફિલ્મ ડિરેક્ટર કે. આસિફ ગદગદિત થઈ ગયા હતા. પરંતુ, મધુબાલાની વ્યથા વિશે વિચારવા તૈયાર નહોતા. જ્યારે, આ ફિલ્મ જુઓ ત્યારે યાદ રાખવું કે આ ફિલ્મ સ્પેશિયલ છે, કારણ કે તેમાં એક કલાકાર મધુબાલાએ પોતાનો જીવ રેડયો છે.

16 વર્ષની સફર

આજકાલ કેટલીક ફિલ્મો ૧૬ અઠવાડિયાંમાં બનીને તૈયાર થઈ જતી હોય છે ત્યારે, 'મુઘલ-એ-આઝમ'ને બનવામાં ૧૬ વર્ષ લાગ્યાં હતાં. ફિલ્મના મૂળમાં તો ઈમ્તિયાઝ અલી તાજનું ૧૯૨૨નું નાટક 'અનારકલી' હતું. પરંતુ, તેને પડદે ઉતારવા માટે કે. આસિફે વર્ષોનું પ્લાનિંગ કર્યું હતું. સમજો કે, જે સમયે ફિલ્મો ૧૦ લાખથી ઓછા બજેટમાં બનતી હતી ત્યારે, આ ફિલ્મને રૂપિયા ૧.૬૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આ ફિલ્મના ગીત 'પ્યાર કિયા તો ડરના ક્યા..' પર જ રૂ. ૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ગીતનો સેટ બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેના માટે  લાહોર કિલ્લાના શીશમહેલનો લાઈફ-સાઈઝ રેપ્લિકા તૈયાર કરવામાં આવ્યો હતો. ૧૫૦ ફૂટ લાંબો અને બેલ્જિયન કાચથી ઝગમગતો સેટ ભવ્યાતિવભવ્ય લાગતો હતો.

ફિલ્મમાં પાણીની જેમ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. તેના જાણીતા કિસ્સા મુજબ, મ્યુઝિક ડિરેક્ટર નૌશાદ અલી પોતાના ઘરમાં હાર્મોનિયમ વગાડી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ ઘરમાં ઘુસીને ડાયરામાં જેમ જોવા મળે છે તેમ હાર્મોનિયમ પર પૈસાનો વરસાદ કરીને બોલ્યો કે, તમે મારી ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'માં મ્યુઝિક આપો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં કરીમુદ્દીન આસિફ હતા. તે સમયે નૌશાદે તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. અનેક પ્રયત્નો બાદ આસિફે તેમને મનાવી લીધા હતા. ફિલ્મોમાં ક્યારેય ગીત ન ગાનારા બડે ગુલામ અલી ખાનને પણ આવી રીતે જ મનાવવામાં આવ્યા હતા. જે સમયે ગાયકો ૫૦૦-૨૦૦૦ની ફી લેતા હતા ત્યારે કે.આસિફે તેમને ૨૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા.

ફિલ્મની સફરમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ફિલ્મના ફાઈનાન્સરની સાથે સાથે ફિલ્મની કાસ્ટ પણ બદલાઈ ગઈ હતી. ફિલ્મના ફાઈનાન્સર શિરાઝ અલી હકીમ ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા. ત્યારબાદ, શાપોરજી પાલનજી ગ્રુપના શાપોરજી પાલનજી મિઆ ફિલ્મના ફાઈનાન્સ બન્યા હતા. શાપોરજીએ આસિફની ક્રિએટિવિટી માટે પોતાની તિજોરીઓ ખોલી દીધી હતી.

સલીમ, અકબર અને અનારકલીના રોલ માટે દિલીપકુમાર, પૃથ્વીરાજ કપૂર અને મઘુબાલા પહેલી પસંદ નહોતાં. આસિફે અકબરના રોલ માટે ચંદ્રમોહન અને સલીમ તરીકે ડી. કે. સપ્રુ નામના કલાકારોને લગભગ નક્કી કરી દીધા હતાં,  જ્યારે અનારકલીના રોલ માટે નરગીસ અને સુરૈયાને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા.

