છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ભવ્ય સમારોહમાં સંપન્ન થયું, પરંતુ આ પ્રસંગે મંત્રીના પુત્રોના નામ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપના સવાલથી બચુ ખાબડ બચતા રહ્યા અને છેવટે ઉડાઉ જવાબ આપી ચાલતી પકડી હતી.
કૌભાંડમાં મંત્રી પુત્રનું નામ
છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું નિર્માણ રૂપિયા 3 કરોડના ખર્ચે થવાનું છે. આ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પરંતુ કાર્યક્રમ દરમિયાન મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપે ચર્ચા જગાવી છે.
મંત્રીએ કહ્યું મારો વિષય નથી
પત્રકારોએ મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે સવાલ કર્યા, ત્યારે તેઓ સવાલથી બચતા જોવા મળ્યા. મંત્રીએ ટૂંકો જવાબ આપતા કહ્યું, “આ મારો વિષય નથી,” અને તેઓ ત્યાંથી ચાલવા માંડ્યા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચરાયાના આક્ષેપ છે. આ મામલે 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. આ કૌભાંડમાં મંત્રીના પુત્રોની એજન્સીઓની સંડોવણી હોવાના દાવાએ વિવાદને વધુ ગરમાવ્યો છે. આ ઘટના બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મંત્રી બચુભાઈ ખાબડનું મૌન અને સવાલો ટાળવાની ઘટના રાજકીય ગરમાવો વધારી શકે છે.