સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી ૬ વર્ષીય બાળકીને ઝાડા ઉલટી થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
એકની એક દીકરીનું મોત
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવ નગરમાં દિલીપકુમાર યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપકુમાર વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર અને પુત્રી 20 દિવસ પહેલા જ વતન થી સુરત લાવ્યા હતા. દરમ્યાન ગતરોજ તેઓની ૬ વર્ષની દીકરીને ઝાડા ઉલટી થયા હતા જે બાદ બાળકીની તબિયત વધુ લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી, વ્હાલસોયી એકની એક દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો, પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
દીકરી તંદુરસ્ત હતી-પિતા
બાળકીના પિતા દિલીપકુમાર યાદવએ જણાવ્યું હતું કે, મારી દીકરીનું નામ અનુષ્કા કુમારી હતું, ગત સાંજ સુધી તે રમતી હતી તેને કોઈ તકલીફ ના હતી ગત રાતે ૧૧ વાગ્યા બાદ તેને ઝાડા- ઉલટી શરુ થઇ ગયી હતી, સવારે ૬ વાગ્યે કંપનીથી હું ઘરે આવ્યો હતો અને દીકરીને સીધા સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા અહી ડોકટરોએ દીકરીને તપાસીને મૃત જાહેર કરી હતી, મારી દીકરીને કોઈ બીમારી ના હતી તે એકદમ તંદુરસ્ત હતી