
ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોને સોમવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા 65 કરોડ રૂપિયાના મીઠી નદી સફાઈ કૌભાંડ સંદર્ભે પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જ્યારે મુખ્ય આરોપી સાથે વાતચીતમાં ખુલાસો થયો ત્યારે ડિનોનું નામ સામે આવ્યું. ડિનોનું નામ સામે આવ્યા પછી આર્થિક ગુના શાખાએ તેને સમન્સ મોકલ્યું અને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
ડિનો સાથે પૈસાનો વ્યવહાર થયો હોવાનું પણ જાણવા મળ્યું
રિપોર્ટ મુજબ તપાસ દરમિયાન મીઠી નદી સફાઈ કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમ, ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનો વચ્ચેના અનેક ફોન કોલ્સનો ખુલાસો થયો હતો. તેમની આ વાતચીતની પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. કોલ રેકોર્ડ ઉપરાંત તપાસ દરમિયાન ડિનો સાથે પૈસાનો વ્યવહાર થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, શું ડિનોને આરોપી કેતન અને અન્ય પાર્ટીની ડીલ વિશે માહિતી હતી.
શું છે મીઠી નદી સફાઈ કૌભાંડ?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કૌભાંડ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા નદી ડ્રેજિંગ મશીનો અને સાધનોના ભાડામાં કથિત નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત છે. થોડા અઠવાડિયા પહેલા આર્થિક ગુના શાખાએ આ કેસમાં બે આરોપીઓ, કેતન કદમ અને જયેશ જોશીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે આરોપ એવો છે કે, કેતન કદમ અને જયેશ જોશીએ સાધનોના પુરવઠામાં વચેટિયા તરીકે કામ કર્યું હતું. બંને આરોપીઓએ સ્ટોર્મ વોટર ડ્રેઇન વિભાગ અને મેટપ્રોપના અધિકારીઓ સાથે મળીને BMC પાસેથી સફાઈ સાધનો માટે વધુ કિંમતો વસૂલ કરી હતી. જેમાં હવે આર્થિક ગુના શાખા આ મામલે તપાસ કરી રહી છે.