VIDEO: ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે દાહોદ નજીક આવેલા કાળીડેમમાં નવા પાણીની આવક થઈ છે. કાળીડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લીધે ડેમમાં નવા નીરની સારી એવી આવક થઈ છે.
દાહોદ શહેર પાસે આવેલા કાળીડેમમાં ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમ છલોછલ થઈ ગયો છે. આના લીધે રેલવે કોલોની અને કારખાનાને પાણીની સુવિધા પુરી પાડતા કાળી ડેમમાં નવા પાણીની આવકને લીધે રેલવે તંત્રને હાશકારો થયો છે. આ ઉપરાંત વરસાદને લીધે ડેમ અને તેની આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. રવિવારે જાહેર રજાના દિવસોમાં કાળીડેમ જનતા માટે પિક્નિક સ્થળ બની જાય છે અને લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે. પાણીના ધસમસ્તા પ્રવાહમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવવી, સૅલ્ફી લેવી કે પછી સ્નાન કરવા માટે જવું હિતાવહ ન હોવાનું તંત્રની સૂચના છે. છતાં લોકો આવું કરતા ખચકાતા નથી.