
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
બે વ્યક્તિઓ પગપાળા પ્રવાસ કરી રહી હતી. સાંજ પડી ગઈ હતી. હવે રાજમાર્ગથી ફંટાઈ એક નાની સડક પર ચાલવાનું હતું. થોડો સમય ચાલ્યા પછી રસ્તો ફંટાયો અને એકમાત્ર પગદંડી પર ચાલવાનું હતું.
સૂરજદેવ સંપૂર્ણ અસ્તાચળે જતાં પૃથ્વી પર ધીરે ધીરે અંધારાના ઓળા ઉતરવા લાગ્યા હતા. બન્ને વ્યક્તિમાંથી એક વ્યક્તિ પાસે ફાનસ (લાલટેન) હતું. તેણે ખીસ્સામાંથી માચીસ કાઢી અને ફાનસ પ્રગટાવ્યું અને બન્ને આગળ ચાલવા લાગ્યાં. જેની પાસે લાલટેન નથી એ વ્યક્તિ પણ નિશ્ચિતતાથી આગળ ચાલી રહી હતી, કારણ કે સાથે રહેલી વ્યક્તિ પાસે જે ફાનસ હતું તેને અજવાળે એ પણ ચાલી રહી હતી. બન્ને ગપશપ કરતા મોજથી આગળ વધી રહ્યા હતા.
જંગલને રસ્તે મધ્યરાત્રિ થવા આવી હતી. જેની પાસે ફાનસ હતું તે તેની સાથેની વ્યક્તિને કહે છે કે, 'તારે દક્ષિણ દિશા તરફ આગળ વધવાનું છે, જ્યારે મારું ગંતવ્યસ્થાન પૂર્વ તરફ છે. જ્યારે તારી મંજિલ દક્ષિણ તરફ છે. હવે અહીંથી આપણા બંનેના માર્ગ જુદા છે' એમ કહી તે વ્યક્તિ પોતાનું ફાનસ લઇ અને નિશ્ચિતતાથી પૂર્વ તરફ આગળ વધી.
હવે જેની પાસે ફાનસ ન હતું તેને જંગલના આવાં ઘોર અંધારામાં ચાલવાનું અતિમુશ્કેલ બની ગયું હતું. બીજી વ્યક્તિ વિચારે છે કે, 'મેં ઉધારના અજવાળે આગળ વધવાનું સાહસ કર્યું. ખરેખર તે દુઃસાહસ હતું. મારે મારો દીવો આવી વિકટ યાત્રામાં સાથે લેવાની જરૂર હતી. આડબીડ જંગલના અટપટા રસ્તે ચાલવું અતિવિકટ બની ગયું.'
આપણી જીવનયાત્રાનું કાંઇક આવું જ છે. આપણે નિશ્ચિત છીએ કે 'મારે શું ચિંતા ? મારી સાથે મારા ગુરુ છે ને ! ગુરુના જ્ઞાનના અજવાળે હું સરળતાથી મારી જીવનયાત્રામાં આગળ વધી રહ્યો છું, પણ અહીં આપણે ગંભીરતાથી ચિંતન કરવાની જરૂર છે કે એક દિવસ મારો પણ ગુરુવિયોગ થવાનો છે, પછી શું ?'
ભગવાન બુદ્ધ કહે છે કે, अप्प दीपों भवः'એટલે તું તારો દીપક થા. માત્ર આપણે જ આપણો દીપક પ્રગટાવવો જોઇએ.
ભગવાન મહાવીર કહે છે કે, अपणा सच्चेमें सज्जा. આપણે સ્વયં સત્યની શોધ કરવી જોઇએ.
બુદ્ધની રોશનીએ તેનો શિષ્ય આનંદ ચાળીસ વર્ષ ચાલ્યો. ગુરુની સમીપે પડછાયા જેમ રહ્યો. બુદ્ધ કહે છે કે, 'હવે હું વિદાય લઇ રહ્યો છું, મારે જવાનો સમય થઇ ગયો છે.' જેણે મેળવ્યું હતું તે બધાં જ સ્વસ્થ હતાં. તેમની ગુરુનો વિરહ જીરવવાની પૂર્ણ તૈયારી હતી. તેથી સ્વસ્થ હતા. આનંદને રડતો જોઇને બુદ્ધે કહ્યું કે, 'હું તને સતત કહેતો હતો કે, તું તારો દીપક થા.' હવે આનંદને ઝબકારો થયો ને સમજાયું કે, 'આ પ્રકાશ મારો પોતીકો ન હતો, આ તો ઉધારની રોશની હતી.'
ઓશો કહે છે કે, 'સ્વયંની રોશની જ આત્માનો સાચો શણગાર કે પથદર્શક છે. બાકી ઉધારનો ઉજાશ અચાનક અંધકાર લાવી દેશે ને અધ્યાત્મયાત્રા થંભી જશે, આત્મોત્થાન અટકી જશે.'
અખો કહે છે કે, 'ગુરુ કહે છે તે જ્ઞાન, તેમનું તેમજ સમજી સ્વીકારી લેવું એવું એમ નહીં, તેને સમજ દ્વારા આત્મજ્ઞાનની કસોટીએ ચડાવીને સ્વીકારેલું જ્ઞાન જ ગુરુ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવશે. ગુરુ મળ્યા પછી પણ મારો આત્મા પણ મારો ગુરુ છે, તે વિસરવું જોઇએ નહીં. હિતશિક્ષાની પાત્રતા કેળવ્યા પછી શિષ્ય માટે સદ્ગુરુ કલ્પવૃક્ષની છાય સમાન છે.
મહાત્મા ગાંધી કહે છે કે, 'આ કાળમાં સદ્ગુરુ મેળવવા મુશ્કેલ છે. સદ્ગુરુની શોધ ચાલુ જ રહેવી જોઇએ, પણ જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી મારો આત્મા જ મારો ગુરુ છે તે સ્વીકાવું.'
સ્વામી વિવેકાનંદ કહે છે કે, 'ગુરુમાં આધ્યાત્મિક શક્તિ અને સ્પંદનો હોય તો જ તે ગુરુ સફળ થાય. આદર્શ શિષ્ય એ જ કહેવાય જેને જ્ઞાનની તરસ હોય અને ગુરુ મેળવવાની ઝંખના હોય.' જેને ગુરુ મેળવવાનો તલસાટ હોય એવા શિષ્યના હૃદયમાંથી સતત ગાન પ્રગટે -
''અહિલ્યા થઇને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં;
ગુરુ મમ રામ થઇ આવો; તમારો સ્પર્શ ઝંખું છું.''