Home / Gujarat / Banaskantha : deesa blast case factory owner deepak yuva is a bjp office bearer

Deesa Blast Case: ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલાવતો

Deesa Factory Blast: ડીસા ખાતે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા, ત્યારે આ ફેક્ટરીનો માલિક દીપક સિંધી ભાજપનો હોદ્દેદાર હોવાનું બહાર આવ્યું છે. આ કારણે જ છેલ્લાં 18 વર્ષથી ડીસા જીઆઈડીસીમાં તેની ગેરકાયદે ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હોવા છતાં પોલીસ દ્વારા કે અન્ય સત્તાધીશો દ્વારા કશું કરાયું નહોતું. દીપક સિંધી ઉર્ફે દીપક મોહનાની ઉર્ફે દીપક મુલાણી ડીસા શહેર યુવા ભાજપમાં મંત્રી છે અને ભૂતકાળમાં ઉપપ્રમુખ હતો. ડીસામાં ભાજપના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપતા દીપકને ભાજપના નેતાઓ સાથે ગાઢ સંબંધો હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મ.પ્રદેશમાં 13નો ભોગ લેનાર ફેક્ટરીના માલિક સાથે મળી ગેરકાયદે ફેકટરી સ્થાપી

દીપક સિંધીને ફટાકડા રાખવા માટેનું ગોડાઉન બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ લાઈસન્સ પણ 2024ના ડિસેમ્બરમાં પતી ગયા પછી રીન્યુ કરાયું નહોતું. છતાં દીપક સિંધીએ ભાજપના આગેવાનોની રહેમ નજર હેઠળ ફટાકડા બનાવવાની ફેક્ટરી નાંખી દીધી હતી. એફએસએલના રીપોર્ટમાં પણ ફેક્ટરીના સ્થળેથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો હોવાની વાતને સમર્થન અપાયું છે. એલ્યુમિનિયમ પાવડર ફટાકડા બનાવવા માટે વપરાય છે. આ ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલતી હોવાથી ફેક્ટરીનાં શટર બંધ રખાતાં હતાં અને તેના કારણે વિસ્ફોટ થયો પછી આ મજૂરો બહાર જ ના નિકળી શક્યા.

બીજી એક ચોંકાવનારી વિગત એવી બહાર આવી છે કે, દીપક સિંધીએ મધ્ય પ્રદેશના હરડામાં ફેક્ટરી ધરાવતા રાજેશ અગ્રવાલ સાથે ભાગીદારી કરીને પોતાની ફેક્ટરીનું એક્સપાન્શન કર્યું હતું, હરડાની ફેક્ટરીમાં ચાર મહિના પહેલાં એટલે કે 2024ના ડિસેમ્બરમાં લાગેલી આગમાં 13 લોકોનાં મોત થયાં હતાં. તેના પગલે રાજેશ અગ્રવાલે પોતાની ફેક્ટરી બંધ કરી દેવી પડી હતી, પરંતુ માલની ભારે ખપત હોવાથી રાજેશે દીપકનો સંપર્ક કર્યો હતો. દીપકને મોટો ફાયદો દેખાતાં તેણે અગ્રવાલ સાથે હાથ મિલાવી લીધા હતા. 

રાજેશે પોતાની ફેક્ટરીમાં કામ કરનારા હારડાના મજૂરોને જ ડીસા મોકલી દીધા હતા. બે દિવસ પહેલાં જ આવેલા આ મજૂરો જ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને તેના પગલે લાગેલી આગમાં ભૂંજાઈને મોતને ભેટ્યા છે. દીપક સિંધીની ડીસાથી 10 કિલોમીટર દૂર બીજી ફેક્ટરી ચાલી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ અંગે પણ પોલીસ કોઈ પગલાં નથી લઈ રહી.

મોદીના નામનો દુરૂપયોગ, મોદી બ્રાન્ડના ફટાકટા વેચાતા

દીપક પોતાના ફટાકટા વેચવા માટે નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરતો હતો. દીપક મુલાણીની કંપની દીપક ટ્રેડર્સના નામે જે ફટાડકા બજારમાં વેચતા હતા તેના પર મોદીનો ફોટો લગાવીને મોદી બ્રાન્ડના ફટાકડા વેચાવામાં આવતા હતા. ફેક્ટરીમાં વિસ્ફોટ પછી પોલીસને બાજુમાં આવેલા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાના પેકિંગ માટેનાં રેપર મળ્યાં છે. આ રેપર પર મોદીના ફોટા સાથે મોદી બ્રાન્ડનો ઉલ્લેખ છે. મોદીના નામનો આ રીતે ઉપયોગ કરવાની મંજૂરી દીપકને કોણે આવી એ પણ સવાલ છે.

ડીસામાં પોલીસે આરોપી પિતા-પુત્રનું ફૂલેકું કાઢ્યું

રાજ્યમાં ચકચારી ડીસાના ફટાકડા ગોદામમાં બ્લાસ્ટ અને 21 મજૂરોના મોત મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. સરકારની એસઆઈટી ટીમે આરોપી પિતા-પુત્રનો વરઘોડો કાઢીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતુ. પોલીસે આરોપી પિતા-પુત્રની પૂછતાછ સાથે ફટાકડાનો દારૂગોળો ક્યાંથી લાવી, ક્યાં મૂક્યો હતો અને શ્રમિકોને ક્યાં રખાયા હતા વગેરી બાબતની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Related News

Icon