
સુરત જિલ્લામાં ફાયર સેફ્ટી મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના 16 શાળાઓ વિરુદ્ધ માન્યતા રદ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે, જ્યારે સ્કૂલોએ ન તો ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર (NOC) મેળવ્યું છે અને ન જ નિયમિત દંડ ભરીને સૂચનાઓનું પાલન કર્યું છે.
16 શાળાઓએ આદેશની અવગણના કરી
શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં કુલ 380 ખાનગી અને અનુદાનિત શાળાઓ ચાલે છે. આમાંથી 44 શાળાઓ પાસે ફાયર સેફ્ટી NOC ઉપલબ્ધ ન હોવાને કારણે તેમની સામે દંડની નોટિસ ફટકારવામાં આવી હતી.આ નોટિસને અનુસરીને 13 શાળાઓએ ફાયર NOC રજુ કરી હતી જ્યારે અન્ય 15 શાળાઓએ દંડની રકમ ભરીને સૂચના મુજબ કામગીરી દર્શાવી છે. જો કે, બાકી રહેલી 16 શાળાઓએ સરકારના આદેશની અવગણના કરી છે, ન તો દંડ ભરીને જવાબદારી નિભાવી છે કે ન જ ફાયર NOC મેળવ્યો છે.
ગંભીરતા ન દાખવી
આ વાતને ગંભીરતાથી લેતા સુરત જિલ્લા શિક્ષણ વિભાગે આ શાળાઓની માન્યતા રદ કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે. આ ઉપરાંત એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે જે શાળાઓની મુલાકાત લઇ રહી છે અને તમામ દસ્તાવેજી પુરાવાઓના આધારે રિપોર્ટ તૈયાર કરી રહી છે. કમિટીના રિપોર્ટના આધારે સરકાર શાળાઓની માન્યતા રદ કરવા માટે અંતિમ નિર્ણય કરશે.