ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો 717 થઈ ગયો છે. હાલમાં માત્ર 23 દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયુ નથી. ત્યારે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ કોરોના અંગે સાવચેતી રાખવા જણાવ્યું છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાના વધતા કેસ અંગે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત સહિત 4-5 રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જ એક વેરિયન્ટ છે અને તેને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ તૈયારીઓમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલનો પણ સમાવેશ થાય છે.

