Last Update :
31 Jul 2024
- ચલ કહીં દૂર...
દેશ આઝાદ થયો એ સમયે નાના મોટા રજવાડાઓમાં સૌથી વધારે રજવાડાઓ ગુજરાતમાં હતાં. ગુજરાતના મોટાભાગના રજવાડાઓ પાસે પોતાનો આગવો ઇતિહાસ છે. ગુજરાતના કેટલાય સમાજોએ સત્તા ભોગવી નથી પણ આ સમાજોના મહાપુરુષોએ લોકમાનસમાં આગવું સ્થાન મેળવ્યું છે.
ભારતમાં અલગ અલગ સ્થળે રાજ્ય સત્તા ભોગવીને રાજપીપળા નાંદોદમાં સ્થિર થયેલા રાજપીપળાના રાજવીઓનો બે હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે. માનવીય સહિત અનેક કારણોસર રાજપીપળાનો ગોહિલ વંશ હંમેશા ચર્ચામાં રહ્યો છે. ગુજરાતમાં હજાર વર્ષનો ઇતિહાસ તપાસીએ તો અસ્તિત્વ માટે લાંબી લડાઇ લડી ચુકેલા ગોહિલ વંશના શાસકોએ સલ્તનત શાસન સામે ટક્કર આપી છે અને મરાઠી શાસકોને લડત આપતાં રહ્યાં છે.
ગુજરાતમાં આઝાદી સમયે અનેક રજવાડા હતાં. ઇતિહાસકાર ડો. મુકટલાલ બાવીસી રજવાડાઓના ઇતિહાસ નામના પુસ્તકમાં ઘણા વંશો વિશે વિસ્તૃત માહિતી આપી છે. આ પુસ્તકમાં રાજપીપળાના ગોહિલ વંશ વિશે જાણી સુખદ આશ્ચર્ય થયું. ઇતિહાસકાર ડો મુગટલાલ બાવીસીના પુસ્તક મુજબ ગોહિલ વંશ છેક ઇસ 77 થી સત્તા ભોગવતું રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો લગભગ બે હજાર વર્ષ સત્તા ભોગવી ચુક્યા છે.
ગોહિલ રાજવંશનો સનાતન પરિપેક્ષ્યમાં પરિચય આપીએ તો તેઓ ભગવાન રામ થકી જાણીતા બનેલા સૂર્યવંશી સમુદાયના કહેવાય. ઇતિહાસ મુજબ તેઓ દક્ષિણ ભારતના શક્તિશાળી એવા શાલીવાહન વંશમાંથી તેમની શાખા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. શાલીવાહનમાંથી એક ફાંટો અલગ પડ્યો. આ અલગ થયેલા સમુદાયના વારસદારે મારવાડના ખેડવામાં રાજ્ય સ્થાપિત કર્યું. ભારતમાં એક સમાજના રાજવીઓ લાંબા સમય સુધી ગાદી પર ટકી શક્યા નથી. જ્યારે રાજવી પરિવાર પ્રજાલક્ષી હોય તો કાવાદાવા પણ સફળ થતાં નથી. ગોહિલ વંશની પ્રારંભની વીસેક પેઢીઓએ સતત નાનકડી વિરાસત પર સત્તા ભોગવી. આ વંશના અંતિમ રાજા મોહદાસે કનોજ જીત્યું હતું. મોહદાસના પૌત્ર સેજકજી સૌરાષ્ટ્ર આવ્યા અને તેમની પુત્રીનું લગ્ન સોરઠ રાજવી ખેંગાર સાથે થયું. સેજકજીએ સોરઠમાં સેજકપર ગામ વસાવ્યું, પોતાના ચાર ભાઇઓને એક એક ગામ આપ્યું. બહાદુર સેજકજીના પુત્રો સોરઠમાં જાગીરી મળી અને સમય જતાં એક પુત્ર શાહજી પાલિતાણાના રાજવી બન્યા અને બીજા પુત્ર લાઠીમાં શાસક બન્યા.
શાહજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવ્યું. રાણોપુર એક લડાઈના અંતે મુસ્લિમ પાસે જતાં ત્યાં મુસ્લિમ શાસન આવ્યું. આ લડાઇમાં રાણોજીના પુત્ર મોખડાજીએ લડાઇમાં શહીદ થયાં. મોખડાજી વિશે માનવામાં આવે છે તેઓ બહાદુરીપૂર્વક લડતા લડતા વિરગતિ પામ્યા હતાં. વીર મોખડાજીને બે પત્ની હતી. મોખડાજીના એક રાજપીપળાના પરમાર વંશના હતા. મોખડાજીના બીજા પત્ની એટલે હાથસણીના સરવૈયા રાજાની પુત્રી થાય. મોખડાજીના અવસાન પછી બંને રાણીઓના પુત્રોને સલામતીના કારણોસર મોસાળ મોકલવામાં આવ્યા. મોસાળમાં ઉછેર પામેલા સમરસિંહ ગોહિલ રાજપીપળા આવ્યા અને પરમાર વંશના મામાના અવસાન પછી ગાદી પર આવ્યા. સમરસિંહ રાજવી બનતા રાજપીપળામાં પરમાર વંશનું શાસન પુરું થયું. રાજપીપળામાં ગોહિલ સત્તાનો ઉદય થયો.
રાજપીપળામાં સત્તા પર પહોંચતા પહેલા આ વંશ છેક હજાર વર્ષે દક્ષિણથી નીકળીને રાજસ્થાનમાં ગયો. રાજસ્થાનથી ઉત્તર પ્રદેશના કનોજ થઇને સૌરાષ્ટ્ર આવ્યો. સૌરાષ્ટ્રમાં લાંબા સંઘર્ષ પછી રાજપીપળામાં ગાદીએ આવ્યો.
રાજવી સમરસિંહ સત્તા પર આવ્યા પછી તેમણે નામ બદલ્યું અને અર્જુનસિંહ નામ ધારણ કર્યું. અર્જુનસિંહના નિધન પછી તેમનો નાનો પુત્ર ભાણસિંહ ગાદી પર આવ્યો. ભાણસિંહ પછી તેમનો પુત્ર ગેમલસિંહ ગાદીએ આવ્યા. એ પછી વિજયપાલ સત્તા પર આવ્યા. આ દરમિયાન રાજપીપળાની જાહોજલાલી મુસ્લિમની નજરમાં આવવા લાગી. રાજપીપળા અહમદશાહે હુમલો કરીને જીતી લીધું પણ બહાદુર ગોહિલ વંશના વારસદાઓએ લાંબા સંઘર્ષ પછી ફરીથી રાજપીપળામાં સત્તા પ્રાપ્ત કરી. સંઘર્ષનો યુગ સતત ચાલતો રહ્યો અને રાજપીપળા ફરી ગોહિલો પાસેથી ચાલ્યું ગયું. આ વંશના હરિસિંહે પાછું મેળવ્યું અને સરહદોને કાયમી ધોરણે મજબૂત કરી. આસપાસ તથા મોટી સત્તાઓ સાથે સંબંધ મજબૂત બનતા ગોહિલ વંશના રાજવીઓએ શાંતિપૂર્વક
દોઢસો વર્ષ રાજ્ય ભોગવ્યું. દિલ્હીમાં મોગલ વંશના રાજવી અકબર સાથે સમાધાન થયું હતું અને એ સમજૂતી શાહજહાં સુધી ચાલી. ભારતીય રાજવીઓ સાથે સૌથી વધારે સંઘર્ષ કરનારા ઔરંગઝેબ સાથે ગોહિલ વંશના સંબંધ બગડતા રાજપીપળામાં સત્તાની ઉથલપાથલ થવા લાગી. દિલ્હી સામે નહીં ઝૂકવાના નિર્ધાર સાથે મરાઠાઓનો સાથ લઇને લડત આપતાં ઔરંગઝેબનો સેનાની હારી ગયો. રાજકીય અશાંતિના યુગની ધમાલમાં ગોહિલ વારસદાર ફરી એકવાર પાછા સત્તા પર આવ્યો.
કાળક્રમે રાજપીપળાની ગાદી પર ગોહિલ વંશના રાયસિંહ આવ્યા. આ તરફ ઔરંગઝેબના મૃત્યુ પછી મરાઠાઓ મજબૂત બન્યા. ગોહિલ વંશ અને મરાઠાઓ વચ્ચે સંબંધ ખરાબ થાય એ સંજોગો ઉભા થાય તેવા હતાં. રાજપીપળાના દૂરંદેશી રાયસિંહની ભત્રીજીનું દામાજીરાવ ગાયકવાડ સાથે લગ્ન થતાં ફરી શાંતિની સ્થાપના થઈ.
