
સુરતના રાંદેર વિસ્તારમાં શહેર પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં વિદેશી સિગારેટ અને ઈ-સિગારેટના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ કર્યો છે. શહેર એસઓજી (SOG)એ મળેલી માહિતીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પર દરોડો કરીને કરોડો રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. આ સિગારેટ પર કોઇ હેલ્થ વોર્નિંગ ન હોવા છતાં તે વેચવા માટે સ્ટોક કરાયો હતો.
HEALTH WARNING વગર વેચાતી વિદેશી બ્રાન્ડ્સ
પ્રાપ્ત વિગતો અનુસાર, SOG પોલીસે રાંદેર વિસ્તારમાંથી કુલ રૂ. 36.58 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ગોડાઉનમાંથી 17.76 લાખની કિંમતના 296 ઈ-સિગારેટના પીસીસ અને 18.82 લાખની કિંમતના 7,969 વિદેશી સિગારેટના પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ માલ HEALTH WARNING વિના આવેલો હતો, જે ભારતીય કાયદાના ઉલ્લંઘન હેઠળ આવે છે.
સિગારેટ કયા રાજ્યમાંથી લાવવામાં આવી? કોણ છે મોટા માથા?
આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને પુછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો, કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગારેટનો નેટવર્ક ક્યા ક્યા શહેરોમાં ફેલાયેલો છે, એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં સુરતમાં નશીલા પદાર્થો અને નુકસાનકારક પદાર્થોની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે. અગાઉ દારૂ કે ડ્રગ્સના કેસો સામે આવતા હતા, હવે વિદેશી સિગારેટ અને ઈ-સિગારેટનો કાળો ધંધો પણ સામે આવતો જઈ રહ્યો છે.