ગજબની સ્ક્રિપ્ટ

'મુઘલ-એ-આઝમ' લખવા માટે પાંચ લેખકોની ટીમ કામે લાગી હતી. ફિલ્મના સ્વપ્નદ્રષ્ટા કે. આસિફ ઉપરાંત કમલ અમરોહી, અહેસાન રિઝવી, વજાહત મિરઝા અને અમનની ટીમે ગજબની સ્ક્રીપ્ટ લખી છે. પુત્ર પ્રાપ્તિ માટે દોરા-ધાગા કરાવતો અકબર સમય જતાં પુત્ર સામે યુદ્ધ કરે છે. આ વચ્ચે પુત્રને પરિપકવ બનાવવાના નામે જંગના મેદાનમાં ધકેલવાની સાથે તેની પ્રેમિકાનો વિરોધ મુખ્ય રહે છે. બીજી તરફ, સલીમને પ્રેમમાં મગ્ન પરંતુ, રાજકારણથી બિલકુલ અજાણ પ્રિન્સ તરીકે દર્શાવવામાં આવ્યો છે. 'અનકંડિશનલ લવ' કોને કહેવાય તેની પરિભાષા કરતી નૃત્યાંગના અનારકલીનું પાત્ર ફિલ્મના કેન્દ્ર સ્થાને છે. અનારકલી જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે, 'માલૂમ હોતા હૈ જૈસે કિસી ફરિશ્તેને આસમાન સે ઉતર કર સંગે મરમર મૈં પનાહ લે લી હૈ...'ડાયલોગ મધુબાલાની સુંદરતાના ગુણગાન ગાય છે. 

અનારકલીને જોતાની સાથે અકબર અને સલીમ તેના મુરીદ બને છે. 'મૈ તુમ્હારી આંખો મે અપની મોહબ્બત કા ઈકરાર દેખના ચાહતા હૂં...'ડાયલોગ સાથે પ્રેમિકાની આંખોમાં પ્રેમ જોવાની ઝંખના, 'મેરે બનાયે હુએ મજસમે શહેઝાદોં ઓર બાદશાહોં કો પસંદ નહીં આએંગે ક્યોંકિ યે સચ બોલતે હૈ..' ડાયલોગ સાથે એક કલાકારની વ્યથા વર્ણવાય છે. 'દુનિયા ખુશી મે ઝૂમ રહી હૈ યા મેરી નઝર કાંપ રહી હૈ..' ડાયલોગ સાથે પ્રેમમાં થતો અપાર આનંદ, તો 'જો ઝુબાન ઉનસે મોહબ્બત કા ઈકરાર તક ના કર સકી વોહ ઈન્કાર કેસે કરેંગી..'સાથે પ્રેમિકાની વિડંબના રજૂ થઈ છે.

પોતાની વિરૂદ્ધ જંગે ચઢેલા પિતા માટે સલીમનો ડાયલોગ, 'યે કાતિલ હી નહીં દિલદાર ભી હૈ... યે શખ્સ-એ-ગુલ ભી હૈ તલવાર ભી હૈ...' જ્યારે પ્રેમીઓ માટેનો ડાયલોગ, 'મોહબ્બત જો ડરતી હૈ વોહ મોહબ્બત નહીં ઐયાશી હૈ, ગુનાહ હૈ..' એ વાતની સાબિતી છે કે ૧૯૭ મિનિટની ફિલ્મના ડાયલોગ તો શું, એકેએક શબ્દને ધ્યાનથી પસંદ કરવામાં આવ્યો હતો.'તકદીર બદલ જાતી હૈ.. ઝમાના બદલ જાતા હૈ.. મુલ્કોં કી તારીખ બદલ જાતી હૈ.. શહેનશાહ બદલ જાતે હૈ.. પર ઈસ બદલતી હૂંઈ દુનિયા મેં મોહબ્બત જીસ ઈન્સાન કા દામન થામ લેતી હૈ વો ઈન્સાન નહીં બદલતા..' - આ સંવાદમાં કહેવામાં આવ્યું છે કે પ્રેમ અમર છે. 'અનારકલી જબ તક યે દુનિયા કાયમ રહેગી તુમ લવ્ઝ-એ-મોહબ્બત કી આરઝુ બનકર ઝિંદા રહોગી..' - આ સંવાદમાં જાણે કે પ્રેમની તાકાતને શબ્દોનો દેહ મળ્યો છે. 

