Kheda News: ખેડામાં લૂંટના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આરોપીઓના રી કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આરોપીઓને બળબળતા તાપમાં ખુલ્લા પગે ધગધગતા રોડ પર ઉભા રાખવામાં આવ્યા હતા. પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી તેમજ આ પ્રકારનું કૃત્ય બીજી વાર અન્ય કોઈ વ્યક્તિ ન કરે તે માટે સંદેશ આપ્યો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી પ્રમાણે, 1 એપ્રિલના રોજ મહુધામાં બપોરના સમયે 2.13 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હતી. ફરિયાદી પતિ પત્નીને ચાકુની અણી પર લૂંટ કરવામાં આવી હતી. જેથી ફરિયાદના આધારે મહુધા પોલીસ દ્વારા પાંચેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે દરમિયાન આરોપીઓને ઘટનાસ્થળ પર લઈ જઈને ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે આરોપીઓને ભરઉનાળે બપોરના સમયે ખુલ્લા પગે ચાલવાની ફરજ પાડી હતી.
આરોપી ભાઈની હાલત જોઈ બહેન ધ્રુસકેને ધ્રુસકે રડી પડી
ગામના રસ્તા પર ખુલ્લા પગે આરોપીઓ ઊભા હોવાથી તેમના પગ તાપમાં બળી રહ્યા હતા અને આ સમગ્ર દ્રશ્ય તમામ આરોપીઓ પૈકી એક આરોપીની નાની બહેન પણ જોઈ રહી હતી. આરોપી ભાઈની આવી હાલત જોઈ બહેન ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી. રડતી બહેને પોતાના ભાઈને પગમાં ચપ્પલ પહેરાવવા માટે અનેક આજીજી અને વિનંતીઓ કરી હતી. પરંતુ પોલીસ કાર્યવાહીમાં અડચણ ન થાય તે માટે એક મહિલા દ્વારા નાની બહેનને પકડી રાખવામાં આવી હતી.