
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જો કે, સત્તાવાર રીતે 16ના મોતની પુષ્ટિ કરાઈ છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ છે. ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિસા સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. પહેલગામા હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ હતા.
આતંકવાદી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આવતીકાલે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.
મૃતકોમાંથી 16 લોકોના નામ સામે આવ્યા છે
હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાંથી 16 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી એક નેપાળનો નાગરિક છે અને એક સાઉદી અરેબિયાનો. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા 10 ઘાયલોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
કાલે રિયાસી સંપૂર્ણપણે બંધ રહેશે
કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓની લક્ષિત હત્યાના વિરોધમાં મંગળવારે સાંજે હિન્દુ સંગઠનોએ વિરોધ રેલી કાઢી હતી. આવતીકાલે, બુધવાર 23 એપ્રિલ, રિયાસી સંપૂર્ણપણે બંધ રહેશે અને વ્હીલ જામ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.