Last Update :
24 Jul 2024
- ચલ કહીં દૂર
સ્વામી નીમ કરૌલી બાબાનો પરિચય આપવાનો હોય? અત્યંત ઉચ્ચ કક્ષાના હનુમાનજીના સ્વરૂપ સમાન સંત હોવાનું માનવામાં આવે છે.
નીમ કરૌલી બાબાના નજરે ચડતા શિષ્યો તો વિશ્વની મહાન સેલેબ્સ છે. મોટાભાગના શિષ્યોએ દુનિયા બદલી નાખે એવાં ક્રાંતિકારી સંશોધન કર્યા છે. નીમ કરૌલી બાબાના જાણીતા શિષ્યોમાં આધ્યાત્મિક શિક્ષક રામ દાસ (બી હીયર નાઉના લેખક), ગાયક અને આધ્યાત્મિક શિક્ષક ભગવાન દાસ, લેખક અને ધ્યાન શિક્ષક લામા સૂર્ય દાસ અને સંગીતકારો જય ઉત્તલ અને કૃષ્ણ દાસનો સમાવેશ થાય છે. માનવતાવાદી લેરી બ્રિલિયન્ટ અને તેમની પત્ની ગિરિજા, દાદા મુખર્જી (અલ્લાહાબાદ યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશ, ભારત ખાતેના ભૂતપૂર્વ પ્રોફેસર), વિદ્વાન અને લેખક યવેટ રોસર, અમેરિકન આધ્યાત્મિક શિક્ષક મા જયા સતી ભગવતી, ફિલ્મ નિર્માતા જોન બુશ અને ગોનીલના દિગ્દર્શકનો સમાવેશ થાય છે.
સ્ટીવ જોબ્સ, તેમના મિત્ર ડેન કોટકે સાથે હિંદુ ધર્મ અને ભારતીય આધ્યાત્મિકતાનો અભ્યાસ કરવા એપ્રિલ 1974માં ભારત આવ્યા હતા; તેઓએ નીમ કરૌલી બાબાને મળવાનું આયોજન કર્યું હતું, પરંતુ ગયા સપ્ટેમ્બરમાં ગુરુનું અવસાન થયું હોવાનું જાણવા છતાં આધ્યાત્મિક અનુભૂતિ માટે તેઓ આવ્યા હતા.
હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ નીમ કરૌલી બાબાથી પ્રભાવિત હતી. સ્ટીવ જોબ્સથી પ્રભાવિત, માર્ક ઝકરબર્ગે કૈંચીમાં નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી. લેરી બ્રિલિયન્ટ ગૂગલના લેરી પેજ અને ઇબેના સહ-સ્થાપક જેફરી સ્કોલ પણ બાબાના દર્શન માટે આવી ચૂક્યા છે. અમેરિકામાં ચાલતું સેવા ફાઉન્ડેશન પણ બાબાની પ્રસાદી છે.
આપણી રખડવાની આદત અનુસાર મોરબીથી પાંત્રીસ કિમી દૂર દરિયા કિનારા નજીક આવેલા વવાનિયા ગામે જઇ આવ્યો હતો. આ ધરતી પર પગ મૂકતાં જ અદભૂત અનુભૂતિ થાય. મોરબી પાસે આવેલા વવાણિયા ગામમાં સાત આઠ વર્ષ માટે નીમ કરૌલી બાબા ઇશ્વરના સાક્ષાત્કાર, યોગ અને સમાધિ માટે રહ્યા હતાં. બાબાના ભક્તો હનુમાનજીનું ભવ્ય મંદિર બનાવે છે, એ પરિસર પર ઉભા રહો તો ખબર પડે કે શિવ અહીં આસપાસ જ છે.
એની વે, આપણા ગુજરાતનું સૌરાષ્ટ્રના છેડા પરનું આ ગામ એટલે વવાણિયા. વવાણિયાનો બીજો પરિચય એટલે ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રનું જન્મ અને કર્મ સ્થળ. એનો અર્થ એ છે કે ધરતીમાં કંઇક તો હશે. આજ વવાણિયા ગામમાં અદભૂત સંત થયા. આહિર સમાજના આર્ષદ્રષ્ટા એવા વંદનીય રામબાઇ. માનવસમાજ પરત્વે કરુણા દર્શાવનારા મા રામબાઇના સ્થાનકના દર્શન કરવા જેવા છે. અત્યંત પવિત્ર વાતાવરણમાં ભવ્ય તિર્થ છે. એક નાનકડા ગામમાં કેટલું બધું? અને હા, મોક્ષ પહેલાં ધનની જરૂરિયાત હોય તો ધનના દેવતા કુબેર ભંડારીનું મંદિર પણ આ જ ધરતી પર છે.
