
Dakor News: ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાંથી મારામારીની ઘટના સામે આવી રહી છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ ડોક્ટરને માર માર્યો હતો. દર્દીના સગાઓએ હોબાળો કર્યા બાદ ડોક્ટર ઝન્સારીને માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, પાવાગઢ પગપાળા સંઘમાં જઈ રહેલ પદયાત્રીઓ સાથે બાઈક ચાલકે ગતરાત્રે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ દર્દીઓને ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.ખેડા જિલ્લામાં ડાકોર હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પદયાત્રીઓની ડોક્ટર સારવાર કરી રહ્યા હતા. અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી 108 મારફતે ડાકોર સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
અકસ્માત સર્જનાર બાઈક ચાલક નશામાં હતો તેવો આક્ષેપ લગાવી પરિવારજનો તેનું બ્લડ સેમ્પલ લઇ ડોક્ટર ઉપર આગળ કાર્યવાહી કરવા દબાણ કરતા હતા. ડોક્ટરે કહ્યું પોલીસમાં વર્ધી લખાવ્યા બાદ પોલીસની સુચના મુજબ આગળ કાર્યવાહી થશે. આખરે પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.