Vadodara: વડોદરા નજીક ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન હજારો પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે નદીમાં મગર દેખાયો હોવાની ઘટના સામે આવી છે. સાથે જ નદીમાં મગર ફરતો હોય તેવો વીડિયઓ પણ વાઈરલ થયો છે. વડોદરા નજીક નર્મદા જિલ્લાના રામપુરા તેમજ તિલકવાડા ખાતે ચૈત્ર મહિના દરમિયાન ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહાત્મય હોવાથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતના પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળે નદીમાં મગરો હોવાથી સ્નાન નહીં કરવા માટે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં લોકો તંત્રની સુચનાને અવગણીને નદીમાં સ્નાન કરતા જોવા મળે છે.