ફિલ્મનું અદભુત સંગીત

નૌશાદનું મ્યુઝિક અને શકીલ બદાયુનાં ગીતો આજે પણ કર્ણપ્રિય લાગે છે, અને ભવિષ્યમાં પણ લાગતાં રહેવાનાં. ભારતીય ક્લાસિકલ અને લોક સંગીતના મિશ્રણ એવાં ૧૨ ગીતો ફિલ્મની સ્ટોરીનો અતૂટ ભાગ હતાં. લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલા સુપરડુપર હિટ ગતી 'ઈન્સાન કિસી સે દુનિયા મે એક બાર મોહબ્બત કરતા હૈ ઈસ દર્દ કો લેકર જીતા હૈ, ઈસ દર્દ કો લેકર મરતા હૈ,પ્યાર કિયા તો ડરના ક્યા...' - ને પડઘા જેવી સ્પેશિયલ ઈફેક્ટ આપવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં વિશેષ  સવલત ઊભી કરવામાં આવી હતી.  જ્યારે, 'એ મોહબ્બત ઝિંદાબાદ'માં ૧૦૦ પીસ ઓર્કેસ્ટ્રા અને ૫૦ કોરસ ગાયકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનો સાઉન્ડટ્રેક વર્ષો સુધી ચાર્ટમાં ટોપ પર રહ્યો હતો.

ઈન્ડિયન આર્મીનો રોલ

માનો યા ન માનો, પણ આ ફિલ્મમાં ઈન્ડિયન આર્મીની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. અકબર અને સલીમની સેનાઓ વચ્ચેની જંગ માટે કે. આસિફે તત્કાલીન રક્ષા મંત્રી સાથે મુલાકાત કરીને મદદ માગી હતી. લડાઈના સીન માટે ૨,૦૦૦ ઊંટ, ૪,૦૦૦ ઘોડા અને ૮,૦૦૦ સૈનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સૈનિકોમાંથી લગભગ ૨૦૦૦ ભારતીય આર્મીના જવાનો હતા. રાજસ્થાનના રણમાં શૂટ કરવામાં આવેલા દ્રશ્યો એટલે જ સાચુકલાં અને પ્રભાવશાળી લાગે છે.

ટિકિટ માટે રસ્તા પર સૂઈ જતાં ફેન્સ 

દાયકા કરતાં વધારે સમયની મહેનત બાદ રિલીઝ કરવામાં આવેલી ફિલ્મને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં રાજા માનસિંહનો રોલ નિભાવનાર હામીદ અલી મુરાદના દીકરા રઝા મુરાદના જણાવ્યા અનુસાર, ફિલ્મની ટિકિટ ખરીદવા માટે પાંચ કિમી લાંબી લાઈનો લાગતી હતી. તેમાં પણ તમે નસીબદાર હોવ તો બે દિવસ બાદ તમારો નંબર આવે, એટલે સોમવારની ટિકિટના એડવાન્સ બુકિંગ માટે શનિવારથી લાઈનો. તેમાં પણ લોકો રસ્તા પર સૂઈ જાય. પરિવારના સભ્યો તેમના માટે ટિફિન લઈને આવે. જાણે કહેતા હોય કે, કંઈ પણ થઈ જાય પણ ટિકિટ તો લઈને જ જઈશું. મુંબઈના જાણીતા થિયેટર મરાઠા મંદિરમાં ફિલ્મ રિલીઝની પહેલા જ સાત અઠવાડિયા સુધીના શો બુક થઈ ગયા હતા. દર્શકોના પ્રેમને કારણે ફિલ્મની કમાણીએ પણ તમામ રેકોર્ડ તોડયા હતા. ૧૯૬૦ના દાયકામાં એકલા ભારતમાંથી રૂપિયા ૧૧ કરોડથી વધુની કમાણી એટલે મોંધવારીની ગણતરી કરતાં અધધ ૩૬૦૦ કરોડ રૂપિયાથી વધુ.  ટ્રેડ એનાલિસ્ટોના મતે, 'મુઘલ-એ-આઝમ' આજની તારીખમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ છે. 

Related News

Icon