
રાજકોટ શહેરમાં ધીમે પણ મક્કમ ગતિએ ક્રાઈમની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં છેતરપિંડી, મારામારી, ચોરી જેવી ઘટનાઓ વધી રહી છે. રાજકોટ શહેરના એક વેપારી સાથે મુંબઈના ચાર શખ્સોએ કમાવવાની લાલચ આપી રૂપિયા 64.80 કરોડની છેતરપિંડી આચરી હતી. જેથી ફરિયાદી વેપારીએ આ ચાર શખ્સો સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાંચે તપાસ બાદ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
મળતી વિગતો અનુસાર, રાજકોટના ફરિયાદી વેપારી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ.એગ્રી એન્ડ એકવા કંપનીની ઓળખ આપી આરોપીઓએ હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવી રૂપિયા એક અબજ અને 94 લાખ કમાવવાની લાલચ આપી હતી. આરોપી શખ્સોએ ફરિયાદી અને તેના ભાગીદારને છટકામાં લઈ વર્ષ-2021માં રૂપિયા 64.80 કરોડ અલગ-અલગ ત્રણ એકાઉન્ટમાં નખાવી દીધા હતા. જે બાદ વર્ષ-2025 સુધી મુંબઈના શખ્સોએ કોઈ રૂપિયા ન આપતા અંતે રાજકોટના વેપારીને પોતે છેતરાઈ ગયાની ખબર પડી હતી. જેથી આખરે વેપારીએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 19 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોઁધાવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 3 આરોપીઓ અન્ય ગુનામાં મહારાષ્ટ્રમાં જેલમાં સજા ભોગવી ચુક્યા છે. આ ટોળકી અગાઉ પણ 4 ગુના નોંધાઈ ચુક્યા છે,ઝડપાયેલા 4 આરોપીઓના કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.