ભારતીય પરંપરા મુજબ ઉત્સવોની વણઝાર શરૂ થઈ રહી છે ત્યારે જ્યાંથી શરૂ કર્યું હતું એ વાત પર પાછા જઇએ. લગભગ સરેરાશ વાંચન તથા રખડવાન શોખીન માટે નીમ કરૌલી બાબાનું નામ જરા પણ અજાણ્યું નથી.
નીમ કરૌલી બાબાને એમના ભક્તો મહારાજજી કહીને સંબોધન કરતાં હતાં. કંબલ ધારણ કરીને ચહેરા પર સદાય સ્મિત સાથે નીમ કરૌલી બાબાની તસ્વીર અસંખ્ય ભારતીયોના ઘરમાં છે. એવું માનવામાં આવે છે કે 11 સપ્ટેમ્બર, 1900ના પાવન દિવસે ઉત્તર પ્રદેશના અકબરપુરમાં તેમનો જન્મ થયો હતો. બાબાનું મૂળ નામ લક્ષ્મણદાસ શર્મા પણ બાળપણથી અધ્યાત્મમાં રસ હતો. અગિયાર વર્ષની વયે પરિવારે બળજબરીથી લગ્ન કરાવી દીધું પણ મન શીવની શોધમાં હતું. એક સમયે ઘર છોડી દીધું પણ પિતા દુર્ગાપ્રસાદના આગ્રહને વશ થઇને પરત આવ્યા અને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. સુખી લગ્નજીવનના ભાગરૂપે બે પુત્રો અનેગસિંહ અને ધર્મનારાયણ તથા પુત્રી ગિરીજાનો જન્મ થયો. પારિવારિક જવાબદારીઓ સંભાળી પણ અધ્યાત્મ ચેતના ઇશ્વરની સાધના માટે બોલાવી રહી હતી. ભારત ભ્રમણ શરૂ કર્યું અને અસંખ્ય ભક્તોને માર્ગ ચીંધવાનું શરૂ કર્યું. નીમ કરૌલી બાબાને અલગ અલગ સ્થળોએ હાંડીવાળા બાબા, તલૈયા બાબા કે તિકોણિયાવાળા બાબા તરીકે ઓળખવામાં આવતા હતાં.
નીમ કરૌલી બાબા નામ માટે એક રસપ્રદ કથા છે. રેલવેમાં ટિકીટ વગર મુસાફરી કરતાં હતાં એ સમયે ટીસીએ નીમ કરૌલી વિસ્તારમાં ટ્રેન રોકીને નીચે ઉતારી દીધાં. બાબા એક ઝાડ પાસે જઇને બેસી ગયા. બાબાને અપમાનિત કરીને ઉતાર્યા પછી ટ્રેન આગળ વધી શકી નહીં. રેલવેના અધિકારીઓને બાબા બાબતે ખ્યાલ આવતાં એમને ટ્રેનમાં બેસવાનો આગ્રહ કર્યો પણ બાબા એ શરતે તૈયાર થયાં કે જ્યાં તેઓ જ્યાં ઝાડ પાસે બેઠાં હતાં ત્યાં સ્ટેશન બને. આ ઘટના પછી બાબાના નામમાં એક ઓર નામ જોડાયું અને કાળાંતરે નીમ કરૌલી બાબા તરીકે પ્રખ્યાત થયા.
આ પછી મોટાભાગનો સમય હિમાલયના ભક્તોએ બનાવેલા બે આશ્રમમાં ગાળ્યો. હિમાલયના અનેક જાણીતા તથા સુક્ષ્મ સ્વરૂપે વિચરણ કરતાં સંત એમના આશ્રમમાં આવતા હતાં. બાબાની ઇશ્વર અનુભૂતિ પદ્ધતિ પરંપરાગત કરતાં અલગ હતી. આ પદ્ધતિ હિમાલયના સંતોના ઇશ્વર અનુભૂતિના પાગલપન તરીકે ઓળખવામાં આવતી હતી. સ્થાનિક ભાષામાં તિબેટી શબ્દ યેશી ચોલવા મતલબ આધ્યાત્મિક પાગલપન કહી શકાય. આધ્યાત્મિક પાગલપનનો અર્થ એ છે કે પરંપરાગત પદ્ધતિને બદલે કશી નવી જ રીતે શિવતત્વ પ્રાપ્ત કરવાની કળા. આપણે પણ યોગ્ય પદ્ધતિ થકી ઇશ્વરની અનુભૂતિ કરી શકીએ એવી નીમ કરૌલી બાબાના ચરણોમાં પ્રાર્થના.
નીમ કરૌલી બાબાએ પોતાનો કોઈ આગવો મત કે સંપ્રદાય બનાવ્યો નથી. કોઈ ભવ્ય આસન પર બેસતાં નહીં પણ લાકડાની સામાન્ય પાટ પર કોણીએ માથું ટેકવીને ઉભડક લંબાવીને ભક્તોને આશીર્વાદ આપતાં.
- દેવલ શાસ્ત્રી
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.