
- 'મને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો સૌથી વધુ પડકારજનક લાગે છે. તે ચોક્સાઈ, સાંસ્કૃતિક ઈતિહાસનો અભ્યાસ તેમ જ કડક શિસ્તની માંગ કરે છે...'
નોરા ફતેહીનો ડાન્સ એટલે સમજોને કે ફિલ્મ હિટ થવાનો એક મહત્ત્વનો મસાલો. નોરોનો ડાન્સનો શોખ આજકાલનો નથી. થોડા દિવસો પહેલા વિશ્વ નૃત્ય દિન ઉજવાયો ત્યારે તેણે તેની નૃત્ય પ્રતિભા અંગે ઘણી જાણકારી શેર કરી હતી. 'દિલબર....' 'ઓ સાકી સાકી...' અને 'નાચ મેરી રાની....' ગીતો દ્વારા કેવી રીતે ડાન્સને ઓપ આપી શકાય છે, તે વિશે તેણે વિગતે વાત કરી હતી.
નોરા કહે છે, "મારા માટે નૃત્ય એક લાગણી અભિવ્યક્તિની પરિભાષા છે. ડાન્સ તો મારી આત્મા છે. હું એવા વાતાવરણમાં ઉછરી નથી જ્યાં નૃત્યને કારકિર્દી તરીકે પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય, પણ નાનપણથી જ હું આ કળા તરફ કેવી રીતે આકર્ષાઈ હતી. એક બે શબ્દ બોલ્યા વિના આટલું બધુ કેવી રીતે વ્યક્ત કરી શકાય છે તે જોઈને મંત્રમુગ્ધ થઈ જતી. જ્યારે મેં પહેલીવાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું ત્યારે ભીડની પ્રતિક્રિયા જોઈ, એ અદ્ભુત હતી. આ જોડાણ જાદુઈ હતું. હું માત્ર આ નૃત્યનો ભાગ બનવા નહતી માંગતી, પણ તેને ઉજવવા ઈચ્છતી હતી. હું પણ નૃત્યને વધુને વધુ દ્રઢતાથી શીખવા માંગું છું અને આ બાબતમાં કદીય બ્રેક આવે એમ નથી. મને વિદેશી ડાન્સ ફોર્મ્સની સાથે સાથે ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો પણ ખૂબ ગમે છે. મને તે સૌથી વધુ પડકારજનક લાગે છે. તે ચોક્સાઈ, ભવ્યતા અને તેના સાંસ્કૃતિક ઈતિહાસનો અભ્યાસ તેમ જ શિસ્તની માંગ કરે છે. હું તો હજુ પણ શીખી રહી છું અને તેમાં ક્યારેય અટકવા નથી માંગતી. અન્ય નૃત્ય સ્વરૂપોની વાત કરું તો અર્બન ફ્યુઝન, આફ્રો સ્ટાઈલ, બેલે ડાન્સ અને હિપ-હોપ જેવાં નૃત્યમાં તો ઘણું કરી શકાય એમ છે. મને હૃતિક રોશન અને માધુરી દીક્ષિતની સ્ટાઈલ સૌથી વધુ ગમે છે."