
- ભય હોય છે તેના કરતાં કાલ્પિનક વધુ હોય છે. ભયને પંપાળીએ તો વધુ ભયભીત થવાય. ભય સામે ઊંચુ મનોબળ રાખીએ તો ભયનું દહન થાય,ભય પરાજિત થાય
વર્તમાન સમયમાં વિશ્વમાં તેમજ સમાજજીવનમાં હિંસા,અસત્ય છળ,કપટ-જૂઠ-દગાખોરી તેમજ યુદ્ધજવર-ઉન્માદનું પ્રમાણ દિન-પ્રતિદીન વધતાં ચાલ્યા છે. ચોમેર આંતરિક અશાંતિ છે,ચોમેર ભય છે - ડર છે જેથી ઉદ્વેગ,વિષાદ-વ્યથા ઉન્માદે સૃષ્ટિ વિષમય બની રહી છે. ભય અને ડરની હાજરીએ સમાજમાં અનેક નકારાત્મક ભાવોવૃત્તિઓ અને દુર્ગુણોમાં વૃધ્ધિ કરી છે. આ ભય-ડરવૃત્તિ એ સત્કાર્યો- સેવાકાર્યો માટે બાધારૂપ બની રહે છે. સામાન્યત:મનુષ્યને હરહંમેશ અજ્ઞાાન-અણસમજ અને અસમંજસની સ્થિતિ ભયભીત કરે અને બિનજરૂરી ડર ઉભો કરાવે. વાસ્તવમાં ભય હોય છે તેના કરતાં કાલ્પિનક વધુ હોય છે. ભયને પંપાળીએ-સ્વીકારીએ તો વધુ ભયભીત થવાય પણ ભય સામે ઊંચુ મનોબળ અને સબળા વિચારો રાખીએ તો ભયનું દહન થાય- શમન થાય અને ભય પરાજિત થાય.
જ્યારે નિર્ભયતા અંગે સહજ સમજીએ તો જ્યાં ભય નથી ત્યાં મનુષ્ય સ્વામીની,પરિશ્રમી,સ્વાશ્રયી, પવિત્ર અને સહજ આધ્યત્મભાવ ધરાવે ત્યાં સ્વનો વિચારવૈભવ,અભિપ્રાય અને સદ્ગુણો વિકસે,નિર્ભયતા એ મનુષ્ય જ્ઞાાની અને ગુણી બને. વિશેષ મનુષ્યને જે તે બાબતનું જ્ઞાાન-સમજણ-જાણકારી હંમેશા નિર્ભયતા તરફ દોરે. વિશેષ રજૂ કરીએ તો જ્યાં જ્યાં મનુષ્ય પાસે સત્યઅહિંસા,નિતિમતા અને પવિત્રતા છે. ત્યાં અવશ્ય નિર્ભયતા કેળવાય. મનુષ્યએ નિર્ભયતાનાં સદ્ગુણોને- સાત્વિકભાવોને કેળવી જતન કરી સફળતા-સિધ્ધિ મેળવવી હોય તો- 'હૃદયમાં અહિંસા ધારણ કરો. અહીં વાણીથી થતી અહિંસા-મૌનનો સુચક સમાવેશ છે,સત્યના રસ્તે ચાલીએ તો નિર્ભય બનાય માટે સત્યને અનુમોદન,છળ-કપટ- જૂઠથી જાતને બચાવીએ તો નિર્ભયતા સ્વયં પ્રકટે ! પરિશ્રમી-પુરુષાર્થી- શ્રદ્ધાવાન બનીએ તો, આ સદ્ગુણો કેળવીએ તો મનુષ્યને અવશ્ય સિદ્ધિ-સફળતા હાંસલ થાય જ ! આમ મનુષ્ય એ જીવનયાત્રામાં સફળ થવા નિર્ભયપણું- નિર્ભય બનવું આવશ્યક બની રહે છે. સૌનું કલયાણ થાઓ- મંગલ થાઓ.