રાજપીપળાનો ઇતિહાસ એ પછી પણ્ લડાયક અને લોહીયાળ રહ્યો. વર્ષ 1821થી અંગ્રેજ સત્તાએ વિવાદો દૂર કરીને સગીર વૈરીસાલજીને ગાદી પર બેસાડ્યા. ધીમે ધીમે શાંતિ સ્થપાતાં અંગ્રેજ શાસનમાં લૂંટફાટ બંધ થઈ. વૈરીસાલજીના મોટા પુત્ર ગંભીરસિંહજી સત્તા પર આવ્યા. રાજપીપળા સામ્રાજ્યને એજ્યુકેશનનું મહત્વ સમજાવા લાગ્યું. રાજવી ગંભીરસિંહના છ પુત્રો રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણ્યા. ગંભીરસિંહના અવસાન પછી તેમના મોટા પુત્ર છત્રસિંહ ગાદી પર આવ્યા. મહારાજા છત્રસિંહ પ્રજાવત્સલ રાજવી ગણાતા. એમણે પ્રજાના હિત માટે ઘણા કાર્ય કર્યા હતાં. છત્રસિંહ પછી તેમના પુત્ર વિજયસિંહને વારસદાર બનાવીને બે હજાર વર્ષ જૂનો ગોહિલ વંશ આઝાદ ભારતમાં મળી ગયો.
બ્રિટિશ શાસન સમયે રાજપીપળા રાજ્યને અગિયાર તોપનું સન્માન મળતું હતું. આમ તો રાજપીપળાનું ઓરિજિનલ નામ નાંદોદ હતું, પણ રાજનો પીપળો જેવું રાજપૂતોનું નગર રાજપીપળા 1918 નામ અસ્તિત્વમાં આવ્યું.
આધુનિક યુગના પ્રવાહ જાણતા રાજવી વિજયસિંહ સમયે રાજપીપળામાં એરપોર્ટનું નિર્માણ થયું હતું. રાજપીપળા સ્ટેટ પાસે પોતાના બે નાના પ્લેન હતાં. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટીશ શાસનને ભેટમાં આપી દેવામાં આવ્યા હતા.
સરદાર સરોવરના ઉદઘાટન માટે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આવ્યા ત્યારે તેઓ રાજપીપળા એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. એક સમયે રાજપીપળામાં ઉત્કૃષ્ટ કક્ષાનો લીકર બનતો હતો. પેલેસની સ્પેશિયાલિટી એવી રાજપીપલા ચીકન નામની વૈશ્વિક વાનગી બની છે. વેજભોજનના શોખીનો માટે રાજપીપળા પેલેસની સ્પેશિયલ દાલનો ટેસ્ટ અવ્વલ દરજ્જાનો માનવામાં આવે છે.
રાજવી વિજયસિંહનો એક રેકર્ડ આજે પણ છે, ત્રણ અલગ અલગ દેશોમાં ડર્બી રેસ જીત્યા હતાં. આજકાલ રાજપીપળાના રાજવી પરિવાર વિશે માહિતી જરૂરી છે. અસંખ્ય ગુજરાતી ભોજપુરી તથા હિન્દી સહિત સ્થાનિક ભાષાઓની ફિલ્મોનું શૂટિંગ રાજપીપળા પેલેસ તથા આસપાસનાં રમણીય વિસ્તારમાં થતું રહ્યું છે. હાલમાં વિનમ્ર તથા વિદ્વાન રઘુવીર સિંહ રાજવી છે. ભારતના એકમાત્ર ઓપરા વિનફ્રેના ટોક શોમાં ત્રણ વાર જઇ આવેલા યુવરાજ માનવેન્દ્રસિંહ તેમના વારસદાર છે. મને માનવેન્દ્રસિંહને મળવાનો મોકો મળ્યો હતો. અત્યંત વિનમ્ર, એક ઇન્ટરવ્યૂ માટે ત્રણ ચાર કલાક મળ્યા હતાં. બે હજાર વર્ષના ગૌરવશાળી રાજવી પરિવારના વારસદાર હોવા છતાં મહેમાનોને ઉભા થઇને જાતે પાણી આપે અને મસાલા ચા પીવડાવે એવા વિનમ્ર વ્યક્તિત્વના માલીક છે. રાજવીઓની સૌમ્યતા અને વિનમ્રતા તેમની રગોમાં છે. સમાજના એક વર્ગના હક્ક માટે અવાજ બુલંદ કરનારા વિશ્વ નાગરિક શબ્દનો પનો ટૂંકો પડે એવા માનવેન્દ્રસિંહ હાર્મોનિયમના રાગોના ઉમદા કલાકાર છે.
મહાશ્વેતાદેવીના સાહિત્યનું વર્ષ 1984માં ગુજરાતીમાં ભાષાંતર થયું હતું, તેમના સાહિત્ય પરથી રુદાલી અને હજાર ચૌરાશી કી માં જેવી ઉમદા ફિલ્મો બની છે.
- દેવલ શાસ્ત્રી
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.