
દીપિકા પાદુકોણે રચ્યો ઇતિહાસ, અભિનેત્રીનું નામ હોલિવુડ વોક ઓફ ફેમ 2026ની યાદીમાં સામેલ
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને હોલિવુડ વોક ઓફ ફેમ 2026 માટે પસંદ કરવામાં આવી છે. દીપિકા પાદુકોણ 2026ના મોશન પિક્ચર કેટેગરીમાં હોલિવુડ વોક ઓફ ફેમ ક્લાસમાં સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી છે. દીપિકા પાદુકોણે આ યાદીમાં નામ મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વિશ્વભરની પ્રખ્યાત હસ્તીઓના નામ શામેલ છે.
દીપિકાની સાથે આ કલાકારોના પણ નામ
હોલિવુડ ચેમ્બર ઓફ કોમર્સે બુધવારે આ યાદીની જાહેરાત કરી હતી. દીપિકા પાદુકોણની સાથે આ યાદીમાં હોલિવુડ અભિનેત્રી એમિલી બ્લન્ટ, ફ્રેન્ચ અભિનેત્રી કોટિલાર્ડ, કેનેડિયન અભિનેત્રી રશેલ મેકએડમ્સ, ઇટાલિયન અભિનેતા ફ્રાન્કો નેરો અને સેલિબ્રિટી શેફ ગોર્ડન રામસેના નામ શામેલ છે.
હોલિવુડ ચેમ્બર ઓફ કોમર્સના વોક ઓફ ફેમ સિલેક્શન પેનલે 20 જૂનના રોજ સેંકડો નામોમાંથી 35 નામોની પસંદગી કરી હતી. આ પછી ચેમ્બરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 25 જૂનના રોજ આ યાદીને મંજૂરી આપી હતી.
દીપિકા પાદુકોણને લાંબા સમયથી ટ્રેન્ડ-સેટિંગ અભિનેત્રી માનવામાં આવે છે. વર્ષ 2018માં દીપિકાનું નામ ટાઇમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
દીપિકા પાદુકોણે 2017માં હોલિવુડમાં કર્યું હતું ડેબ્યૂ
દીપિકા પાદુકોણેના હોલિવુડ કામ વિશે વાત કરીએ તો, તેણે 2017માં ફિલ્મ xXx: રીટર્ન ઓફ ઝેન્ડર કેજ સાથે હોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં દીપિકા સાથે વિન ડીઝલ, નીના ડોબ્રેવ, ડોની યેન, રૂબી રોઝ અને સેમ્યુઅલ એલ જેક્સન જેવા કલાકારો જોવા મળ્યા હતા.
હોલિવુડ વોક ઓફ ફેમ શું છે?
હોલિવુડ વોક ઓફ ફેમ કેલિફોર્નિયામાં એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. 15 બ્લોકના આ સ્થળે અત્યાર સુધીમાં 2500થી વધુ સ્ટાર્સના નામ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં અભિનેતાઓ, ગાયકો, દિગ્દર્શકો, ફિલ્મ નિર્માતાઓના નામ શામેલ છે. દર વર્ષે લાખો લોકો આ પ્રખ્યાત પર્યટન આકર્ષણની મુલાકાત લેવા આવે છે. હવે તેમાં દીપિકાનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે, જેના પર ભારતને ગર્વ છે.
અહેવાલ મુજબ, હોલિવુડ ચેમ્બર ઓફ કોમર્સના વોક ઓફ ફેમ પેનલ દ્વારા 20 જૂને યોજાયેલી બેઠક દરમિયાન સેંકડો નોમિનેશનમાંથી આ સેલેબ્સની પસંદગી કરવામાં આવી હતી. આ નામોની સત્તાવાર જાહેરાત 25 જૂને ચેમ્બરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવી હતી. વોર્નર બ્રધર્સ ટેલિવિઝનના ભૂતપૂર્વ સીઈઓ અને વોક ઓફ ફેમ પસંદગી સમિતિના અધ્યક્ષ પીટર રોથે જણાવ્યું હતું કે, 'અમે 35 પસંદ કરેલા નામોની જાહેરાત કરતા ઉત્સાહિત છે, જેને ક્લાસ ઓફ 2026ના ભાગ રૂપે વોક ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે.
દીપિકાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મ AA22xA6 છે જેમાં અલ્લુ અર્જુન સ્ટારર છે અને એટલી દ્વારા દિગ્દર્શિત છે, જેનું ટાઈટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ દીપિકાએ સત્તાવાર રીતે તેમાં પ્રવેશ કર્યો છે. દીપિકાનો જાહેરાતનો વિડિયો તાજેતરમાં જ રિલીઝ થયો હતો, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.