
દમણના દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાતા હડકંપ મચી ગયો હતો. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડ તરત હરકતમાં આવી ગયું હતું. હેલિકોપ્ટર મારફતે બોટને લોકેટ કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓએ બોટના પરિચય તથા તેમાં હાજર વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે આ બોટ માછીમારોની હોવાની અને એન્જિન બંધ પડી જતા અટવાઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જો કે, હાલ શંકાસ્પદ બન્ને ઈસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
રવિ નામની બોટ વલસાડની હતી
પ્રાપ્ત માહિતી મુજબ, ‘રવિ’ નામની આ બોટ વલસાડ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. બોટમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ હાજર હતા, જેમની ઓળખ તાત્કાલિક થઈ ન હતી. કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તરત જ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસના સૂત્રો અનુસાર પ્રાથમિક તપાસમાં બંને શંકાસ્પદો સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે, બોટ દરિયામાં શંકાસ્પદ સ્થિતિમાં કેમ હતી અને તે કઈ દિશામાં જઈ રહી હતી, તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
દરિયાઈ સુરક્ષા મહત્વની
પોલીસ તેમજ સુરક્ષા દળોની ટીમો દમણ દરિયામાં સુરક્ષા વ્યવસ્થાને પગલે વધુ તપાસમાં લાગી ગઈ છે. દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી ન હોય તે માટે સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.હાલમાં બે શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે અને પોલીસે તેમની પૃષ્ઠભૂમિ તથા ઈરાદા વિશે વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. જો આ બોટથી કોઈ વધુ મોટી તસ્કરી જોડાયેલી હોવાની આશંકા ઊભી થઈ છે, તો વધુ શંકાસ્પદોની ધરપકડ થવાની શક્યતા છે.