
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સહિત 6 લોકો સામે સીબીઆઈએ સખ્ત કાર્યવાહી કરી છે. 2200 કરોડ રૂપિયાના કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. જેમાં સત્યપાલ મલિક સહિત 6 લોકો સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે.
જણાવી દઈએ કે, ૨૩ ઓગસ્ટ, ૨૦૧૮થી ૩૦ ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ રાજ્યપાલ હતા એ સમયે તેમને આ પ્રોજેક્ટ સંબંધિત બે ફાઇલોને મંજૂરી આપવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
ફાઈલ પાસ કરાવવા લાંચ સબંધિત કેસમાં ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ 2200 કરોડ રૂપિયાના કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. સીબીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું કે કિરુ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાઓ હતી.
CBIના જણાવ્યા અનુસાર, આ કેસ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે, જ્યારે સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. એપ્રિલ 2022માં સીબીઆઈએ આ મામલાની તપાસ શરૂ કરી. સત્યપાલ મલિકે પોતે ઘણા ઇન્ટરવ્યુ અને જાહેર કાર્યક્રમોમાં આરોપ લગાવ્યો હતો કે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયેલો છે. જ્યારે તેઓ રાજ્યપાલ હતા, ત્યારે તેમને આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે લાંચની ઓફર કરાઈ હતી. પાછળથી તેમના સચિવે તેમને કહ્યું કે, આ સોદાઓમાં બીજી એક બાબત છે અને જો તેઓ મંજૂરી આપે તો તેમને દરેક ફાઇલ પર 150 કરોડ રૂપિયા મળી શકે છે. બે ફાઇલોની મંજૂરી સામે ૩૦૦ કરોડ રૂપિયાની ઓફર હતી.
https://twitter.com/SatyapalMalik6/status/1925521155638612162
સત્યપાલ મલિકના નિવેદનો પછી સીબીઆઈએ 20 એપ્રિલ, 2022ના રોજ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એક ખાનગી કંપની અને કેટલાક અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પછી એ વાત સામે આવી કે, કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું ન હતું. એજન્સીના જણાવ્યા અનુસાર, આ કારણે આ કેસની તપાસ સત્યપાલ મલિક સુધી પહોંચી.
જણાવી દઈએ કે સત્યપાલ મલિક પણ આ મુદ્દા પર પ્રહારો કરી રહ્યા છે અને તેઓ કહે છે કે એવું કેવી રીતે બની શકે કે, ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર વ્યક્તિ સામે તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કોઈ કાર્યવાહી ન થાય.
ચાર્જશીટ દાખલ થતાં જ સત્યપાલ મલિકે ટ્વિટ કર્યું- મારી હાલત ખૂબ જ ખરાબ
સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ થતાંની સાથે જ સત્યપાલ મલિક તરફથી એક ટ્વિટ આવ્યું. જેમાં તેમણે પોતાને બીમાર જાહેર કર્યા. એટલું જ નહીં, તેમની પોસ્ટ સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં તેઓ હોસ્પિટલના પલંગ પર પડેલા જોવા મળે છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે - નમસ્તે મિત્રો. મને મારા ઘણા શુભેચ્છકોના ફોન આવી રહ્યા છે જે હું રિસીવ કરી શકતો નથી. મારી હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. હું હાલ હોસ્પિટલમાં દાખલ છું અને કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.